________________
આવો અંતરમાં વિચાર કરી એક પુત્રને કેડ ઉપર અને એકને હાથમાં લઈ શોક છોડી દઈ, પ્રભુનાં ચરણકમલના સ્નેહથી અંબિકા અચળ નિશ્ચયથી પેલા બંને મુનિનું અને તે ગિરિનું ચિત્તમાં સ્મરણ કરતી ગૃહવાસના બંધનો સર્વથા ત્યજી દઇને ત્યાંથી આગળ ચાલી. દુઃખથી આકુળ અને પૃથ્વી પર નેત્ર રાખીને ચાલતી અંબિકા નગરથી થોડેક દૂર ગઇ, એટલામાં જે બાળપુત્ર કેડ ઉપર તેડ્યો હતો, તે રોવા લાગ્યો. અતિ તૃષા લાગવાથી તે શિશુ “પાણી પાણી' પોકારવા લાગ્યો. ત્યાં બીજો પુત્ર પણ “હે માતા ! મને ભોજન આપ.” એમ કહેવા લાગ્યો. બંને બાળકોના કરૂણા ભરેલા રુદનથી અંબિકાને પાછો શોક ઉત્પન્ન થયો. તે રોવા લાગી અને વિચારવા લાગી કે,
“શ્રી જિનેશ્વરની સેવાને માટે હું તત્પર થઈ છું. પરંતુ આ મારા મુગ્ધ બાળકો સુધા અને તૃષાથી શોક કરે છે, મારા પુત્રને જોઇતી વસ્તુ આપવાને અસમર્થ એવી મને ધિક્કાર છે. આ પ્રમાણે ચિંતવી અંબિકા જરા નીચે બેઠી. એટલામાં તેણે પોતાની આગળ સ્વચ્છ જળ વડે ભરેલું એક પવિત્ર સરોવર જોયું અને તે સમયે જ પડખે રહેલી પાકી ગયેલી આમ્રફલોની લુંબ તેના હાથમાં આવી. તરત જ અંબિકાએ સરોવરનું જળ અંજલીમાં લઈ બાળકોને પાયું અને આમ્રફળ ખવડાવ્યું. મુનિદાનનું તાત્કાલિક આવું ફળ જોઈ, તેને આદરપૂર્વક ધર્મ ઉપર વિશેષ પ્રીતિ થઈ. • મુનિદાનના પ્રભાવથી સોમભટ્ટના આવાસમાં પ્રગટેલ સમૃદ્ધિ :
અહીં ઘેર અંબિકાની સાસુ કોપથી અંબિકાને અનેક પ્રકારના શ્રાપ આપતી, ચિત્તમાં પ્રથમના અન્નને ઉચ્છિષ્ટ માનીને નવું અન્ન બનાવવા માટે ઘરમાં આવી. ત્યાં તો તે મુનિ જેના ઉપર બેઠેલા તે આસનો સુવર્ણમય થયેલા અને સર્વ પાત્રો અન્નથી પૂર્ણ ભરેલાં જોઈ તે અત્યંત ખુશ થઇ. તે સમયે આકાશમાં વાણી થઈ કે, “અરે ક્રોધી સ્ત્રી ! તે મૂઢ થઈને અંબિકાને દુઃભવી છે. તેણે જે અન્નદાન આપ્યું છે, તેના સુખકારી ફલનો માત્ર અંશ જ મેં તને બતાવ્યો છે અને અંબિકાને તો તેના સુખકારી પરિણામે સુરેન્દ્રને પણ પૂજવા યોગ્ય એવું ઉત્તમ સ્થાન પ્રાપ્ત થશે.”
આવી આકાશવાણી સાંભળીને જાણે ભય પામી હોય તેમ અંબિકાની સાસુ ઘરની બહાર નીકળી પુત્રને કહેવા લાગી કે, “પુત્ર ! અહીં ઘર ધનધાન્યથી ભરપૂર થયું છે તે જો ! અને હવે તારી વહુ પાસે ત્વરાથી જઈ પ્રાર્થના કરીને મારી પ્રીતિ માટે પાછી લઇ આવ અને તેનું સન્માન કર. મૂર્તિ વિનાના દેવાલયની જેમ તેના વિના મારું ઘર અને હૃદય મને શૂન્ય લાગે છે.' આ પ્રમાણે માતાનાં મુખથી વાણી સાંભળી તેના સ્નેહ અને મોહથી ઉત્સુક થયેલો સોમદેવ તેને પગલે પગલે વેગથી ચાલ્યો.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૮૯