________________
પોતાના બંને પુત્રોને રાજયની જમીન વહેંચી આપી હતી. છતાં બંને ભાઇઓ જમીનની બાબતમાં યુદ્ધે ચડ્યા. ભયંકર યુદ્ધ થયું. દશક્રોડ માણસોનો કચ્ચરઘાણ વાળી નાંખ્યો. તેમાં એમનો કોઇ પુન્યોદય જાગ્યો અને સુવલ્લુ નામના તાપસને જોયા. તેમણે બોધ આપ્યો. તેથી બંને ભાઈ સમજી ગયા, પણ હવે આ ભયંકર પાપથી છૂટવું કેમ...? તે માટે તેઓએ પોતાના બાકીના ૧૦ ક્રોડ સૈનિકો સાથે તાપસી દીક્ષા લીધી. જંગલોમાં – ગુફાઓમાં રહે છે. તેમાં એક વખત એક વિદ્યાધર પાસેથી શત્રુંજય તીર્થરાજનો મહિમા સાંભળીને યાત્રાર્થે આવ્યા. શુદ્ધ સાધુ બન્યા. અહીં આવ્યા પછી ૧૦ ક્રોડ મુનિઓ સાથે અનશન કર્યું. કારતક સુદ ૧૫ના બધા કેવળજ્ઞાન પામીને મુક્તિમાં ગયા. તેમની યાદીરૂપ આ દેરી છે. • અઈમુત્તો : અતિમુક્ત મુનિનો પ્રસંગ પણ જાણવા જેવો છે. આ મુનિવર છ વર્ષની નાની વયમાં દીક્ષા લઈ ગૌતમસ્વામીના શિષ્ય થયા. વૃદ્ધ મુનિઓની સાથે બહાર જંગલ ગયા હતા. પાછા વળતા રસ્તામાં વરસાદના કારણે પાણીના ખાબોચિયા ભરાઈ ગયેલા. તેમાં કેટલાક છોકરાઓ કાગળની હોડી બનાવીને તરાવતા હતા. આ બાલમુનિએ પણ બાલ સ્વભાવને વશ બનીને પોતાની પાતરી તરતી મૂકી દીધી. ત્યાં જ વૃદ્ધ મહાત્માઓ પણ આવી ગયા. અરે...! આ શું કર્યું...?
પરમાત્મા મહાવીર સ્વામી ભગવાનને ફરિયાદ કરી. પરમાત્માએ કહ્યું, અતિમુક્ત...! આનાથી તો પાણીના અસંખ્ય જીવોની વિરાધના કરી... આપણાથી થાય...? મિથ્યા દુષ્કત આપ... ઇરિયાવહી કર... આ નિર્મળ એવા બાલ મહાત્મા ઇરિયાવહી કરતા... પણગ-બગ આવ્યું ત્યાં પણગ-દમ, પણગ-દગ કરતા ધ્યાનમાં ચડ્યા... અરે... મેં મારા હાથે અસંખ્ય જીવો માર્યા... અહાહા...! મેં શું કર્યું...? પશ્ચાત્તાપ કરતા-કરતા કેવળજ્ઞાન પામી ગયા. કેવી અંતરની નિર્મળતા, કેવો હૈયાનો સાચો પશ્ચાત્તાપ... કેવળજ્ઞાન પામીને ઘણા વર્ષો સુધી વિચર્યા અને અહીં સિદ્ધગિરિ પર પધારીને મોક્ષમાં ગયા. તેથી તેમની સ્મૃતિમાં આ દેરી છે. • નારદજી : નારદજી માટે લોકોમાં ખરાબ છાપ પણ... નારદજી એટલે બ્રહ્મચર્યના અખંડ ઉપાસક, રાજાના અંતઃપુરમાં નારદજી પરવાનગી કે કોઇની રોકટોક વિના જઈ શકે એવી છાપ. એવા નારદજીએ જયારે દ્વારકાનગરીનો દાહ અને યાદવો ભસ્મીભૂત થયા છે તે સમાચાર સાંભળ્યા ત્યારે આ સંસારની વિષમ અવસ્થાને વિચારતા કાર્તિક પૂર્ણિમાના દિવસે અહીં ૯૧ લાખ મુનિવરોની સાથે કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. એમ આ ચારે પૂજયોની મૂર્તિ અહીં પૂજાય છે.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૮૫