________________
આ છાયાનું કામ કરવામાં મને પૂ. ભક્તિયશવિ. મ. અને પૂ. શ્રમણયશ વિ. મ. ની સહાય મળેલ છે. તથા ૪ પ્રસ્તાવ સુધીનું સાંગોપાંગ નિરીક્ષણ પણ પૂ. શ્રમણયશવિ. મ. સા. કરી આ ગ્રંથની ત્રુટિઓ દૂર કરી સુંદર શ્રુતસેવા તથા સહાયકભાવ દેખાડેલ છે.
આચાર્ય શ્રી કેલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, શ્રી મહાવીર જેને આરાધના કેન્દ્ર, કોબાના કપ્યુટર વિભાગમાં આના ટાઇપસેટીંગનું સુંદર કાર્ય કરવામાં આવેલ છે. શ્રી ભુજ તપગચ્છ જૈન સંઘે, આને છપાવવાની સંપૂર્ણ જવાબદારી લઇને શ્રુતભક્તિનું દૃષ્ટાંત પૂરું પાડેલ છે. ઉપરાંતમાં આ ગ્રંથને સારી રીતે છાપનાર શ્રી પાર્શ્વ કોમ્યુટર્સવાળા શ્રી વિમલભાઈને પણ ભૂલી શકાય તેમ નથી.
કુલ આઠ પ્રસ્તાવ રૂપ વિસ્તૃત એવા આ ગ્રંથનું વિભાજન ચાર ભાગમાં કરવામાં આવેલ છે. અહીં ભા. ૧માં પ્રસ્તાવ ૧-૨-૩ લેવામાં આવેલ છે. તેમાંથી કેટલાક પ્રસંગો નોંધનીય છે. જેમ કે –
ભરત ચક્રવર્તી શ્રી આદિનાથ પ્રભુને પૂછે છે – “પ્રભુ આપની જે સમૃદ્ધિ છે તેવી સમૃદ્ધિસભર કોઇ મહાપુરુષ ભવિષ્યમાં થશે ?'- અને આદિનાથ પરમાત્મા “બહુરત્ના વસુંધરા” કહેવત પ્રમાણે મરીચિને દેખાડે છે, સંસારમાં કોઇની ક્યારેય મોનોપોલી” હોતી નથી.
પાત્રતા વિનાની પ્રવૃત્તિ કેટલી જોખમી થઇ શકે !, અપાત્ર હોવા છતાં ઉપદેશની પ્રવૃત્તિ કરનાર મરીચિને વચનયોગના કારણે જ કપિલ સાથે મિલન અને ઉત્સુત્ર પ્રરૂપણાથી સંસારવૃદ્ધિરૂપ અપાર નુકસાન થયું.
સમ્યક્ત કેટલું દુર્લભ છે ! મરીચિના ભવમાં ગુમાવેલ સમ્યક્ત ત્રિપૃષ્ઠના ભવમાં ૧૧મા તીર્થંકરની પ્રાપ્તિ થઇ પછી મળ્યું. ૧ થી ૧૦ તીર્થકરના સમયગાળામાં સમ્યક્ત મળી ન શક્યું. ૧લા ભગવાનના શાસનનો સમય ૫૦ લાખ ક્રોડ સાગરોપમ છે. કેટલો કાળ !
રાજકુમારીને પરણવા આવેલ વિશાખાભૂતિ કુમાર વિશ્વભૂતિ મુનિની મશ્કરી કરે છે. ત્યારે વિશાખાભૂતિ વિનય નામનો પાયાનો ગુણ ચૂક્યા. વિશ્વભૂતિ મુનિનું અપમાન કરી બેઠા - પરસ્પર વેર બંધાયું. તેની પરંપરા કેવી ચાલી – સિંહના ભવમાં કમોત, સુદંષ્ટ્ર દેવના ભવમાં પરાભવ અને ખેડૂતના ભવમાં ગૌતમસ્વામી મળવા છતાં કેવળજ્ઞાન તો દૂર રહ્યું, સમ્યજ્ઞાન પણ ન ટક્યું. ધર્મની ચકાસણી સમ્યક્તના આધારે ભલે થાય પણ ધર્મમાં વિકાસ તો ગુણના આધારે જ થાય. તે અહીં નોંધપાત્ર છે.
સંજ્ઞા પ્રધાન પ્રાણીઓ પણ માન-અપમાન સમજતા હોય છે. માટે કોઇની પણ સાથે પ્રેમમય વ્યવહાર રાખવો. આ બોધ ત્રિપૃષ્ઠ વાસુદેવે ફાડેલા - તરફડતા સિંહ પાસેથી મેળવવો રહ્યો. તથા સારથિ રૂપ ગૌતમસ્વામીના જીવે સિંહને જે શાંતિ આપી તેમાં પણ પ્રાણીઓ માણસની શબ્દભાષા કદાચ ન સમજે પણ હૃદયની ભાષા અવશ્ય સમજે છે, આ જાણીને જીવવાની જરૂર છે.
ચંડવેગ દૂતના અપમાનમાં રાજા અશ્વગ્રીવનું અપમાન છે-ગ્રંથમાં આવતું આ વાક્ય “આપણી સામે ઉભેલી વ્યક્તિ કોણ છે ? તેને કોનું પીઠબળ છે ?' આ સતત નજરની સામે રાખવાની એક ચેતવણી આપે છે.
| ત્રિપૃષ્ઠ વાસુદેવ વિદ્યાધર પાસેથી વિજયવતી રાજકન્યા વિશે સાંભળી તેને પ્રયત્નપૂર્વક પરણે છે. પણ પછી વિજયવતીને જોતો કે બોલાવતો પણ નથી. સંસાર આવો જ છે. દૂરથી સોહામણો છે. આવી અનેક વાતો વિચારવા દ્વારા અંતરમાં મોક્ષમાર્ગના અજવાળા અનુભવે એ જ ભાવના.
મુ. નિર્મળયશ વિજય.
10