________________
તે સમયે મિથિલાપુરીમાં હરિવંશમાં વાસવકેતુ રાજા અને વિપુલા દેવીના પુત્ર જનક નામે રાજા હતા. તેને વિદેહા નામે રાણી હતી. તેણે સારા સ્વપ્નથી સૂચિત એક પુત્ર અને પુત્રી યુગલને જન્મ આપ્યો. ત્યારે સૌધર્મ દેવલોકમાંથી પિંગલ નામે એક દેવ પૂર્વજન્મના વૈરથી ત્યાં આવીને તેમના પુત્રને હરી ગયો. પરંતુ પછી દયા આવતાં તેને કંડલ વગેરે આભૂષણો પહેરાવી વૈતાઢઢ્યગિરિના વનમાં મૂકીને ચાલ્યો ગયો. તે વખતે રથનૂપુર નગરનો સ્વામી ચંદ્રગતિ નામે વિદ્યાધર ત્યાં આવ્યો હતો. તેણે તે બાળકને લઈ પોતાની પત્ની પુષ્પવતીને સોંપ્યો. તે પુત્રના શરીરમાં પ્રભાનું મંડળ હતું. તેથી તેનું ભામંડલ એવું નામ પાડ્યું. • રામચંદ્રજી અને સીતાનું પાણિગ્રહણ :
અહીં મિથિલા નગરીમાં જનક રાજા પુત્રને નહીં જોવાથી ખેદ પામ્યા. સર્વત્ર શોધ કરાવી. પણ તેનો પતો લાગ્યો નહીં. પછી કેટલાક કાળે શોકરહિત થઇ પુત્રીનું સીતા નામ પાડ્યું. સંપૂર્ણ યૌવનવાળી પુત્રીને વરને યોગ્ય જોઇ, જનક રાજાએ તેના સ્વયંવરનો નિશ્ચય કર્યો. પણ તે સમયે માતરંગ વગેરે પ્લેચ્છો લોકોને પીડા કરતા જનક રાજાના દેશમાં ઉપદ્રવ કરવા લાગ્યા. જનક રાજાએ મિત્રતાના નાતે આ વૃત્તાંત દૂત મોકલી દશરથ રાજાને જણાવ્યો. તે સાંભળી યુદ્ધ કરવા જતાં દશરથ રાજાને અટકાવી રામ પોતે ત્યાં ગયા અને યુદ્ધ કરીને તે શત્રુઓને ભગાડ્યા. રામના પરાક્રમથી હર્ષ પામેલા જનક રાજાને પોતાની પુત્રી સીતા, રામને આપવાની ઇચ્છા થઇ..
તે વખતે યોગાનુયોગ નારદ ત્યાં આવ્યા. તેની વિચિત્ર મૂર્તિ જોઇ સીતા ભય પામીને નાશી ગઇ. એટલે કોલાહલ કરતી દાસીઓએ ભેગી થઈને નારદને ગળેથી અને શિખાથી પકડી ઘરમાંથી કાઢી મૂક્યા. તેથી નારદને કોપ ચડ્યો, એટલે તેણે સીતાનું રૂપ એક વસ્ત્ર ઉપર ચીતરીને તે ચંદ્રગતિના પુત્ર ભામંડલને બતાવ્યું. ભામંડલ સીતા પોતાની બહેન છે, એમ ન જાણતો હોવાથી કામવિહલ થયો. ચંદ્રગતિએ પુત્રના ઉદ્વેગનું કારણ જાણીને ચપલગતિ વિદ્યાધર પાસે જનક રાજાનું હરણ કરાવી પોતાની પાસે બોલાવ્યો અને પ્રીતિથી તેની પાસે સીતાની માંગણી કરી. ત્યારે જનક રાજાએ કહ્યું કે, “મેં દશરથના પુત્ર રામને સીતા આપેલી છે.' તે સાંભળીને ચંદ્રગતિ બોલ્યો, “હું સીતાને હરણ કરવા સમર્થ છું. તે છતાં સ્નેહની વૃદ્ધિ થાય તેવું ધારી તમને અહીં બોલાવીને મેં સીતાની માંગણી કરી છે. તો હવે મારી પાસે વજાવર્ત અને અર્ણવાવર્ત નામે બે દિવ્ય ધનુષ્યો છે. તેને રામ કે મારો પુત્ર ભામંડલ જે ચડાવે તે સીતાને પરણે તેવું કરો.”
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૧૭૦