________________
તેણે નમસ્કાર કર્યો એટલે આશીર્વાદ દઇને તે સંન્યાસીએ હર્ષથી પૂછ્યું; ‘હે ભદ્ર ! તું કોણ છે ? અને આવા ગહન વનમાં કેમ ફરે છે ? તું દુઃખી હોય તેમ જણાય છે, માટે સ્વસ્થ થા અને તારે જે દુ:ખ હોય તે કહે.'
તેનાં વચનથી પ્રસન્ન થયેલા ભીમસેને કહ્યું : ‘મુનિવર્ય ! શું કહું ? હું સર્વથા મંદભાગ્યવાળો છું. આ સંસારમાં જેટલા મહાદુ:ખી, સૌભાગ્યરહિત અને નિર્ભાગી પુરુષો છે, તે સર્વમાં હું પ્રથમ છું, એમ તમારે જાણી લેવું. હું જ્યાં જેને માટે જાઉં, ત્યાં તે વસ્તુ સિદ્ધ થતી નથી. મારે ભ્રાતા, માતા, કાંતા કે પિતા કોઇ નથી, તો પણ મારું પેટ હું ભરી શકતો નથી.
આ પ્રમાણે તેનાં દીન વચનો સાંભળી એ માયાવી તાપસ મધુર વચને બોલ્યો, અરે ભદ્ર ! હવે ખેદ કર નહીં, હું મળતાં હવે તારું દારિદ્ર ગયું જ એમ સમજ. અમે હમેશાં પરોપકાર કરવા માટે જ આમતેમ વિચરીએ છીએ. અમારે કાંઇપણ સ્વાર્થ નથી. આ શ્રેષ્ઠ સિંહલદ્વીપમાં મારી સાથે ચાલ. ત્યાં તને રત્નની ખાણમાંથી રત્નો આપીશ. ત્રિદંડીનાં આવા વચન સાંભળી, ભીમસેન તેની સાથે ચાલ્યો. પ્રાયઃ ‘મુનિવેષ પ્રાણીઓને વિશ્વાસ પમાડે છે' પોતાની પાસેની સો સુવર્ણમહોરમાંથી માર્ગમાં ખાવા માટે પાથેય લઇ તેઓ બંને કેટલેક દિવસે એક રત્નની ખાણ પાસે આવ્યા. પછી કૃષ્ણ ચતુર્દશીના દિવસે એ કપટી સંન્યાસીએ ભીમસેનને ખાણમાં ઉતારી રત્નો બહાર કઢાવવા માંડ્યાં. સર્વ રત્નો લઇ લીધા પછી તે દુષ્ટ તાપસે તુરત દોરડું છેદી નાંખીને ભીમસેનને ખાણમાં પડતો મૂક્યો અને ત્રિદંડી ત્યાંથી બીજે રસ્તે ચાલતો થયો.
ભીમસેન દુ:ખી થતો ખાણમાં આમતેમ ફરવા લાગ્યો. તેવામાં અત્યંત પીડિત અને કૃશ થઇ ગયેલો એક પુરુષ તેણે ત્યાં જોયો. ભીમસેનને જોઇ દયા લાવીને તે પુરુષ બોલ્યો; ‘વત્સ ! યમરાજનાં મુખ સરખા આ સ્થાનમાં તું કેમ આવ્યો છે ? શું તને પણ મારી જેમ પેલા પાપી તાપસે રત્નનો લોભ બતાવી છેતર્યો છે ?’ ‘હા તેમજ થયું છે.' એમ કહીને ભીમસેને તેને પૂછ્યું કે, ‘અહીંથી નીકળવાનો ઉપાય હોય તો બતાવો.' તે બોલ્યો, ‘જીવિતનો એક ઉપાય છે, તે સાંભળ. આવતીકાલે સ્વર્ગમાંથી કેટલીક દેવીઓ પોતપોતાનાં અધિષ્ઠિત રત્નોનો ઉત્સવ ક૨વા માટે અહીં આવશે. તેઓ શુભ ભાવનાથી આ ખાણના અધિષ્ઠાતા રત્નચંદ્ર નામના દેવની આગળ વિવિધ ગીત-નૃત્યના ઉપચારથી પૂજા કરશે. તે વખતે એ રત્નચંદ્ર દેવનું ચિત્ત તેમનાં સંગીતમાં લાગતાં તેના સેવકો સાથે તું બહાર નીકળી જજે. બહાર નીકળેલા તને દેવતા પણ કાંઇ કરી શકશે નહીં.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર - ૧૯૨