________________
કારણ કે પછી બંધુઓને મળવા માટે ઉત્કંઠિત થયેલો અર્જુન ઇન્દ્રવિદ્યાધર અને બીજા ખેચરોની આજ્ઞા લઈ વિમાનમાં બેસી સ્વસ્થાનમાં આવ્યો. તેણે કુંતી માતાને અને જયેષ્ઠ બંધુઓને નમસ્કાર કર્યો. લઘુબંધુઓને આલિંગન કર્યું અને દ્રૌપદીને દષ્ટિદાનથી પ્રસન્ન કરી. ચિત્રાંગદ વિદ્યાધરે અર્જુનનું પરાક્રમ કહ્યું. તે સાંભળી સૌ ખુશ થયા.
આવી રીતે તેઓ સર્વે પૂર્ણ આનંદથી ત્યાં રહેતા હતા. તેવામાં એક દિવસ આકાશમાંથી એક સુવર્ણકમળ તેમની વચ્ચમાં પડ્યું. તેને દ્રૌપદીએ ગ્રહણ કર્યું. બે હાથે તેને લઈ સૂંઘી હર્ષ પામીને દ્રૌપદી ભીમસેનને કહેવા લાગી કે, ‘પ્રિય ! આવાં કમળો કોઈ સરિતા કે સરોવરમાંથી મને લાવી દેખાડો.' તેની ઇચ્છા થતાં તત્કાળ ભીમસેન પંચ નમસ્કારનું સ્મરણ કરતો તેવાં કમળ શોધવા વનમાં ગયો. તે સમયે વિપરીત ફલ બતાવતું યુધિષ્ઠિરનું વામલોચન અને કુંતીનું દક્ષિણ લોચન ફરક્યું. તેથી તેને મોટા અપશુકનરૂપ જાણી ધર્મપુત્રે બંધુઓને કહ્યું કે, “કોઈ ભીમનો પરાભવ કરવા ઉદ્યત થાય તેવો આ દુનિયામાં છે નહીં તો પણ મારું નેત્ર કાંઇક ભીમને માટે અમંગલ સૂચવે છે. માટે ચાલો ઊઠો, અનુચરની જેમ આપણે તેની પાછળ જઈએ.”
પછી ત્યાંથી ઊઠીને તેઓ સર્વ ઠેકાણે ફર્યા પણ કોઈ ઠેકાણે ભીમસેનને મેળવી શક્યા નહીં. ત્યારે તેઓએ હિડંબાના વચનને સંભારીને તત્કાળ તેનું સ્મરણ કર્યું. સ્મરણ કરતાં જ હિડંબા ત્યાં આવી અને તે સર્વને પોતાના મસ્તક પર બેસાડી ભીમની પાસે લઇ ગઈ અને પછી પોતે પોતાના ઘેર ગઈ. ભીમે પોતાના સહોદર બંધુઓને પેલા પદ્મ લાવવા માટે સરોવર પાસે આવતાં માર્ગમાં આવેલી મુશ્કેલીની વાત કહી. તે જાણવાથી સર્વને અતિ આનંદ થયો. પછી દ્રૌપદીની સુવર્ણકમલની ઇચ્છા પૂરવા માટે ભીમસેન તે સરોવરમાં પ્રવેશ્યો. પેસતા જ તે અદૃશ્ય થઈ ગયો. તેની પાછળ અર્જુન પ્રવેશ્યો તો તે પણ અદશ્ય થયો. પછી બંને ભાઈની પાછળ ગયેલા યુધિષ્ઠિર અને તેની પાછળ નકુળ તથા સહદેવ સરોવરમાં પ્રવેશ્યા તો તે પણ અદૃશ્ય થઈ ગયા. • કાયોત્સર્ગના પ્રભાવથી પાંડવની મુક્તિ ઃ
શિકારી પ્રાણીઓથી ભરપૂર એવા વનમાં કુંતી અને દ્રૌપદી એકલા પડી ગયા અને પાંડવોને નહીં જોવાથી આકુળ-વ્યાકુલ થઈ રૂદન કરવા લાગ્યા, “હા દેવ ! ત્રણ લોકમાં વીર, દેવ, દાનવ અને રાક્ષસોથી પણ ક્ષોભ ન પામે એવા પાંચે પાંડવો
ક્યાં ચાલ્યા ગયા હશે ? કેટલીકવાર સુધી આવી રીતે રૂદન કરીને પછી તે બંને વિચારવા લાગ્યા કે, ચિંતા કરવાથી કે રૂદન કરવાથી શું વળશે ? એમ વિચારીને તેમણે પરમેષ્ઠીની સ્તુતિ તથા ધ્યાનમાં તત્પર થઇ કાયોત્સર્ગ કર્યો. જાણે પૂતળીઓ હોય તેમ કાઉસ્સગ્ગ ધ્યાને નિશ્ચળ રહેલી તે સતીઓના આઠ પહોર પસાર થયાં.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૨૪૭