________________
ચોકને કપૂર ચંદનના જલથી છંટાવી, કસ્તુરીના મંડલો તેમજ પુષ્પમાળા, વસ્ત્રો અને રત્નમાળાઓ વડે અલંકૃત કરાવ્યા અને પ્રાતઃકાલે સર્વ સમૃદ્ધિ સાથે પ્રજા અને પરિવાર સહિત અહીં આવ્યા. પરંતુ અહીંથી પ્રભુ વિહાર કરી ગયા હતા, તેથી અત્યંત દુઃખી થયેલા મારા પિતા આજુબાજુના વૃક્ષોને પણ રોવરાવતા ઉંચે સ્વરે રુદન કરવા લાગ્યા. તે વખતે મુખ્યમંત્રીઓએ સમજાવીને તેમને શાંત કર્યા. પછી પૃથ્વી પર પડેલા પ્રભુનાં પગલાને નમસ્કાર કર્યા અને આ પવિત્ર સ્થાને આ પ્રાસાદ સહિત ઉંચું “ધર્મચક્ર' કરાવ્યું છે.'
આ પ્રમાણે સાંભળી, ભરતેશ્વર તે ધર્મચક્રને નમસ્કાર કરી, તક્ષશિલા નગરીમાં આવ્યા. ત્યાં અનેક રાજાઓ દ્વારા મહોત્સવ કરાવીને ભરત મહારાજાએ સોમયશાનો તક્ષશિલાનાં રાજય પર અભિષેક કરાવ્યો. ત્યારથી પૃથ્વીમાં સોમ (ચંદ્ર) વંશ પ્રવત્યો.
શ્રી સોમયશાને રૂપવતી અને કુલીન સુવ્રતા વિ. ચોવીસ હજાર સ્ત્રીઓ હતી. તેનાથી થયેલા પરાક્રમવાળા શ્રેયાંસ વિગેરે બોતેર હજાર પુત્રો હતા. બત્રીસ લાખ ગામ, સો પત્તન અને ત્રણસો નગરનું શાસન સોમયશા રાજા તક્ષશિલાનગરીમાં રહીને કરવા લાગ્યો. તેને ચુમાલીસ લાખ રથ, એક લાખ હાથી, પાંત્રીસ લાખ ઘોડા અને સવા કરોડ પાયદળની સેના હતી. સાતસો રાજાઓ તેની આજ્ઞા ધારણ કરનારા હતા.
પછી સોમયશા તેમજ સર્વ રાજાઓથી સન્માનિત થયેલા ભરત ચક્રવર્તી તક્ષશિલાથી પાછા ફરીને પોતાના નગર તરફ ચાલ્યા. માર્ગમાં કાઉસ્સગ્ગ મુદ્રાએ રહેલા બાહુબલિને પ્રણામ કરી ભરતનરેશ્વર અયોધ્યાપુરીમાં આવ્યા અને પિતાની જેમ પ્રજાનું પાલન કરવા લાગ્યા. • બાહુબલિ રાજર્ષિને કેવળજ્ઞાન પ્રાપ્તિ
આ બાજુ બાહુબલિ રાજર્ષિ સર્વ કર્મ ખપાવવા કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભા રહ્યા. શ્રી જિનેશ્વર ભગવંતની નિર્મલ જ્યોતિનું ચિંતવન કરતા, રાગ-દ્વેષ વડે યોગી જેમ અલિપ્ત રહે તેમ ટાઢ, તડકો અને જલથી તેઓ નિર્લેપ હતા. પરસ્પર જાતિવૈર ધરાવનારા જીવો પણ સહોદરની જેમ નિશ્ચલ અંગવાળા તેઓને આશ્રિત થઈને રહેતા હતા. તેમના મસ્તક, દાઢી, મૂછ અને ભુજા વિગેરેમાં પક્ષીઓએ માળા કર્યા હતા. તીક્ષ્ણ દર્ભના અંકુરો જલથી વૃદ્ધિ પામી તેઓનાં ચરણતળમાં પેસીને તેમનાં શરીરને ભેદી નાખતા હતાં. આમ અનેક પરિષદો સહન કરનારા, રાગ અને દ્વેષને જીતનારા તથા સર્વ પર સમાન ભાવ રાખનારા એ મુનિ પતિએ હૃદયકમળમાં જિનેશ્વર ભગવાનનું ધ્યાન ધરીને એક વર્ષ સુધી કાયોત્સર્ગે રહીને પોતાના ઘણાખરા ઘાતકર્મોનો ક્ષય કર્યો હતો.
શ્રી શત્રુંજય માહામ્ય સાર • ૮૫