________________
વાહન અને પરિવાર સહિત મોટી ખાઈ ખોદવા લાગ્યા. પૃથ્વીના પિંડ જેટલી ઊંડી ખાઇ ખોદાતા તેઓના ઘાથી નીચે નાગલોકમાં રજની વૃષ્ટિ થવા માંડી. તેથી વ્યાકુળ થયેલા નાગકુલોમાં કોલાહલ થયો. સર્વે કોપ કરવા લાગ્યા. તેથી જ્વલનપ્રભ નામે નાગપતિ અત્યંત કોપિત થયો. અવધિજ્ઞાનથી રજ પડવાનું કારણ જાણ્યું. એટલે કોપ છોડીને વેગથી ત્યાં આવ્યો અને નમ્રતાથી મીઠા વચને કહ્યું, “અરે વત્સો ! ચક્રવર્તીના પુત્રો ! તમે ભરતના વંશના છો, વિવેકી છો, છતાં આવો ઉદ્યમ કેમ આરંભ્યો છે ? તમારા ખોદવાના ઘાથી નાગલોક પીડાય છે. માટે આ પ્રયાસથી તમે અટકો. અમારા સ્વામી શ્રી યુગાદીશ છે. અમે તેમના સેવકો છીએ અને તમે તેમના કુલમાં ઉત્પન્ન થયા છો, તેથી આપણે સ્નેહ છે, તેને સ્થિર કરો.'
આ પ્રમાણે કહીને તેના ગયા બાદ તે સર્વે સગરના પુત્રોએ ખોદવાનું બંધ કર્યું. પરંતુ થોડીવારે પાછા ભેગા થઇને વિચારવા લાગ્યા કે, “આ ખાઇ જળ વગરની છે, તેથી કાળે કરીને પૂરાઈ જવાથી કોઈ વખત ઓળંગી શકાય તેવી થઇ જશે. કેમકે, ત્રણ જગતમાં લોભીને અસાધ્ય શું છે ? એમ વિચારી જનુકુમારે દંડરત્ન વડે ગંગા નદીનો પ્રવાહ ખેંચી લાવી તેના જળથી આખી ખાઈ પૂરી દીધી. તેથી નાગદેવલોકમાં કાદવ પડવાથી જવલનપ્રભદેવે અત્યંત કૂપિત થઈ વિચાર્યું, “અરે ! આ સગરચક્રીના પુત્રો મૂર્ખ અને રાજયમદે ભરેલા જણાય છે. અમારું કહેલું પણ માનતા નથી.' એમ વિચારી બીજા નાગપતિઓ સહિત ફણાના આટોપને ધારણ કરતો, હુંફાડા મારતો ત્યાં આવ્યો અને વિષમય દ્રષ્ટિથી એકસાથે સગરચક્રીના સાઠ હજાર પુત્રોને બાળી નાખ્યા અને પોતાના સ્થાને પાછો ચાલ્યો ગયો. કેમ કે શત્રુના વધ સુધી જ કોપ રહે છે.”
સગરકુમારોના ઘાતથી સૈન્યમાં મોટો કોલાહલ થયો. વિપરીત ભાગ્યથી અનાથ થઈ ગયેલું સૈન્ય હવે કઈ દિશામાં જવું, એમ ચિંતાતુર અને સર્વ ઉપાયથી ભ્રષ્ટ થઇ ગયું. નાયક વગરના સૈનિકો વિચારવા લાગ્યા, આપણા બધાનાં જોતાં છતાં આ ચક્રીના કુમારોનો નાગોએ એકસાથે વધ કર્યો, આપણું બળ તદ્દન વૃથા છે. આપણી સર્વ સેના હોવા છતાં આ સર્વે રાજકુમારો મૃત્યુ પામ્યા છે. માટે હવે આપણે નિર્લજ્જ થઈને નગરમાં જઈ શી રીતે મુખ બતાવીશું ? સગરરાજા પણ આપણને જરૂર મારી નાંખશે, તેથી આપણે પણ એમના માર્ગે જ જઇએ. અર્થાત્ મૃત્યુને શરણે જઇએ. ‘ઉત્તમ સેવકો રાજાના માર્ગને જ અનુસરે છે, એવી જનસ્થિતિ છે.' આમ પરસ્પર વિચાર કરી બાર યોજનમાં ફેલાઈને રહેલા અશ્વ, રથ, હાથી વિગેરે સર્વ સૈન્યને કાષ્ઠસમૂહથી વીંટી લીધું. પછી જેટલામાં અગ્નિ પ્રગટાવવા માંડ્યા તેટલામાં
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૪૮