________________
તો વળી પુંડરીક સ્વામીનો મહિમા પણ ખરો ને ? યાત્રા કરવા આવનારા ભાવિકો પોતે જાતે ગિરિરાજ ચડે પણ સાથે ડોળીવાળા રાખ્યા હોય. કારણ ? ડોળી પોતાને બેસવા માટે નહિ, ૧૫૦ ફળ અને ૧૫૦ નૈવેદ્યનો થાળ પુંડરીક સ્વામીના ચરણે ધરવાનો હોય. એ ફળ-નૈવેદ્યના બોક્ષ ઉપાડવા માટે ડોળી કરાવી હોય. આ દશ્ય નજરોનજર જોયું છે... ને હૈયું ઝૂક્યું છે.
ફળો પણ સામાન્ય નહિ. એક્સપોર્ટ ક્વોલિટીના... એમાં ય... ચૈત્ર મહિનો એટલે કેરીની સિઝન. મુંબઈની રત્નાગિરિની હાફૂસ કેરીઓ, કલીંગર મોટા મોટા, શ્રીફળ, મોટા મોટા નારિયેળ, કેળાની આખી લૂમો, દાડમ અને સફરજન પણ એક અડધો કિલોનો હોય આવા ફળો પ્રભુ પાસે ધરાય છે.
નૈવેદ્ય પણ ઓર્ડરથી બનાવડાવેલા અને સાઇઝ તો enlarge - આખી થાળી જેવડા ઘેબર, પેંડા તથા મોહનથાળ, બરફીના પીસ અડધો અડધો કિલોના. એક એક નૈવેદ્ય લગભગ ૩૦૦ રૂ. કિલો થાય એવા મોંઘા અને સ્વાદિષ્ટ નૈવેદ્યો પરમાત્માને ધરાવેલા જોઇને હૈયું - આંખો ધરાઈ જાય.
મજૂરોને પણ દાદાના દર્શન...! એક એવો અદ્દભૂત પ્રસંગ જોયો ગિરિરાજ ઉપર, જેનું વર્ણન કરતાં હૈયું પુલકિત થાય છે.
આજના જમાનાનો હાઈફાઈ લાગતો એક યુવાન પણ... જબરો પ્રભુભક્ત...! એ ગિરિરાજની યાત્રાએ આવેલો. એટલું જ નહિ પરમાત્માની વિશિષ્ટ આંગી બનાવવા માટે લગભગ દસેક થેલા ભરીને સામગ્રી લાવેલો. એ સામગ્રી ઉપર ચડાવવા માટે મજૂરોને નક્કી કર્યા. મોં માગ્યા રૂપિયા આપવાનું નક્કી કરી થેલા ઉપડાવ્યા. પણ.. પછી યુવાને પોતાના હૈયાની વાત કરી કે,
આજે તમારે બધાએ ભાવથી ભગવાનના દર્શન કરવાના. એ માટે હું તમને ૫૦ રૂા. વધારામાં બક્ષીસ રૂપે આપીશ.'
મજૂરો પણ આ યુવાનની પ્રભુભક્તિ અને ઉદારતા જોઇને ઓવારી ગયા. બધા મજૂરો આનંદભેર ઉપર ચડ્યા. બધાએ ભાવથી આદિનાથ દાદાના દર્શન કર્યા ત્યારે યુવાન આનંદથી નાચી ઉઠ્યો.
મારા દાદા - સૌના દાદા... મારા ભગવાન - સૌના ભગવાન.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૪૩૪