________________
પીડાથી દુ:ખી છતાં પરાક્રમવાળા તે રાજાએ દુઃસાધ્ય એવા સેંકડો રાજાઓને જીત્યા. અનુક્રમે અખંડ આજ્ઞાવાળો તે સૌરાષ્ટ્ર દેશમાં આવ્યો અને ઉત્તમ ભાવનાથી શત્રુંજયતીર્થે આવી પ્રભુને નમીને દ્વીપનગર (દીવ)માં ગયો.
અજય રાજાને પ્રાપ્ત થયેલ શ્રી પાર્શ્વનાથપ્રભુની પ્રતિમા :
તે અરસામાં રત્નસાર નામે એક સાંયાત્રિકશિરોમણિ (સમુદ્ર માર્ગે મુસાફરી કરનારમાં મુખ્ય) સમુદ્રના કાંઠેથી અનેક વસ્તુઓના વહાણ ભરીને સમુદ્રમાં જતો હતો. તેટલામાં અગ્નિદિશા બાજુથી પ્રતિકૂલ પવન વાવા લાગ્યો. આકાશમાં મેઘ ચડી આવ્યો. તેથી સર્વત્ર અંધકાર ફેલાયો. સમુદ્ર ઉછળવા લાગ્યો. નાવ ઝોલા ખાવા લાગી. તેથી તેનો સ્વામી વિચારવા લાગ્યો કે, ‘મારાથી વધુ લોભ થયો લાગે છે. તેનું આ ફળ છે, તો મારા પાપનું ફળ હું જ ભોગવું. બીજાને નુકસાન ન થાઓ.' એમ વિચારી પોતે સમુદ્રમાં ઝંપાપાત કરવા તૈયાર થયો. તેવામાં આ પ્રમાણે અદ્રશ્ય આકાશવાણી થઇ -
‘હે ભદ્ર ! સાંભળ. સમુદ્રમાં પડવાનું સાહસ કરીશ નહીં. હમણાં આવી દશા મેં કરેલી છે. આ સમુદ્રમાં કલ્પવૃક્ષના પાટીયાના સંપુટમાં રહેલી ભાવી તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ છે. એ પ્રભાવક પ્રતિમાને પ્રથમ એક લાખ વર્ષ સુધી ધરણેન્દ્ર પૂજેલી હતી. પછી છસો વર્ષ સુધી કુબેરે પૂજી હતી. પછી વરુણે પોતાના સ્થાને લઇ જઇ સાત લાખ વર્ષ સુધી પૂજી હતી. હમણાં અજય રાજાના ભાગ્યથી તે પ્રતિમા અહીં આવેલી છે. માટે તેને બહાર કાઢી તે ઇક્ષ્વાકુ રાજાને આપ. તે રાજા હાલ દ્વિપપત્તનમાં રહેલો છે. માટે ત્યાં જઇ તે રાજાને તારે આ પ્રતિમા અર્પણ કરવી. જે વખતે તે રાજા
આ પ્રતિમાનું દર્શન કરશે, તે જ વખતે તેના દુષ્ટ કર્મ સાથે રોગો તત્કાળ લય પામી જશે અને બીજાઓને પણ તેવી રીતે જ ફલ મળશે. એ પ્રતિમાની પાસે રહેનારી પદ્માવતી નામે હું પ્રભાવિક દેવી છું અને આ બધો દેખાવ મેં જ કરેલો છે.'
આવી આકાશવાણી સાંભળી બુદ્ધિના ભંડાર રત્નસારે તત્કાલ પ્રતિમા માટે નાવિકોને સમુદ્રમાં ઉતાર્યા અને પ્રતિમાનો સંપુટ લઇ તેઓ તરત જ નાવની અંદર આવ્યા. બધી પ્રતિકૂળતા દૂર થઇ ગઇ અને અનુકૂલ વાયુને યોગે નાવ સહજ દ્વીપનગરે આવી પહોંચ્યું. એક પુરુષે આગળ જઇ અજયપાળ રાજાને વધામણી આપી. પાર્શ્વનાથને આવેલા સાંભળી અજયપાળ રાજા પણ ઘોડા પર બેસી તત્કાલ સામો આવ્યો. તે પછી ઉત્સવ કરી લોકોએ વહાણમાંથી પ્રતિમાનો સંપુટ કિનારે ઉતાર્યો. અનેક પ્રકારના વાજિંત્રો વાગવા માંડ્યા. હર્ષથી કેટલાક સુભટો નૃત્ય કરવા લાગ્યા અને ભાટ લોકો બિરુદાવલી બોલવા લાગ્યા. તેમને રાજાએ ઘણું દાન આપ્યું, શહેર શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૬૭