________________
ચોથો પ્રસ્તાવ
(શ્રી નેમિનાથ પ્રભુનું ચરિત્ર આ ભરતક્ષેત્રમાં મથુરા નામે નગરી છે. તે નગરી યમુના નદીના કૃષ્ણ જળ વડે શોભી રહી છે. તે નગરીમાં હરિવંશમાં વસુનો પુત્ર બૃહધ્વજ થયો. તે પછી ઘણા રાજાઓ થયા પછી યદુ નામે રાજા થયો. યદુ રાજાને સુર નામે પુત્ર થયો. તેને શૌરી અને સુવીર નામે પુત્રો થયા. શૌરીને રાજ્ય ઉપર અને સૌવીરને યુવરાજપદે બેસાડી સુર રાજાએ દીક્ષા ગ્રહણ કરી. શૌરી મથુરાનું રાજય પોતાના નાનાભાઇ સૌવીરને આપીને કુશાદશમાં ગયો. ત્યાં તેણે શૌર્યપુર નામે નવીનનગર વસાવ્યું. શૌરી રાજાને અંધકવૃષ્ણિ વગેરે અને સુવીરને ભોજવૃષ્ણિ વગેરે પુત્રો થયા. સુવીરે મથુરાનું રાજય ભોજવૃષ્ણિને આપી પોતે સિંધુદેશમાં જઇને સૌવીર નામનું નવું નગર વસાવ્યું. શૌરી રાજા પોતાના રાજય ઉપર અંધકવૃષ્ણિને સ્થાપી પોતે સુપ્રતિષ્ઠ મુનિની પાસે દીક્ષા લઇ મોક્ષે ગયા. | મથુરામાં રાજ્ય કરતાં ભોજવૃષ્ણિને ઉગ્રસેન નામે એક પુત્ર થયો. અંધકવૃષ્ણિને સુભદ્રા રાણીથી (૧) સમુદ્રવિજય, (૨) અક્ષોભ, (૩) સિમિત, (૪) સાગર, (૫) હિમવાન, (૬) અચળ, (૭) ધરણ, (૮) પૂરણ, (૯) અભિચંદ્ર અને (૧૦) વસુદેવ નામે દશ પુત્રો થયા. તે દશે પુત્રો દશાહ કહેવાયા. સમાન આચારવાળા, પરસ્પર પ્રીતિવાળા, શસ્ત્ર તથા શાસ્ત્રના અભ્યાસી તે દશે પુત્રો હર્ષથી પિતાની ભક્તિ કરતા હતા. તેમને કુંતી અને માદ્રી નામે બે બહેનો થઇ.
શ્રી ઋષભદેવસ્વામીને એક કુરૂ નામે પુત્ર હતો. જેના નામથી કુરૂક્ષેત્ર કહેવાય છે. તે કુરૂનો પુત્ર હસ્તી નામે થયો. જેના નામથી હસ્તીનાપુર કહેવાય છે. હસ્તી રાજાના સંતાનમાં વિશ્વવીર્ય નામે રાજા થયો. તે જ વંશમાં અનુક્રમે સનત્કુમાર, શાંતિ, કુંથુ અને અર આ ચાર ચક્રવર્તી થયા. જેમાં પાછળના ત્રણ તીર્થકરો પણ થયા હતા. ત્યારપછી ઇન્દ્રકેતુ અને તેનો કીર્તિકેતુ થયો. તેનો શુભવીર્ય, તેનો સુવીર્ય, તેનો પુત્ર અનંતવીર્ય, તેનો પુત્ર કૃતવીર્ય અને તેનો પુત્ર સુભૂમ ચક્રવર્તી થયો. તે પછી અસંખ્ય રાજાઓ થઇ ગયા પછી શાંતનુ નામે રાજા થયો. તે હસ્તીનાપુરમાં રહીને રાજ્ય કરતો હતો.
એક વખત તે રાજા હાથમાં ધનુષ્ય લઈ વાગરિક (જાળ પાથરનાર) લોકોએ પ્રથમથી રૂંધેલા વનમાં પેઠો. વનની મધ્યમાં રહેલા સર્વ શિકારી ભીલો કૌતુકથી
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૨૦૪