________________
આ રીતે ભારતના પુત્ર સૂર્યયશા, તેમના પુત્ર મહાયશા, તેમના અતિબલ, તેમના બલભદ્ર, તેમના બલવીર્ય, તેમના કીર્તિવીર્ય, તેમના જલવીર્ય અને તેમના પુત્ર દંડવીર્ય આઠમી પેઢીએ થયા. આ આઠ રાજાઓ સુધી ભરતેશ્વરની પુત્રપરંપરામાં સાધર્મિક બંધુઓની ભક્તિ ચાલી. આ આઠેય રાજાઓ આરિસા ભવનમાં કેવળજ્ઞાન પામી મોક્ષને પામ્યા. આ રાજાઓએ અર્ધ ભરતક્ષેત્ર પર રાજ્ય કર્યું. તેમજ શકે પૂર્વે ભગવાન ઋષભદેવ સ્વામીનાં મસ્તક પર મૂકેલો મુકુટ પોતાનાં મસ્તક પર ધારણ કર્યો હતો. ત્યારપછી ભારતની પાટ પર થયેલા રાજાઓ તે મુકુટ પ્રમાણમાં મોટો હોવાથી ધારણ કરવા શક્તિમાન ન થયા. ભરતેશ્વર પછી તેઓની પુત્ર પરંપરામાં શ્રી અજિતનાથ ભગવાન સુધીના ભરતવંશના બધા રાજાઓ મોક્ષમાં કે અનુત્તર દેવલોકમાં ગયા છે અને તે બધા રાજાઓ સંઘપતિ થયા છે, તે સર્વેએ શ્રી જિનપ્રાસાદો કરાવ્યાં છે, તીર્થોદ્ધારો કર્યા છે.
શ્રી ઋષભદેવ સ્વામીના સો પુત્રોમાં દ્રવિડ નામનો એક પુત્ર હતો. તેનાં નામથી દ્રવિડ દેશ વિખ્યાત થયો. દ્રવિડ રાજાને દ્રાવિડ અને વારિખિલ્લ નામના બે પુત્રો હતા. દ્રવિડ રાજાએ દીક્ષા ગ્રહણ કરી, ત્યારે તેમણે દ્રાવિડને મિથિલાનું રાજય આપ્યું અને વારિખિલ્લને એક લાખ ગામો આપ્યાં. સમય પસાર થતાં વારિખિલ્લને જોઇને દ્રાવિડ તેના પર કાંઇક અસૂયા રાખવા લાગ્યો અને વારિખિલ્લ પણ દ્રાવિડનું રાજય લેવા લુબ્ધ થયો.
એક વખત દ્રાવિડના નગરમાં આવાસ કરીને રહેલા વારિખિલ્લને દ્રાવિડે કહ્યું, તારે આજથી મારું નગર છોડી દેવું અને તારા પોતાના સ્થાનમાં રહેવું.” તેથી ક્રોધ પામી તે વારિખિલ્લ તત્કાળ પોતાના નગરમાં ચાલ્યો ગયો. ત્યાં જઈને યુદ્ધ કરવાની તૈયારી કરી. તે વાત જાણી દ્રાવિડ રાજાએ પણ યુદ્ધની તૈયારી કરી. પરસ્પર યુદ્ધના અભિલાષી બંને રાજાઓએ પોત-પોતાના સૈન્યની વચ્ચે પાંચ-પાંચ યોજનનું અંતર રાખીને પોતાના પડાવો નાંખ્યા. બંને સેનાઓમાં રહેલા મુખ્ય પુરુષોએ સંધિ કરવા સામસામા દૂતો મોકલ્યા. પણ દ્રાવિડ તથા વારિખિલ્લ માન્યા નહીં અને યુદ્ધ કરવાનો નિર્ણય કર્યો. બંને સૈન્યોમાં તે સમયે દશ કરોડ પાયદળ, દશ લાખ રથો, દશ લાખ હાથીઓ, પચાસ લાખ ઘોડાઓ તથા સંખ્યાબંધ રાજાઓ હતા. ત્યારબાદ યુદ્ધનો દિવસ આવ્યો ત્યારે બંને સૈન્યો યુદ્ધભૂમિ તરફ ચાલવા લાગ્યા અને યુદ્ધભૂમિ પર ઘોર સંગ્રામનો પ્રારંભ થયો. સાત મહિના સુધી અતિ ભયંકર યુદ્ધ થયું. ત્યારબાદ ચોમાસાના દિવસો આવવાથી યુદ્ધ વિરામ પામ્યું. ઉંચી જગ્યા પર ઘાસની ઝૂંપડીઓ કરીને તે બંને સેનાએ મુકામ કર્યો.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૨૯