________________
પત્ની હતી. તેમાં લક્ષ્મીવતી શ્રાવિકા હતી. કનકોદરીએ શોક્યના ભાવથી અદેખાઇપૂર્વક એક વખત તેની અરિહંતની પ્રતિમાનું હરણ કરીને તેની અવજ્ઞા કરી. પછી કોઈ સાધ્વીના કહેવાથી તે પ્રતિમાજીની તેણે આરાધના કરી. અંતે ધર્મનો બોધ થવાથી કનકોદરી મૃત્યુ પામીને દેવી થઇ. ત્યાંથી ચ્યવીને અંજના થઈ છે. પૂર્વભવે કરેલી અરિહંતની પ્રતિમાના દ્વેષથી તને પીડા થઈ પરંતુ હવે તે કર્મ ઘણુંખરું ભોગવી લીધું છે. હવે તું અરિહંત ધર્મ ગ્રહણ કર અને કર્મનો નાશ કર.' એમ કહીને મુનિના ગયા પછી અંજનાસતીએ ગંધર્વપતિ મણિચૂલની આજ્ઞાથી એક ગુફામાં રહીને એક પુત્રને જન્મ આપ્યો. એક દિવસ પ્રતિસૂર્ય નામના તેના મામા ત્યાંથી પસાર થતા હતા. તેમણે તેને જોઈને પોતાની સાથે વિમાનમાં બેસાડીને પોતાના નગરમાં લઈ ગયા. વિમાન જ્યારે વેગથી ચાલ્યું ત્યારે એ કુમાર માતાના ખોળામાંથી ઉછળીને નીચે પર્વત ઉપર પડ્યો. તેના દેહના ભારથી તે પર્વત ચૂર્ણ થઈ ગયો. પરંતુ તે બાળકને જરાપણ ઇજા થઇ નહીં. પ્રતિસૂર્યે જલ્દીથી નીચે જઈને તેને લઈ લીધો અને અંજનાને સોંપ્યો અને માતા-પુત્રને લઇ પોતાના હનુરૂહ નામના નગરમાં આવ્યો. “આ બાળક જન્મ્યા પછી તરત હનુરૂહપુરમાં આવ્યો તેથી તેના મામાએ હનુમાન એવું નામ પાડ્યું અને તે ત્યાં વૃદ્ધિ પામવા લાગ્યો.
આ બાજુ પવન વરુણની સાથે સંધિ કરી, લંકેશ રાવણની કૃપા પ્રાપ્ત કરી પોતાના નગરમાં આવ્યો. ત્યાં પ્રિયાનું વૃત્તાંત સાંભળી ઘણો ખેદ પામી સાસરાના ઘરે ગયો. ત્યાં પણ પોતાની પ્રિયાને ન જોવાથી તેને શોધવા વનેવન ભમવા લાગ્યો. પણ ક્યાંય ન મળવાથી પોતાના માતા-પિતાને પોતે પ્રિયાના વિરહથી મરણ પામશે એમ કહેવરાવ્યું. તે સાંભળી તેના પિતા પ્રહલાદ અંજનાને શોધવા વિદ્યાધર સાથે ત્યાં આવ્યા. પવનંજય અગ્નિમાં પ્રવેશ કરવા તૈયાર થયો હતો, તેને અટકાવ્યો અને એટલામાં તેના મોકલેલા ખેચરો અંજનાને સાથે લઇને ત્યાં આવ્યા. સર્વે આનંદ પામી પ્રતિસૂર્ય રાજાના આગ્રહથી હનુરૂહ નગરમાં આવ્યા. પછી બીજા સર્વે રજા લઈ પોતપોતાના નગરમાં ગયા અને પવનંજય તથા અંજના, પુત્રની સાથે ત્યાં જ રહ્યા. હનુમાન ત્યાં રહી લોકોને હર્ષ આપતો અનુક્રમે સર્વ કળા શીખ્યો અને યૌવન અવસ્થા પામ્યો. એક વખત વરુણ સાથેના યુદ્ધમાં હનુમાનનું અદ્દભૂત બળ જોઇ રાવણ તેની ઉપર ખુશ થયો અને પોતાનો કૃપાપાત્ર બનાવ્યો. વરુણની પુત્રી સત્યવતી, ખર વિદ્યાધરની પુત્રી અનંગકુસુમાં અને તે સિવાય બીજી ઘણી કન્યાઓ હનુમાન પરણ્યો તથા રાવણે સૂર્ય વગેરે નવ વિદ્યાધરોને જીત્યા અને સુખે રાજય કરવા લાગ્યો.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૭૯