________________
પાંચમું ચૈત્યવંદન છે આદેશ્વર દાદાનું... જેમ આપણને મનમાં કલ્પના હોય છે કે જો સારી મૂડી થાય તો આવો બંગલો બનાવીશું, આવી ફેકટરી બનાવીશું, તો તેના માટે પહેલાં મનમાં જ નક્કી કરવું પડે છે ને ! પહેલાં મનમાં બધો Plan ગોઠવાય, પછી તે નકશામાં (Drawing) આવે અને પછીથી હકીકતમાં આવે છે. એટલે અત્યારે આપણે મનમાં ગોઠવવાનું છે કે મને આત્મભાવ પ્રાપ્ત થાવ, મને રાગ-દ્વેષની શાંતિ મળો, મને સ્નેહપરિણામ મળો, મને નિર્લેપભાવ મળો. કોઇપણ જાતનો લેપ મને લાગે નહીં. એમ આ ચાર ભાવની ભાવના આપણે ક૨વાની છે. આવી ભાવના કરી અને પછી જો આદેશ્વરદાદાનાં દર્શન થાય તો પરમાત્મભાવ આવે છે. મનુષ્યભવની અંદર જો કોઇ કર્તવ્ય હોય તો એ આત્મામાં રહેલા પરમાત્મપણાને ખોલવાનું છે. આપણે અનંત ખજાનાનાં સ્વામી એવાં પરમાત્મા છીએ પરંતુ ખબર નથી એટલે દુનિયા પાસે ભીખ માંગતા ફરીએ છીએ. હકીકતમાં આપણો આત્મા અનંત શક્તિ, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર, અનંત સુખનો સ્વામી છે. એ આત્મભાવ, પરમાત્મભાવ મેળવવા માટે આદેશ્વરદાદાની ભક્તિ, ચૈત્યવંદન કરવાનું છે. એટલે,
પહેલું ચૈત્યવંદન એ સ્નેહભાવનું...
બીજું ચૈત્યવંદન એ સમભાવ કે સમતાનું...
ત્રીજું ચૈત્યવંદન એ આત્મભાવ એટલે આત્મ-રમણતાનું... ચોથું ચૈત્યવંદન એ નિર્લેપભાવ એટલે નિર્લેપપણાનું...
પાંચમું ચૈત્યવંદન એ પરમાત્મભાવ મેળવવા માટેનું છે.
પહેલાં ફક્ત વિચાર જ કરવાનો છે. કદાચ અત્યારે આપણને તેવી લાગણી (Feeling) થવાની નથી. જેવી રીતે બંગલાનો વિચાર કરતાં-કરતાં પુરુષાર્થ જાગે છે, મૂડી ભેગી કરીએ છીએ અને બંગલો બને છે. ફેકટરીનો વિચાર કરતાંકરતાં ફેકટરી પણ બને છે. તેવી રીતે આ વિચાર સતત કરીશું તો આપણે પણ પરમાત્મા આદિનાથ જેવા જ થઇ જઇશું. હકીકતમાં આપણે પોતે પરમાત્મા છીએ પણ અત્યારે આપણું પરમાત્મસ્વરૂપ ઢંકાઇ ગયું છે એ ખુલ્લું થઇ જશે.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૪૭૩