________________
| શ્રી શત્રુંજય મહાતીર્થમાં પ્રભુપૂજાનું ફળ હે ઇન્દ્ર ! આ તીર્થમાં રહેલા યુગાદિદેવ શ્રી ઋષભદેવસ્વામીના ચરણકમળની સેવા કરવાથી ભવ્ય પ્રાણીઓ સર્વત્ર સન્માનીય, જગવંદ્ય અને નિષ્પાપ થાય છે. • જેઓ શીતલ અને સુગંધી જલથી શ્રી યુગાદિપ્રભુને અભિષેક કરે છે, તેઓ
પંચમજ્ઞાન મેળવી પાંચમી ગતિ=મોક્ષ મેળવે છે. જે મનુષ્યો ચંદનથી પ્રભુની પૂજા કરે છે, તેઓ અખંડ લક્ષ્મી પ્રાપ્ત કરે છે. બરાસથી પ્રભુને પૂજનાર પુરુષો જગતમાં શ્રેષ્ઠ બને છે. કસ્તૂરી અને કેસરથી જેઓ પ્રભુનું અર્ચન કરે છે, તેઓ ગુરુપદ પામે છે. ત્રણે જગતમાં કીર્તિ મેળવે છે. આ લોકમાં નિરોગી થાય છે, પરલોકમાં સદ્ગતિ પામે છે. જેઓ સુગંધી પુષ્પોથી આદર સહિત પૂજા કરે છે, તેઓ સુગંધી દેહવાળા અને ત્રણે લોકમાં પૂજનીય બને છે. બીજી પણ સુગંધી વસ્તુથી પૂજા કરનાર આ
સ્થાનમાં સમાધિમૃત્યુ મેળવે છે. પરંપરાએ સિદ્ધિપદ પામે છે. • પ્રભુની વાસક્ષેપ વડે પૂજા કરનાર મનુષ્ય આખા વિશ્વને પોતાના યશથી વાસિત
કરે છે. પરમાત્માને વસ્ત્રાલંકાર ધરવાથી વિશ્વમાં અલંકારરૂપ બને છે. વિવિધ પ્રકારે પૂજન કરવાથી (આંગી બનાવવાથી) દેવતાઓને પણ પૂજનીય બને છે. પ્રભુની પાસે ધૂપ કરવાથી પંદર દિવસના ઉપવાસનું ફળ મેળવે છે. કર્પરાદિ ઘણા સુગંધી પદાર્થો વડે ધૂપ કરવાથી વિશ્વ વિખ્યાત બને છે. પ્રભુની દીપક પૂજા કરે તેની દેહકાંતિ દેદીપ્યમાન થાય છે. અખંડ અક્ષતોથી સ્વસ્તિકાદિ આલેખનારાની સુખ-સંપત્તિ અખંડ થાય છે. અત્યંત હર્ષથી જેઓ પ્રભુ આગળ નૈવેદ્ય ધરે છે, તેઓ અત્યંત સુખ મેળવે છે. પ્રભુને મનોહર, સ્વાદિષ્ટ ફળો ધરવાથી મનોરથો સફળ થાય છે. પ્રભુની આરતી ઉતારનારને યશ, લક્ષ્મી, સુખ મળે છે. તેને સાંસારિક અર્તી=પીડા આવતી નથી, હોય તો દૂર થાય છે. જેઓ પ્રભુનો મંગલદીવો હાથમાં ધારણ કરે છે, તેમનો સંસાર સંબંધી અંધકાર નાશ પામે છે તથા તેને મંગલની પ્રાપ્તિ થાય છે.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૭