________________
પુત્ર સૂર્યયશા રાજા, જે હાલ અયોધ્યા નગરીમાં રાજ્યનું પાલન કરી રહ્યા છે. તેને હું જોઉં છું. તેઓ અષ્ટમી અને ચતુર્દશીના પર્વની તપ આદિની આરાધનાના નિશ્ચયથી અનેક પ્રકારના પ્રયત્નોવાળા દેવોથી પણ ચલિત ન થાય તેવા છે ! આ સૂર્યયશા રાજા પોતાના પ્રાણો કંઠે આવે છતાં જિનેશ્વરદેવની આજ્ઞાની જેમ પોતાના નિશ્ચયને કદી પણ નહીં મૂકે.”
આ રીતે ઇન્દ્ર મહારાજાનાં વચનો સાંભળી, મનમાં હસતી અને પોતાના સ્વામીને કોઇપણ જાતનો ઉત્તર આપવા અસમર્થ એવી તે ઉર્વશી વિચારવા લાગી, “અહો ! આજે દેવતાઓના ઇન્દ્ર પણ મનુષ્ય માત્ર માટે કેવી નિશ્ચયપૂર્વકની વાત કરે છે ? જે મનુષ્યનો દેહ સાત ધાતુઓથી બનેલો છે, જે અન્નથી જીવે છે. તે પણ દેવોથી અચલ - દ્રઢ રહી શકે ? આવી વાતને કોણ માને ? આમાં શ્રદ્ધા પણ કઈ રીતે રહે? બીજું બધું ગમે તેમ હોય, પણ ઇન્દ્રના આ વિચાર વિનાનાં બોલાયેલાં વચનોને હું ખોટા કરીશ. તે સૂર્યયશાને તેના નિશ્ચયથી ભ્રષ્ટ કરીશ.' • સૂર્યયશા રાજાને ચલિત કરવા રંભા અને ઉર્વશીનું પૃથ્વી પર આગમનઃ
આ રીતની પ્રતિજ્ઞા કરીને રંભાની સાથે ઉર્વશી હાથમાં વીણાને ધારણ કરતી, દેવલોકમાંથી પૃથ્વી પર આવી. તે બંનેએ મોહને ઉપજાવનારું પોતાનું રૂપ વિકર્વીને અયોધ્યા નગરીની નજીકમાં રહેલા શ્રી ઋષભદેવ ભગવંતના ચૈત્યમાં પ્રવેશ કર્યો. ત્યાં પ્રભુની સમક્ષ સુંદર રાગ-રાગિણીઓથી પ્રભુના ગુણોની સ્તવના કરવા લાગી. તેઓના મધુર નાદમાં પશુ-પંખી આદિ સમગ્ર પૃથ્વીતલ સ્થિર થઈ ગયું.
આ અવસરે સૂર્યશા રાજા અશ્વક્રીડા કરીને પોતાના પરિવાર સાથે પાછો ફરી રહ્યો હતો, ત્યાં માર્ગમાં તે બંનેનું મધુર અને અપૂર્વ સંગીત સાંભળ્યું. તે મધુર સંગીત સાંભળવા રાજા, મંત્રી તથા સૈનિકોની સાથે જિનમંદિરમાં ગયો.
મંદિરમાં પ્રવેશ કર્યા બાદ તેજસ્વી, કાંતિવાળી તે બંનેને જોઇને કામદેવના બાણોથી વીંધાયેલો સૂર્યયશા રાજા વિચાર કરવા લાગ્યો, “અહો ! આ બંને સુંદરીઓનું આવું અનુપમ રૂપ અને અમૃતના ઝરણાઓ જેવું ગીત કેવું સુંદર છે. તેઓ કયા પુણ્યવાન પુરુષના ભોગ માટે થશે ? એમ વિચારતાં અને વારંવાર તે બંને રમણીઓનાં રૂપને જોતા, રાજાએ શ્રી ઋષભદેવ સ્વામીના ચરણોમાં નમસ્કાર કર્યા. દર્શન કર્યા બાદ રાજા પાછો ફર્યો અને ત્યાં જિનમંદિરના બહારના ઓટલા પર તે બેઠો. ત્યારે પોતાના મંત્રીને એ બંનેના કુલ આદિ જાણવા માટે આદેશ કર્યો. મંત્રી પણ પોતાના સ્વામીની આજ્ઞા પામીને તે બંનેની પાસે જઈ મધુર વાણીથી
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૨૪