________________
પ્રસિદ્ધ થયો. આ કુંડના જળસંસર્ગથી વાયુની વ્યાધિ, પથરી, પ્રમેહ, કુષ્ટ, દાદર વગેરે રોગો નાશ પામે છે. તે જ પ્રમાણે હત્યાનું પાપ પણ નાશ પામે છે.
આ પ્રમાણે ઇન્દ્ર પાસેથી કુંડોનો તેવા પ્રકારનો પ્રભાવ સાંભળીને તેમાંથી જળ લઈ કૃષ્ણ વાસુદેવ નેમિનાથ પ્રભુનાં મંદિરમાં આવ્યા. ત્યાં ઇન્દ્રોની સાથે પ્રભુનું સ્નાત્ર કરીને કપૂર અને અગર ચંદન વડે તેઓએ પૂજા કરી. પછી કૃષ્ણ આરતી ઉતારી ઉત્સવ સાથે સુવર્ણ, રત્ન અને મણિના દાન આપીને ત્યાંથી સુવર્ણ ચૈત્યમાં રહેલા પ્રભુના ચરણની પૂજા કરી. ભક્તિરૂપ દામ-દોરડાથી કૃષ્ણ પોતાનું ઉદર બાંધ્યું હોવાથી દામોદર એવું પોતાનું નામ ધારણ કરીને દામોદર નામના દ્વારમાં કૃષ્ણ પોતાની મૂર્તિ કરવી અને અધિક ભક્તિ જણાવતા કૃષ્ણ પોતાના મસ્તક પર શ્રી નેમિનાથ પ્રભુનાં બિંબને ધારણ કરીને પોતે જ દ્વારપાળ થયા. • અમલકીર્તિ નદીનો પ્રભાવ :
રૈવતગિરિ ઉપર જ્યાં પ્રભુએ પોતાનું વસ્ત્ર મૂક્યું હતું, તે વસ્ત્રાપથ નામના તીર્થમાં કાલમેઘ નામે એક ક્ષેત્રપતિ થયો હતો ત્યાં પોતાના જળમાં સ્નાન કરનારા પ્રાણીઓને અમલ કરનારી અમલકીર્તિ નામની એક સરિતા હતી. તેમાં ભવ નામે દેવોનો અધિપતિ રહેતો હતો. તે ભવ પૂર્વે કોઈ સુંદર ચાલવાળો મૃગ હતો. વનમાં ભટકતાં કોઈ મુનિની પાસેથી રેવતાચલ તીર્થનું માહાભ્ય સાંભળી તે ત્યાં આવ્યો. એક વખતે દાવાનળ સળગવાથી તે વડે બળતાં મૃગલીની સાથે તે જળ પાસે આવ્યો. કુંડને જોઇ તીર્થની ભાવનાપૂર્વક તે તેમાં પડ્યો, જેથી મૃત્યુ પામીને તે ત્યાં જ ભવ નામે ક્ષેત્રના અધિષ્ઠાયક દેવતા થયો અને તે મૃગી મરણ પામીને કુંડની અધિષ્ઠાયક દેવી તરીકે વિખ્યાત થઇ. ત્યારથી તે બંને દેવ-દેવી લોકમાં પ્રસિદ્ધ થયાં, અને સર્વ મનુષ્યો તેઓને નિત્ય પૂજવા લાગ્યા. • વાનરી - રાજકુમારી :
કર્ણાટક દેશમાં ચક્રપાણિ નામે એક રાજા થયો. તેને પ્રિયંગુમંજરી નામે પત્ની હતી. એક વખત તેણે નારી જેવા મનોહર દેહવાળી પરંતુ વાનરી જેવા મુખવાળી એક પુત્રીને જન્મ આપ્યો. તેને જોઇને રાજા મનમાં વિસ્મય પામ્યો. અનર્થની શંકા થવાથી રાજાએ તેને નિવારવા સર્વત્ર શાંતિકર્મ કરાવ્યું. પ્રત્યેક જિનમંદિરમાં દેવપૂજા કરાવી અને સુપાત્રોની ભાવપૂર્વક ભક્તિ કરી. પ્રતિદિન વૃદ્ધિ પામતી એ સુંદર પુત્રી અનુક્રમે યૌવન પામી સૌભાગ્યમાં ઉત્તમ તે કન્યાનું સૌભાગ્યમંજરી એવું નામ પડ્યું.
એક વખત તે રાજસભામાં રાજાના ઉત્સંગમાં બેઠી હતી. તેવામાં કોઇ વિદેશી પુરુષ રાજાની સભામાં આવ્યો, તેણે સર્વ તીર્થના મહિમાનું સુંદર વર્ણન કરવા માંડ્યું.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૦૧