________________
મંગલ આશીર્વચન
અનેક યુવાનોના રાહબર, સકલસંઘ હિતચિંતક સ્વર્ગસ્થ દાદાગુરુદેવ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની જન્મશતાબ્દીનું મંગલવર્ષ (વિ. સં. ૨૦૧૭) ચાલી રહ્યું હતું. પૂજ્યપાદ સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના શુભાશિષથી ચતુર્વિધ શ્રીસંઘમાં ઠેર ઠેર આરાધનાના મંડાણ મંડાયા હતા. શ્રમણ સંઘ પણ નતૂન પ્રકાશનો શ્રીસંઘના ચરણોમાં સમર્પિત કરી રહ્યો હતો. આ શુભ અવસરને પામી કંઇક નવતર પ્રકાશન દાદાગુરુદેવશ્રીના ચરણે સમર્પિત કરવા માટે મેં મારા શિષ્યમુનિ શ્રી નિર્મલયશવિજયજીને સહજ પ્રેરણા કરી.
પ્રાકૃતભાષાની જટિલતાને કારણે પ્રાકૃતભાષાના ઘણા ગ્રંથો, કે જે ઐતિહાસિક દસ્તાવેજ સમાન છે, અભ્યાસ વર્તુળમાંથી બાકાત રહી ગયા હતા. એમાં પણ શ્રીગુણચંદ્રગણિવર્યજી મ. સા. વિરચિત “મહાવીર ચરિય' ગ્રંથ ઘણો જ અદ્ભુત છે. તેની છાયા કરવાની મેં પ્રેરણા કરી. તેમણે તે કાર્ય સહર્ષ સ્વીકાર્યું. મુનિશ્રીએ વૈયાવચ્ચયોગને તો આત્મસાત્ કર્યો જ છે, સાથે સાથે અંતર્મુખતા અને સાધના પ્રિયતા તેમના અનુપમ ગુણ છે. અત્યંત પરગજુ સ્વભાવના મુનિશ્રીએ ખૂબ જ સુંદર રીતે છાયાનું તથા સેટીંગસંપાદન વગેરેનું કાર્ય પાર પાડ્યું છે. મારી ઇચ્છાને માન આપી મારા ગુરુદેવશ્રી પૂના જિલ્લા ઉદ્ધારક પંન્યાસ પ્રવર શ્રી વિશ્વકલ્યાણવિજયજી મ. સા. ની સેવામાં રાતદિવસ જોડાયેલા રહે છે. તથા પૂ. ગુરુદેવશ્રીની જ સેવામાં સહર્ષ જોડાયેલા મુનિ શ્રી જ્ઞાનયશવિજયજીને સતત અભ્યાસ પણ કરાવી રહ્યા છે. તે વચ્ચે આ કાર્ય તેમણે પૂર્ણ કર્યું છે.
આ અવસરે અંતરના આશિષ સાથે એટલું જ કહીશ તેઓ આવા સુંદર કાર્યો કરવા દ્વારા અંતરંગ પુરુષાર્થને સાધી વહેલી તકે પરમપદને પામે.
- પંન્યાસ યશોવિજય