________________
એક ડગલું પણ ભરી શકતી નથી, દ્રૌપદી પણ ચાલવા સમર્થ નથી અને આ નકુળ અને સહદેવ પણ માત્ર લજ્જાથી જ ચાલે છે.' તે સાંભળી માતાને અને સ્ત્રીને બે ખભા ઉપર રાખી, બે બંધુઓને પૃષ્ઠ ભાગ ઉપર બાંધી લીધા અને બીજા બે બંધુઓને હાથ પર બેસાડી અતુલ પરાક્રમવાળો ભીમસેન વેગથી ચાલવા લાગ્યો.
હિડંબ રાક્ષસનો વધ :
આ પ્રમાણે રાત્રિ ઉલ્લંઘન કરી પ્રાતઃકાળે કોઇ વનમાં આવી પહોંચ્યાં. ત્યાં થાકી ગયેલા સર્વે સૂઇ ગયા એટલે પાણીની ઇચ્છાવાળો ભીમસેન ભમતો ભમતો એક મોટા સરોવર પાસે આવ્યો. ક્ષણવાર તેમાં તરી પાણી ભરી જેટલામાં આવ્યો તેટલામાં કોઇક સ્ત્રીને તેણે જોઇ. પ્રથમ તો ક્રૂર શરીરવાળી તે ‘અરે ! ઊભો રહે, ઊભો રહે.' એમ બોલતી આવી. પણ ભીમને જોઇને તે સ્ત્રી મોહ પામી ગઇ. તેથી ભીમની પાસે આવી આનંદથી સ્ખલિત વચને અને મૃદુ સ્વરે બોલી, ‘હે વીરપુરુષ ! તમે સાંભળો. આ પર્વત ઉપર હિડંબ નામે મારો સહોદર બંધુ રહે છે. હિડંબા નામે હું તેની બહેન છું. મારા ભાઇ હિડંબને તમારી ગંધ આવવાથી ભક્ષણ કરવા માટે તમને પકડી લાવવા માટે મને મોકલી છે, પણ તમને જોતાં જ મને રતિસુખની ઇચ્છા ઉત્પન્ન થઇ છે. માટે હે દયાળુનાથ ! મારી ઉપર પ્રસન્ન થઇને મારું પાણિગ્રહણ કરો. હું મારી શક્તિથી તમને વનવાસમાં મોટો ઉપકાર કરીશ. માટે, ‘હે હ્રદયેશ્વર ! મારી સાથે વિવાહ કરો.' આ પ્રમાણે કહેતી તે હિડંબાને ભીમસેને કહ્યું કે, ‘એવું બોલ નહીં. વનવાસમાં રહેતા એવા મારે તેવું કામ કરવું યોગ્ય નથી.’ આવી રીતે ભીમ અને હિડંબા વાત કરતા હતા, તેવામાં ભયંકર અને વિકરાળ દૃષ્ટિવાળો હિડંબ ત્યાં આવ્યો. પ્રથમ તો તેણે હસ્તપ્રહારથી પોતાની બહેનને મારવા માંડી, તેથી ભીમસેને ક્રોધ કરીને કહ્યું કે, ‘અરે અધમ રાક્ષસ ! મને જીત્યા વગર આ બાળાને મારી નજર આગળ કેમ મારે છે ?'
આ પ્રમાણે ભીમે કહ્યું એટલે પીળા નેત્રવાળો તે ભયંકર રાક્ષસ મોટા વૃક્ષને ઉખેડી ફુંફાડા મારતો ક્રોધથી ભીમ સામે દોડ્યો. ભીમસેન પણ વૃક્ષને ઉખેડી જાણે છત્રવાળો હોય તેમ રોષ પામેલો ને ભયંકર સિંહનાદ કરતો તત્કાળ યુદ્ધ માટે દોડ્યો. તેઓના પરસ્પર સંઘટ્ટથી અને ચરણના પાતથી પૃથ્વી અત્યંત કંપાયમાન થઇ. તેમનાં યુદ્ધથી ધર્મરાજા વગેરે જાગી ગયા. એટલે હિડંબા કુંતીમાતા પાસે આવી નમીને કહેવા લાગી કે, ‘હે માતા ! આ તમારા પુત્ર ભીમસેનને કોઇ રાક્ષસ મારે છે, માટે તેની સહાય કરવા કોઇને મોકલો. મારું નામ હિડંબા છે અને હું ગુણથી વશ થયેલી ભીમસેનની દાસી છું.' તે વખતે રાક્ષસના પ્રહારથી ભીમસેનને શિથિલ થયેલ જોઇ શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૪૧