________________
આ રીતે કર્મો ક્ષીણપ્રાયઃ થવાથી બાહુબલિરાજર્ષિને કેવળજ્ઞાન થવાનો સમય આવ્યો. પણ તેઓને માન નામનો કષાય કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં વિક્ષેપ કરતો હતો. એમ જ્ઞાન દ્વારા જાણીને શ્રી યુગાદિપ્રભુએ તેમના બોધ માટે બ્રાહ્મી અને સુંદરીને તે વનમાં મોકલ્યા. વાદળામાં ઢંકાયેલા સૂર્યની જેમ લતા અને વલ્લીઓથી વીંટાળેલા બાહુબલિરાજર્ષિને શોધીને વંદન કરીને બંને બહેનો પ્રભુનાં વચનો આદરપૂર્વક કહેવા લાગી, ‘હે ભાઇ ! જગત્પતિ ભગવંતે અમારા મુખે તમને કહેવરાવ્યું છે કે, ‘જે પુરુષો ગજેન્દ્ર ઉપર ચડે તેઓને શું જ્ઞાન પ્રાપ્ત થાય ? માટે પોતાના વૈરી જેવા તે ગજેન્દ્રનો તમે ત્યાગ કરો, મોહને દૂર કરીને બોધિને પ્રાપ્ત કરો.'
તેમનાં વચનો સાંભળીને બાહુબલિ રાજર્ષિ વિચારે છે કે, ‘સમસ્ત રાજ્ય છોડીને હું અહીં કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યો છું, તો મારે ગજેન્દ્ર ક્યાંથી હોય ? અહો ! હવે જાણવામાં આવ્યું કે, મારામાં જે માન છે, તે ગજેન્દ્ર છે.'
મને પહેલાં વિચાર થયો હતો કે, મારાથી લઘુબંધુઓને હું કેમ વંદન કરું? આ માન કષાયનો હું ત્યાગ કરું છું. મારું દુશ્ચરિત વૃથા થાઓ. મારાથી સંયમમાં વડીલ તે મારા નાના બંધુઓને હું ભાવથી નમસ્કાર કરું છું. હવે હું પૂજ્ય પિતાશ્રી પાસે જાઉં અને માનને છોડી, મારી પહેલાં ચારિત્રરત્નને ગ્રહણ કરનારા મારા લઘુબંધુઓને નમસ્કાર કરીશ.' આમ વિચારી બાહુબલિ રાજર્ષિ પિતાની પાસે જવા તૈયાર થયા. તે જ સમયે તેઓને કેવળજ્ઞાન પ્રગટ થયું. ત્યારબાદ ઉત્તમ જ્ઞાન વડે શોભતા બાહુબલિ રાજર્ષિ પ્રભુ પાસે જઇ પ્રભુને પ્રદક્ષિણા કરીને કેવળજ્ઞાનીઓની પર્ષદામાં બેઠા. શત્રુંજયગિરિ પર સંઘસહિત ઋષભદેવ પ્રભુની પધરામણી :
હવે પૃથ્વીતલ ઉપર વિચરતા શ્રી ઋષભદેવ પ્રભુ સૂર્યની જેમ ભવ્ય પ્રાણીરૂપ કમળને વિકસ્વર કરતા, શત્રુંજયગિરિ પર પધાર્યા. એ ગિરિરાજ અનેક વૃક્ષોથી શોભી રહ્યો હતો. જિનમંદિરોના ઉંચા શિખરો ઉપર રહેલા કળશથી સુંદર લાગતો હતો. દર્શનથી વિશ્વને પવિત્ર કરતા અને સ્પર્શથી પાપને હરતા એવા તે ગિરિરાજને અનેક સિદ્ધ, ગંધર્વ, વિદ્યાધર, મનુષ્ય, સુર, અસુર, સર્પ અને સિંહાદિ પ્રાણીઓ તથા મુમુક્ષુ જીવો સેવતા હતા. અનંત સિદ્ધોનું સ્થાન અને અનંત સુખ આપનાર એ ગિરિવર પ્રાણીઓને અનંતભવરૂપ સાગરમાં દ્વીપરૂપ હતો. આસપાસ રહેલા બત્રીસ હજાર ગામોથી તે વિભૂષિત હતો. તે ગિરિરાજ મૂળમાં પચાસ યોજન પહોળો, શિખરમાં દસ યોજન પહોળો અને ઉંચાઇમાં આઠ યોજન ઉંચો હતો.
આવા ઉત્તમ ગિરિરાજ પર પ્રભુએ આરોહણ કર્યું. તેમની પાછળ પુંડરીક વગેરે મહર્ષિઓ અને સુંદરી પ્રમુખ સાધ્વીઓ પણ તે શત્રુંજય ગિરિવર પર ચડ્યા. પ્રભુ શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૮૬