________________
હે નાથ ! હું આપનો દાસ છું. હે જગતને શરણ કરવા યોગ્ય પ્રભુ ! આપ મારી રક્ષા કરો. આપ મારા ઉપર પ્રસન્ન થાઓ.'
આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી દેશના સાંભળવા યથાસ્થાને બેઠા. દેશનાને અંતે સુંદરીએ પ્રભુને કહ્યું, “હે નાથ ! આપ મારી ઉપર પ્રસન્ન થાઓ અને દીક્ષાના દાન વડે આ સંસારમાંથી મારો ઉદ્ધાર કરો.' આથી પ્રભુએ સુંદરીને દીક્ષા આપી. ભરત રાજા સુંદરીનો દીક્ષા મહોત્સવ કરી, પ્રભુને નમીને પોતાની નગરીમાં પાછા આવ્યા. • ભરત નરેશ્વરના અટ્ટાણું ભાઇઓની દીક્ષા :
એક વખત ભરત રાજાએ પોતાના નાના ભાઇઓને બોલાવવા માટે દૂતો મોકલ્યા. દૂતોએ વેગથી જઈ તે અઢાણું ભાઇઓને સમતાયુક્ત વચનોથી ભારત પાસે જવા કહ્યું, તો પણ તેઓ માન્યા નહીં. એટલે દૂતોએ કઠોર વચનોથી કહ્યું, “જો તમારે જીવિતથી અને રાજ્યથી કામ હોય તો ભરત રાજાની સેવા કરો.”
દૂતના મુખેથી આવા કટુ વચનો સાંભળી, તેઓ અતિશય માન ધરી, અષ્ટાપદગિરિ પર પ્રભુની પાસે ગયા. ત્યાં પ્રભુની સ્તુતિ કરી, નેત્રોમાં અશ્રુ લાવીને પોતાનો વૃત્તાંત પ્રભુને કહ્યો કે, “પૂજય પિતાજી ! જ્યારે આપે દીક્ષા લીધી, ત્યારે આપે આપની ઇચ્છા મુજબ અમને અને ભરતને રાજય વહેંચી આપ્યા હતા. વડીલબંધુ ભરતે છ ખંડનો ગ્રાસ કર્યો છે અને અમે તો આપે આપેલા રાજ્યથી જ સંતોષ માની, આપની ભક્તિમાં મગ્ન થઇને દિવસો નિર્ગમન કરીએ છીએ. તો પણ એ જ્યેષ્ઠબંધુ અમારા રાજ્યો લેવા ઇચ્છે છે. તો આપ પૂર્વની જેમ અમને યથાયોગ્ય ઉપદેશ આપો.'
તેમની વાત સાંભળીને જગત હિતકારી પ્રભુએ કહ્યું, “વત્સો ! ક્ષાત્રતેજવાળા ક્ષત્રિયોએ શત્રુઓને મારવા જ જોઇએ. રાગ-દ્વેષ એ બે તમારા મોટાશત્રુ છે. તેઓ શત્રુતામાં પરાયણ થઇ, તમારી પાસે જ રહીને તમારા પુન્યરૂપ સર્વસ્વને હણી નાંખે છે. આ સંસારરૂપ સાગરમાં રાગ શિલાઓના સમૂહ જેવો છે અને દ્વેષ બોધિ રૂપ કલ્પવૃક્ષને મૂળમાંથી બાળનાર અગ્નિ જેવો છે. માટે હે વત્સ ! તમે આત્મસામ્રાજયને અખંડિત રાખવા માટે વ્રતરૂપ સામ્રાજ્ય મેળવી, અતિ દારૂણ એવા તપ રૂપ અસ્ત્ર વડે રાગદ્વેષ રૂપ મહાશત્રુનો વિનાશ કરો.”
આ પ્રમાણે પ્રભુના વચન સાંભળવાથી સમકિત પામી, વૈરાગ્ય પામેલા તેઓએ અક્ષયસુખ મેળવવાની ઇચ્છાથી ત્યારે જ પ્રભુની પાસે વ્રત ગ્રહણ કર્યું. તેમનું આવું સાહસ જોઇ, દૂતોએ આવી તે વૃત્તાંત ભરત ચક્રવર્તીને જણાવ્યો. ત્યાર પછી ભરતે તે સર્વ રાજ્યો ગ્રહણ કર્યા અને તેમના પુત્રોને પોતાને સ્વાધીન કરી તે રાજયો ઉપર બેસાડ્યા.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૭૧