________________
ચોરી લીધાં અને વ્યસનમાં આસક્ત એવા તેણે તે સર્વ વેશ્યાને આપી દીધાં. આ પ્રમાણે ઘોર પાપ કરતો તે કોઢ રોગથી પીડાતો રીબાઇને મૃત્યુ પામીને નરકમાં ઉત્પન્ન થયો. પછી ચાંડાલના ભાવોમાં ભટકી અંતે આ તારો ચોથો પુત્ર થયો છે. • ધરણેન્દ્ર શાંતન રાજાને દુઃખોમાંથી છૂટવાનો બતાવેલો ઉપાય :
આ ચારે પુત્રો મુનિઘાત, સ્ત્રીહત્યા, દેવગુરુની નિંદા અને દેવ-ગુરુનાં દ્રવ્ય હરનારા છતાં તારા રાજકુલમાં અવતર્યા, તેનું કારણ એ છે કે – ક્ષય ભીલ મુનિના સ્મરણથી, શૂર ક્ષત્રિય નવકારના સ્મરણથી, નિંદા કરનાર શ્રેષ્ઠી પુત્ર સંકુલમાં ઉત્પન્ન થયેલ હોવાથી અને ચોરી કરનાર બ્રાહ્મણને શ્રી જિનેશ્વરનાં દર્શન થયા. તેથી તેઓ રાજકુળને પામ્યા છે. પરંતુ તેઓનું પાપ હજુ બાકી રહેલું હતું, તેથી હે રાજા ! તેઓ તારા કુલમાં આવવાથી તું રાજયથી ભ્રષ્ટ થયો. માટે હવે તું આ રીતે સંસારનું
સ્વરૂપ જાણી, મરવાનો પ્રયત્ન ન કર અને આ પાપોનો નાશ કરવા માટે સુરાષ્ટ્ર દેશમાં આવેલા મહાતીર્થ શત્રુંજયની નજીકમાં રહેલી સર્વ દોષોનો નાશ કરનારી શત્રુંજયા નદી છે, તેનો આશ્રય લે. તેના કાંઠે જે વૃક્ષો છે, તેમના ફલોનો જ માત્ર આહાર કર, તેના જલમાં સ્નાન કરે અને તે ગિરિરાજનો સ્પર્શ કર. તે નદીના કાંઠે પૂર્વે સૂર્યદેવે નિર્માણ કરેલું સર્વ પાપહારી જિનમંદિર છે. તેમાં રહેલા જિનેશ્વરની મન, વચન અને કાયાની શુદ્ધિ વડે પાપની શાંતિ માટે વિધિપૂર્વક પૂજા કર અને હંમેશાં જીવદયાનું પાલન કર. આ નીલકુમાર શર્જયામાં, મહાનલકુમાર ઐન્દ્રી નદીમાં, કાલકુમાર નાગેન્દ્રી નદીમાં અને મહાકાલકુમાર તાલધ્વજી નદીમાં સ્નાન કરીને આ સર્વ વિધિ કરે. એવી રીતે વિધિપૂર્વક કરવાથી અનુક્રમે એક, ત્રણ, ચાર અને છે માસે તેઓ નિરોગી થઈ સુખ પ્રાપ્ત કરશે. પૂર્વના કુકર્મથી મુક્ત થઇ, દેવત્વ જેવું શરીર પામી, પોતાના રાજ્યનાં સ્વામી બની, અંતે સ્વર્ગસુખના પણ ભોક્તા થશે.
આ પ્રમાણે સાંભળી હર્ષથી શાંતન રાજાએ પરિવાર સાથે ધરણેન્દ્રનાં ચરણોમાં નમસ્કાર કર્યા. ફરી ધરણેન્દ્ર કહ્યું કે, “રાજન્ ! આ રીતે વિધિપૂર્વક છ માસ સુધી ત્યાં રહ્યા પછી મને ત્યાં યાદ કરજો. એટલે હું આવીને તમારા શત્રુઓ પાસેથી તમારું રાજય અપાવીશ.' એમ કહી ધરણેન્દ્ર સ્વસ્થાનકે ગયો અને રાજા તેને નમસ્કાર કરી, શત્રુંજયગિરિ તરફ ચાલ્યો. તેની તળેટીમાં શત્રુંજયા નદીના કાંઠે ઘાસની ઝુંપડી બનાવી, કુટુંબ સહિત ત્યાં નિવાસ કર્યો. ત્યાં રહીને ધરણેન્દ્ર બતાવ્યા પ્રમાણે વિધિપૂર્વક કરવાથી પોતાના પુત્રો રોગરહિત સુવર્ણ જેવી કાંતિવાળા થયા. છ માસ પછી ધરણેન્દ્રનું સ્મરણ કરવાથી, ધરણેન્દ્ર ત્યાં આવ્યો. સૌને વિમાનમાં બેસાડી, સાથે લઇને તેમના રાજ્ય ઉપર તેમને બેસાડ્યા. પછી શાંતન રાજા - પુત્રો સહિત
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૦૮