________________
ખગ લઇને તે કુમારને મારવા દોડ્યો. રાજકુમાર પણ યુદ્ધ કરવા સજ્જ થયો. થોડી જ વારમાં કુમારે ખગવિદ્યાના પ્રભાવથી તે વિદ્યાધરનો પરાભવ કર્યો. પરાસ્ત થયેલા વિદ્યાધરે રાજકુમારને કહ્યું, ‘પૂર્વે હું કોઇનાથી જીતાયો નથી, છતાં આજે તમે તમારા પરાક્રમથી મને જીતી લીધો છે. હું પાપી છું અને તમે પ્રાણીઓના હિતકારી છો. તેથી સર્વત્ર ધર્મથી જ જય થાય છે, તે સત્ય જ છે.”
રાજપુત્રે કહ્યું, “હે મહાનુભાવ ! તમે ખેદ ન કરો. સ્ત્રીહત્યાના પાપથી પાછા ફરો અને સેંકડો સુખને આપનાર શ્રી જિનેશ્વરની આજ્ઞાની આરાધનામાં તત્પર થાઓ.” રાજકુમારની આવી મધુર વાણીથી ખુશ થયેલા વિદ્યાધરે તેનું વચન સ્વીકાર્યું.
ત્યારબાદ રાજપુત્રે વિદ્યાધરને પૂછ્યું કે, “આ કુમારિકા કોણ છે ? વિદ્યાધરે કહ્યું, “કલ્યાણકટક નગર, ત્યાં કલ્યાણસુંદર રાજા છે. તેની કલ્યાણસુંદરી પટ્ટરાણી છે, ગુણસુંદરી નામે આ તેની કુંવરી છે.
વિદ્યાસિદ્ધિ કરવા હું એને અપહરણ કરીને અહીં લાવ્યો છું. તમે આ કુમારિકાને જીવનદાન આપ્યું અને નરકમાં પડતાં મારો ઉદ્ધાર કર્યો. આથી તમે અમારા ઉપાકરી છો. આ કન્યાનો ૧ મહિના પછી સ્વયંવર થવાનો છે.”
રાજકુમારે કહ્યું, “જો એમ છે તો આ કુમારીને તેના પિતાને ઘેર તત્કાળ પહોંચાડો.” રાજકુમારના કહેવાથી વિદ્યારે પોતાની વિદ્યાશક્તિથી તે બાળાને તત્કાળ તેને ઘેર પહોંચાડી. કુમારિકા પાછી મળી જવાથી તેના સ્વજનોને આનંદ થયો.
વિદ્યાધરે કુમારને સોળ વિદ્યાઓ આપી અને કુમારે તેને જૈનધર્મનો ઉપદેશ આપી, ધર્મમાં જોડ્યો. એટલામાં આમ-તેમ જોતાં કુમારે પૂર્વ દિશામાં એક ઊંચો પ્રાસાદ જોયો. તેથી વિદ્યાધરને પૂછ્યું કે, “આ કોનો મહેલ છે ?' વિદ્યાધરે કહ્યું, “આ પ્રાસાદસંબંધી હું મારી કથા કહું છું, તે આપ સાંભળો !”
વૈતાઢય પર્વત ઉપર રત્નપુર નામે નગર છે. ત્યાં મણિચુડ રાજા રાજય કરતો હતો. તેને રત્નપ્રભ અને રત્નકાંતિ નામે બે કુમારો થયા. તેઓ પિતૃભક્ત અને વિદ્યારસિક હતા. કેટલાક વર્ષો સુધી રાજય કરી, મણિચુડ રાજાએ પોતાનું રાજય રત્નપ્રભને આપી પોતે વ્રત ગ્રહણ કર્યું.
રત્નપ્રભે સત્તાના મદમાં છકી જઈને પોતાના નાના ભાઈ રત્નકાંતિને નગરમાંથી કાઢી મૂક્યો. તે અહીં નવું નગર વસાવીને રહ્યો છે. તે રત્નકાંતિ હું છું. અહીંના સ્વામી શ્રી શાંતિનાથ ભગવાન છે. મારા ભાઈ રત્નપ્રભ ઉપર વિજય મેળવવા માટે હું વિદ્યાસાધના કરતો હતો. તેમાં થતા અનર્થથી તમે મને બચાવ્યો છે. હવે ચાલો આપણે જિનાલયે પ્રભુભક્તિ કરીએ.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૨