________________
પ્રસ્તાવના
અનંત કરુણાસાગર પ્રભુવીર કેવળજ્ઞાન પછી પણ પામર જીવોને પરમધામમાં પહોંચાડવા સતત સક્રિય બન્યા છે, તે સંબંધી વાત પ્રસ્તુત પ્રસ્તાવ ૮માં આલેખાયેલ છે.
સંઘસ્થાપનાથી શરૂ કરીને પ્રભુના નિર્વાણ સુધીની રોચક વાતો અત્ર ૨જૂ થયેલ છે. ઉપરાંતમાં બાર વ્રતની સંક્ષેપ કથા આપી છે, તે પણ અત્યંત રસપ્રદ, બોધપ્રદ, પ્રેરણાપ્રદ છે. પ્રસ્તુતમાં,
પ્રેમપૂર્વક ૧૧ બ્રાહ્મણોને પ્રતિબોધ કરી પરમાત્માએ સ્યાદ્વાદ દ્વેષરૂપ/દ્વેષજનક ન બનવો જોઇએ એ બતાવ્યું.
કદાગ્રહી વ્યક્તિની ઉપેક્ષા કરવાનો સંદેશો પરમાત્મા જમાલીની ઉપેક્ષા દ્વારા આપે છે. અહંકાર સાચું સમજવામાં બાધક છે-આ વાત જાણે કે જમાલી સ્વજીવન દ્વારા આપણને કરે છે.
પરમાત્મા સંયમ જીવનની આવશ્યકતાને જાણનારા હતા. તેથી કર્મવશ નિમિત્ત દ્વારા ચંચળ બનનાર મેઘકુમારને, પતન પામી પાછા આવનાર નંદીષેણને અને સર્વથા દીક્ષાને છોડનાર ખેડૂતને પણ દીક્ષા આપવા/ અપાવવાનો પ્રસંગ વર્તમાનકાળમાં બુદ્ધિજીવી નાસ્તિક લોકોને સાચો માર્ગ દેખાડે છે.
વીતરાગતા નીરસ ઉપેક્ષારૂપ ન હોય. પણ વિવેક, કરુણા અને પ્રેમસભર દૃષ્ટિથી વણાયેલ હોય. આવું જણાવતા પરમાત્મા પોતાની સ્વાસ્થ્યની ચિંતા કરનાર સિંહ અણગારની વાત માની દવા લેવા તૈયાર થઈ જાય છે. અને દવા રૂપે દોષિત વસ્તુ ન આવે એની કાળજી એ વીતરાગની સાધુતાનું = સાધ્વાચારનું નક્કર દૃષ્ટાંત
છે.
ભગવાન અહંકારના શિખર પર રહેલ ગૌતમસ્વામીને પહેલા નમ્રતાનું દાન કરે છે અને પછી લબ્ધિઓનું દાન કરે છે. આમ જીવનમાં પહેલા શુદ્ધિ પછી સિદ્ધિ/લબ્ધિનું અમૂલ્ય સૂત્ર પરમાત્મા દ્વારા અપાયું છે.
ગોશાળાની તેજોલેશ્યા લબ્ધિ ભગવાન પર ફેકવાથી નષ્ટ થઇ. આ પણ પરમાત્માની વિશેષતા છે. અપાત્ર પાસે લબ્ધિ ન ટકે. પરમાત્માનું એવું સહજ અસ્તિત્વ પણ આ જગતના જીવોને પોતાના પગ પર કુહાડો મારતા અટકાવે છે.
પ્રભુ પરનો પ્રશસ્ત રાગ રાખનાર ગૌતમસ્વામીનું પણ અંતે કલ્યાણ જ થયું. માટે રાગ છોડી ન જ શકાય તો પછી રાગનો વિષય માત્ર પરમાત્માને જ બનાવવા - ખરું ને!
નિર્વાણ સમયે ‘ઇન્દ્ર મોહ મૂકી દો' આ પરમાત્માના શબ્દો જાણે કે ‘આપણે ચરમ ભૂમિકામાં સર્વથા તટસ્થ/નિર્લેપ બનવાનું છે' - એવો આંતરિક માર્ગ બતાવે છે.
પ્રભુ વીર એકવર્ષ સાંવત્સરિક દાન આપે છે દાનના અંતે લોકાંતિક દેવો ભગવાનની પાસે આવે છે અને દીક્ષા લેવા વિનંતિ કરે છે - આ નોંધનીય છે.
આ તો પ્રભુનું જીવન છે. વિચારીએ તો વિચારતા જ રહીએ... બસ પ્રભુને અંતે એ જ પ્રાર્થના - તને સમજવાની મારી બુદ્ધિ નથી, તને પામવાની મારી પાત્રતા નથી, તારા માર્ગ ઉપર ચાલવાની ક્ષમતા પણ નથી. પરંતુ તને હું જીવનભર ખરા પ્રેમથી ચાહી શકું તો પણ મારું જીવન સફળ છે.
9