SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ તે સાંભળીને વૃક્ષની પાછળ રહેલા જરાકુમારે કહ્યું કે, “હું જરાદેવીનો કુમાર જરાકુમાર છું, અને કૃષ્ણની રક્ષા માટે હું આ વનમાં બાર વર્ષથી રહું છું. અહીં કોઈ માણસ ક્યારે પણ મારા જોવામાં આવ્યો નથી, તેથી મારા બાણના ઘાતથી પીડાયેલો તું કોણ છે ? જે સત્ય હોય તે કહે.' તે સાંભળી કૃષ્ણે કહ્યું, “ભાઈ જરાકુમાર ! અહીં આવ. જેને માટે તું વનવાસી થયો છે, તે હું કૃષ્ણ છું. તારો વનમાં રહેવાનો બધો પ્રયાસ વૃથા થયો છે. જે ભાવી થવાનું હતું, તે સત્ય થયું છે. તેમાં તારો જરાપણ દોષ નથી. પરંતુ હવે અહીંથી તું સત્વર ચાલ્યો જા, નહીં તો મારા વધના ક્રોધથી બલભદ્ર તને મારી નાંખશે. આ મારું કૌસ્તુભ રત્ન નિશાની તરીકે લઇને તું પાંડવોની પાસે જા અને તેમને આ સર્વ વૃત્તાંત જણાવજે. એટલે તેઓ તને સહાય આપશે.” આ પ્રમાણે કહેવાથી જરાકુમાર ઘણું ખેદ પામતો ત્યાંથી ગયો. તેના ગયા પછી બાણના ઘાતથી અને નરકનું આયુષ્ય બાંધેલું હોવાથી થોડીવાર કૃષ્ણને અશુભ લેશ્યા ઉત્પન્ન થઈ. પોતાનું એક હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી તે વેશ્યાથી મૃત્યુ પામીને કૃષ્ણ ત્રીજી નરકે ગયા. • બલભદ્રની દીક્ષા અને સ્વર્ગવાસ : આ બાજુ બલભદ્ર પાંદડાના પડિયામાં પાણી લઈને ત્યાં આવ્યા. ત્યાં પોતાના અનુજબંધુ કૃષ્ણને તેમણે પૃથ્વી પર સૂતેલા જોયા. “આ સુખે સૂતા છે.' એવી બુદ્ધિથી ક્ષણવાર તો તેઓ એમ જ ઊભા રહ્યા. તેવામાં કૃષ્ણના મુખમાં પેસતી મક્ષિકાઓ જોઇને તે મનમાં દુઃખ પામ્યા. એટલે વારંવાર સ્નેહથી કૃષ્ણને બોલાવવા લાગ્યા, પણ તે બોલ્યા નહીં એટલે હલાવી જોયા, તેથી તેમને મૃત્યુ પામેલા જાણ્યા એટલે બલભદ્ર તત્કાળ મૂચ્છ પામીને રુદન કરવા લાગ્યા. પછી વનમાં ચારે બાજુ દૃષ્ટિ નાખતાં તેના ઘાતકને ન જોયો એટલે તેમણે મોટો સિંહનાદ કરીને વૃક્ષોને અને પ્રાણીઓને કંપાવી દીધા. પછી અપૂર્વ સ્નેહથી કૃષ્ણના શબને સ્કંધ પર ઉપાડીને બલભદ્ર વને વને ભમવા લાગ્યા. વળી ક્ષણવાર નીચે મૂકી મીઠે વચને તેને બોલાવતા એવી રીતે સ્નેહથી મોહ પામેલા બલભદ્ર છ માસ નિર્ગમન કર્યા. ત્યારબાદ તેનો સારથી સિદ્ધાર્થ જે દેવ થયો હતો, તે ત્યાં આવ્યો. તેણે અતિ ભાંગી ગયેલા રથને સજ્જ કરવાની મહેનત કરીને, પત્થર ઉપર લતા વાવીને અને બળી ગયેલા વૃત્ત પર સિંચન કરી તેને નવપલ્લવ કરવાનો પ્રયત્ન કરી દેખાડીને બલભદ્રને કાંઇક બોધ પમાડ્યો. બલભદ્ર તે તે દષ્ટાંતોથી પોતાના ભાઈ કૃષ્ણને મૃત્યુ પામેલા જાણ્યા. એટલે તે દેવે પોતાનું સ્વરૂપ જણાવ્યું અને કૃષ્ણ ઉપરનો સ્નેહ જે બલભદ્રને મૂંઝવતો હતો તે ત્યજવા બોધ આપ્યો. છેવટે બલભદ્રે તે મોહ ત્યજ્યો અને તે દેવની શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૧૨
SR No.022723
Book TitleShatrunjay Mahatmya Sar
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarsuri, Kanakchandrasuri, Vajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year2012
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy