________________
નવ્વાણું યાત્રા
આ અવસર્પિણ કાળમાં... પ્રથમ તીર્થંકર આદિનાથ દાદા ને શત્રુંજય ગિરિરાજની ભૂમિ ઉપર ખૂબ જ આલ્હાદ ઉત્પન્ન થયો... તેઓ પોતાના સંયમ જીવન દરમ્યાન પૂર્વ નવ્વાણુ વાર ગિરિરાજ ઉપર પધાર્યા... તેમના જીવનમાં કરેલી એ ગિરિસ્પર્શનાના આલંબન રૂપે વર્તમાન સમયમાં નવ્વાણું યાત્રા ચાલે છે.
આ ગરવા ગિરિરાજની ૯૯ યાત્રા કરવાથી સતત... આખો દિવસ... સવારે ઉઠતાં જ મહિમાવંતા ગિરિરાજની યાદ... છેલ્લે ઉંધે ત્યારે પણ સવારના યાત્રા કરવા જવાનું છે. એ ભાવ સાથે...
નવ્વાણું યાત્રા કરવાથી સૌ પ્રથમ તો શરીર પ્રત્યે મમત્વ ઓછું થાય છે. પરમાત્મા પ્રત્યે, શત્રુંજય તીર્થભૂમિ પ્રત્યે મમતા જાગે છે.
જ્યાં અનંતા આત્માઓ શુભ - શુદ્ધ ભાવો દ્વારા પોતાના આત્માને ભાવિત બનાવી પરમપદને પામ્યા તે ભૂમિની સ્પર્શના આપણા માત્ર દેહને નહિ પણ અંતર આત્મો ખૂબ જ ભાવિત કરે છે. આપણા અંતઃકરણની મલિનતાને પવિત્રતમ બનાવે છે. કેટલાય પુણ્યાત્માઓ યાત્રા કરવા પધાર્યા છે તેમના જીવનમાં રહેલા આદર્શો પામી આપણા પોતાના જીવનને આદર્શમય બનાવી શકીએ છીએ.
જય જય શ્રી આદિનાથના રટણ સાથે ગરવા ગિરિરાજની સ્પર્શના દ્વારા... આત્માનુભૂતિ થાય છે.
ઉપર ચઢતા... કેન્દ્રમાં સિદ્ધગિરિ, વિચારમાં દાદા આદિનાથ નીચે ઉતરતા પણ દાદા આદિનાથના રટણમાં...
વાહ કેવી મહિમાવંતી નવ્વાણું યાત્રાની ભવ્યતમ આરાધના.
સચિતનો ત્યાગ, ભૂમિ સંથારો, એક વખત આહાર, પગે ચાલવું, બ્રહ્મચર્ય પાળવું, આવશ્યકક્રિયા એટલે તેનું બીજું નામ છે છ'રી તે આ પ્રમાણે છે
(૧) સચિત્ત પરિહારી, (૨) ભૂમિ સંથારી, (૩) એકલ આહારી, (૪) પાદચારી, (૫) બ્રહ્મચારી, (૬) આવશ્યકકારી.
આવી સુંદર મજાની યાત્રા કરવાથી આત્મામાં મૈત્રી, પ્રમોદ, કરૂણા, માધ્યસ્થભાવો વૃદ્ધિ પામે છે.
***
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦૪૬૪