________________
અને બોલ્યો, ‘પ્રિયે ગંગે! તું અહીં ક્યાંથી?” ગંગા શાંતનુને પોતાનો વૃત્તાંત જણાવી, જલ્દીથી પોતાના પુત્ર પાસે આવી અને કહેવા લાગી, “પુત્ર ! આ તારા પિતા શાંતનુ રાજા છે.” રાજા પણ એ જ વખતે ઘોડા પરથી ઉતરી નજીક આવ્યો અને હર્ષથી બોલવા લાગ્યો, “બેટા ! અહીં આવ. અહીં આવ. મને આલિંગન આપ.'
આ સાંભળી ગાંગેય પણ તત્કાળ અસ્ત્ર છોડી પિતાના ચરણનો સ્પર્શ કરવા દોડ્યો. તે પિતાપુત્રના મિલનથી પૃથ્વી પણ ઉલ્લાસ પામી. પછી ગંગા ભાવપૂર્વક રાજાની આગળ બેઠી અને પુત્રને પોતાના ઉત્સંગમાં બેસાડ્યો. બંને ઉપર પ્રગટેલા અતિસ્નેહના ભારથી રાજાનો કંઠ રૂંધાઈ ગયો. ક્ષણવાર રહીને ગદ્ગદ્ સ્વરે રાજા બોલ્યો, “હવે ફરી રાજયને અલંકૃત કર.”
ગંગા બોલી, “સ્વામી ! તમારું વચન યાદ કરો. જો તમે વચનથી ભ્રષ્ટ થયા છો, તો હું કેમ તમારાથી ભ્રષ્ટ (જુદી) ન થાઉં ? વળી, સર્વ દુઃખના સમૂહ રૂપ જીવહિંસા, મહાઅહિતકારી છે. તેને હજી પણ તમે છોડી નથી, તો હવે મારું શું કામ છે ? આ તમારો પુત્ર ગાંગેય સર્વ શાસ્ત્રોનો તેમજ અસ્ત્રવિદ્યાનો જાણકાર છે. ધર્મવાન અને તમારા ઉપર ભક્તિવાળો છે. તો તેને રાખો અને મારો લોભ કરો નહીં. હે સ્વામી ! તમને આ પુત્રને ઓળખાવવા માટે જ હું અહીં આવી હતી. માટે હવે મને મારા પિતાના ઘરે જવાની આજ્ઞા આપો.'
તે વખતે પતિ અને પુત્રે મનોહર વચન વડે આદરથી વારવા માંડી તો પણ તે માનિની પિતૃગૃહે ચાલી ગઈ. પ્રિયાનો વિરહી અને પુત્રનો સંયોગી શાંતનુ રાજા સરખા સુખ-દુઃખને પામ્યો. પછી ગાંગેયને હાથી ઉપર બેસાડી મોટા ઉત્સવપૂર્વક રાજાએ પુત્રનો નગર પ્રવેશ કરાવ્યો. વિદ્વાન અને પરાક્રમી એવા તે પુત્ર વડે શાંતનુ રાજા શોભવા લાગ્યો.
એક વખત શાંતનુ રાજા અશ્વારૂઢ થઈ લીલાપૂર્વક ફરતા યમુના નદીના કાંઠે આવ્યા. યમુના નદીને જોઇને તેની સુંદરતા વિચારતા હતા. તેવામાં ત્યાં હોડી વડે ક્રિીડા કરતી કોઈ એક મૃગાક્ષી તેમણે જોઇ. તેને જોઈને, “શું આ યમુનાદેવી પ્રત્યક્ષ થઈને પોતાના જળમાં આવી હશે ? અથવા શું અપ્સરા સ્વર્ગગંગાનો ત્યાગ કરીને અહીં આવેલ હશે ? એમ વિચારતો રાજા કામદેવના બાણથી વિધાઈ ગયો. તેથી તેણે બીજા ખલાસીઓને પૂછ્યું, “આ સ્ત્રી કોણ છે ?” ત્યારે તેઓમાંથી એક મુખ્ય નાવિક રાજા પાસે આવી પ્રણામ કરીને બોલ્યો, “હે સ્વામી ! ગુણથી યુક્ત એવી આ મારી પુત્રી છે. તે સર્વ શાસ્ત્રોમાં કુશલ છે. સર્વ લક્ષણોએ સંપૂર્ણ છે અને આ બાળા પોતાના સમાન પતિને નહીં પામવાથી અદ્યાપિ કુમારિકા છે.”
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૨૦૯