________________
પ્રભુએ કહ્યું, ‘ત્યાં સુધી શત્રુઓના સંકટમાંથી હું રક્ષા કરીશ.' તે સાંભળી હર્ષ પામેલા કૃષ્ણ વાસુદેવ ધરણેન્દ્રની આરાધનામાં તત્પર થયા અને પોતાનું મન તેના ઉજ્વલ ધ્યાનમાં જોડી દીધું.
અહીં યાદવોનું સૈન્ય રેઢું જોઇ પરાક્રમી જરાસંઘ ચતુરંગ સેના લઇને ચડી આવ્યો અને મેઘની જેમ બાણવૃષ્ટિ કરવા લાગ્યો. તે વખતે નેમિકુમારની આજ્ઞાથી માલિ સારથીએ આવર્ત લેતા પવનની જેમ પ્રભુસંયુક્ત પોતાના રથને યાદવ સૈન્યની ચારે બાજુ ફેરવવા માંડ્યો. તે રથ ભમવાથી આખું વિશ્વ જાણે ચેષ્ટારહિત થઇ ગયું. પછી પ્રભુએ મહાશંખ પૂર્યો અને ભયંકર શબ્દ કરતું ઇન્દ્રધનુષ્ય ખેંચીને તેનો ટંકારવ કર્યો. તે ધનુષ્યનો શબ્દ સર્વને દુઃસહ થઇ ગયો. પછી શત્રુ તરફ અસંખ્ય બાણો શીઘ્રતાથી છોડવા માંડ્યા. તેમનો રથ ફરવા સાથે છૂટેલી બાણોની શ્રેણીને ભેદવાને અસમર્થ એવા સર્વ રાજાઓ રણમાં સાક્ષીભૂત હોય તેમ દૂર ઊભા રહ્યા. પ્રભુએ તે રાજાઓનાં કવચ, ધનુષ્ય, મુગટ, ધજા અને બાણ છેદી નાંખ્યા. પણ દયાળુ પ્રભુએ કોઇના પ્રાણ હર્યા નહીં.
અહીં કૃષ્ણ ધ્યાનમાં લીન થયા હતાં. તેમની આગળ ત્રીજે દિવસે પદ્માવતી દેવી પ્રગટ થયાં. દેવોના ગણની સાથે પોતાની સામે ઊભેલાં તે દેવીને જોઇ પ્રણામ કરીને કૃષ્ણ સ્તુતિપૂર્વક બોલ્યા, ‘હે પવિત્ર દેવી ! આજે હું ધન્ય, કૃતાર્થ અને પવિત્ર થયો. વળી આજે મારા સર્વ મનોરથ સફળ થયા કે જેથી મને તમારું દર્શન થયું.’ આવા ભક્તિ ભરેલા વચનથી પ્રસન્ન થયલા તે દેવી બોલ્યા, ‘હે કૃષ્ણ ! જે કાર્ય માટે તમે મારું સ્મરણ કર્યું હોય તે કહો.'
તે સાંભળી વિષ્ણુ બોલ્યા, ‘હે પરમેશ્વરી ! જો તમે સંતુષ્ટ થયાં હો તો મને પાર્શ્વનાથનું અદ્ભૂત બિંબ આપો. જેથી જરાએ ગ્રસ્ત થયેલું આ સૈન્ય તેમનાં સ્નાત્રજળથી સજ્જ થઇને શત્રુઓનો પરાભવ કરે અને સદા તમારી પૂજા કરે.'
પદ્માવતી બોલ્યા, ‘કૃષ્ણ ! આ તમારા બંધુશ્રી નેમિકુમાર કે જે જગતની રક્ષા ક૨વામાં સમર્થ છે. જેઓને યોગીશ્વરો પણ નમસ્કાર કરી રહ્યા છે, તે પ્રભુની આગળ, આ જરા, આ જરાસંઘ અને સુર કે અસુરો કોણ માત્ર છે ? તેમની આજ્ઞાથી હું તમારા શત્રુ જરાસંઘને સૈન્યસહિત મારી નાંખું અથવા તેને બાંધીને ક્ષણવા૨માં તમારી પાસે લાવું અને બીજું જે કહો, તે તમારું સર્વ ઈચ્છિત હું કરું.'
કૃષ્ણે કહ્યું, ‘હે દેવી ! તમારાથી તે સર્વ થઇ શકે છે, પરંતુ હે માતા ! મેં શ્રી નેમિકુમારની આજ્ઞાથી જ તમારું સ્મરણ કર્યું છે. ત્રણ જગતને માન્ય એવા મારા બંધુ નેમિનાથના મહિમાને કોણ નથી જાણતું ? પણ તમે કહ્યું તેમ તમારી પાસે શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૭૭