________________
ઘણા અલંકારોથી જેઓ પ્રભુને શણગારે છે, તે ત્રણે ભુવનના અલંકારભૂત બને છે. જેઓ પ્રભુની સ્તુતિ કરે છે, તેઓ પોતે સ્તુતિ કરવા લાયક બને છે. પ્રભુને નમનાર આત્માઓને સહુ નમન કરે છે. ગીતપૂજા કરનાર આત્માના ગુણગાન થાય છે તથા ભક્તિપૂર્વક સંગીતપૂજા કરે તે જે પુન્ય પ્રાપ્ત કરે છે, તે તો વચનથી કહેવું શક્ય નથી. અર્થાત્ અહીં પ્રભુની જેવી ભક્તિ કરવામાં આવે, તેવું ફળ પ્રાપ્ત થાય છે. આ તીર્થમાં પરમાત્માને સ્નાન, વિલેપન અને માળારોપણ કરવાથી અનુક્રમે સો, હજાર અને લાખ દ્રવ્યના દાનનું ફળ થાય છે. અહીં જગત્પતિની રથયાત્રા માટે રથ આપનાર ચક્રવર્તીપણું મેળવે છે. નીરાજન=પોંખણું કરવાથી કર્મરજરહિતપણું પ્રાપ્ત થાય છે. જેઓ આ તીર્થમાં અશ્વદાન કરે તેને સર્વ તરફથી લક્ષ્મી મળે, હસ્તિદાન કરે તેને રૂપવાનશીલવાન સ્ત્રીઓ પ્રાપ્ત થાય. તથા - જેઓ પ્રભુને પંચામૃત સ્નાન માટે ઉત્તમ ગાયોનું દાન આપે તે રાજા થાય છે. જેઓ ચંદરવો, મહાછત્ર, સિંહાસન અને ચામર આપે તેમણે જાણે થાપણ મૂક્યા હોય તેમ બીજા ભવમાં તે બધું તેઓને વિશિષ્ટ પ્રાપ્ત થાય છે. જેઓ અહીં મહાધ્વજ અથવા ધજા ચઢાવે, તેઓ અનુત્તર વિમાનનાં સુખોને ભોગવી શાશ્વતપદ પ્રાપ્ત કરે છે. જેઓ આ તીર્થમાં સુવર્ણના, રૂપાના કે તાંબા-પિત્તળના કળશ કરાવે છે, તેઓ સ્વપ્નમાં પણ પીડા પામતા નથી અને શાશ્વત મંગલ કલશ પ્રાપ્ત કરે છે. જેઓ ઉત્તમ પટ્ટસૂત્રથી ગૂંથેલી આંગી કરાવે છે, તેઓ મુક્તિપદને પામે છે. જે ભાગ્યશાળી ભૂમિનું દાન કરે, તે શુભ ભાવવાળા પ્રાણીને ઉત્તમ ભોગસામગ્રી પ્રાપ્ત થાય છે અને નિર્મળ બુદ્ધિવાળા જે આત્મા ગામ તથા વાડી આપે છે, તે સમ્યગૃષ્ટિ ચક્રવર્તી થાય છે.
તીર્થાધિરાજમાં પુષ્પમાળાનું ફળ | આ તીર્થમાં જિનપૂજામાં જે દસ પુષ્પોની માળા ચઢાવે છે, તેને એક ઉપવાસનું ફળ મળે છે અને અનુક્રમે દસ-દસગણી માળાઓથી પ્રભુને પૂજા કરવાથી છઠ્ઠ, અઠ્ઠમ, પાસક્ષમણ, માસક્ષમણ વગેરે તપનું પુણ્ય પ્રાપ્ત થાય છે.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૮