________________
અહીં ૧૪ રાજલોકનો પટ પણ આરસમાં કોતરેલો છે. જૈન શાસ્ત્રો પ્રમાણે સમગ્ર વિશ્વનું સ્વરૂપ ૧૪ રાજલોકમય છે. આજનું શોધાયેલું આ વિશ્વ તો આ રાજલોકની સામે એક નાનકડા બિંદુ જેટલું ગણાય.
ત્યાંથી પાછા ચૌમુખજીની ટૂંકમાં થઇને બીજી ટૂંકમાં જઇએ.
બીજી ટૂંકે જઇ કર્મ ખપાવશું
(૨) છીપાવસહીની ટૂંક ઃ આ નાની ટૂંક ભાવસાર ભાઇઓએ વિ.સં. ૧૯૭૧માં બંધાવી છે. મૂળનાયક આદેશ્વર ભગવાન છે. ભાવસાર ભાઇઓ રંગારા હોવાથી મૂળનાયકને પણ રંગ ચડાવેલ છે.
છ નાની દેરી અને ૧૪ મોટી દેરીના મળીને કુલ ૪૮ ભગવાન છે. બધાને ‘નમો જિણાણં’ કરીએ. પછી ગઢને અડીને રહેલા દેરાસરમાં શ્રેયાંસનાથ ભગવાનને નમીએ ‘નમો જિણાણું.’
બહારના ઢોળાવ ઉપર શ્રી અજિતનાથ ભગવાન અને શ્રી શાંતિનાથ ભગવાનની પાસે-પાસે દેરી છે. તે બંને ભગવાનને વંદન કરીએ. ‘નમો જિણાણું.’
બીજા અજિતનાથ ભગવાન અને સોળમા શાંતિનાથ ભગવાને શત્રુંજય ગિરિરાજ ઉપર એકેક ચોમાસા કર્યા હોવાથી તે બે ભગવાનની આ દેરીઓ બનાવી છે.
સાંભળવા પ્રમાણે પૂર્વે આ બંને દેરીઓ સામસામે હતી. પૂ. નંદીષેણસૂરિ મહારાજે અત્રે અજિતશાંતિસૂત્રની રચના કરી હતી. તેના પ્રભાવે સામ-સામેના બદલે પાસે પાસે થઇ ગઇ. જેથી એક ભગવાનનાં દર્શન કરતાં બીજા ભગવાનને પૂંઠ ન પડે. આપણે તેમને વંદના કરીને ત્રીજી ટૂંકમાં પ્રવેશીએ.
ત્રીજે તે પાપ પલાય પ્રભુજી !
(૩) સાકરવસહી : અમદાવાદના શેઠ સાકરચંદ પ્રેમચંદે વિ.સં. ૧૯૮૩માં આ ટૂંક બંધાવી છે. મૂળનાયક તરીકે પંચધાતુના શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન છે. તેમની સામે સ્તુતિ બોલી, સાથિયો કરી, ચૈત્યવંદન કરીએ.
આ ટૂંકમાં રહેલા બીજા દેરાસરમાં ચંદ્રપ્રભસ્વામી તથા ત્રીજા દેરાસરમાં રહેલા પદ્મપ્રભસ્વામીને તથા નાની મોટી દેરીમાં રહેલા સર્વ જિનેશ્વરોને નમો જિણાણું કહી, વંદના કરીને ચોથી ટૂંકમાં જઇએ.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૪૧૪