________________
પ્રસ્તાવના
પરમ પૂજ્ય વર્ધમાનતપોનિધિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની જન્મશતાબ્દીની ઉજવણી અમારા વર્તમાન ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની સૂચનાથી વિવિધ આરાધનાઓના માધ્યમથી અનેક સંઘોમાં પૂજ્ય શ્રમણભગવંતોની નિશ્રામાં ચાલતી હતી. અનેક શ્રમણભગવંતો પણ સ્વક્ષયોપશમ પ્રમાણેની આરાધનાઓમાં ગોઠવાયા. આવા સુંદર નિમિત્તને પામીને મારા પૂજ્ય ગુરુદેવશ્રી પં. યશોવિજયજી મહારાજાએ પ્રભુવીરના આ પ્રાકૃત ચરિત્રની સંસ્કૃતમાં છાયા કરવાની મને પ્રેરણા કરી અને શુભાશિષ મેળવીને આ કાર્યના શ્રીગણેશ કરવામાં આવ્યા.
મહાવીરચરિયું મૂળ ગ્રંથ પૂ. ગુણચંદ્રગણી દ્વારા લખાયો છે. તેમણે પોતાનો પરિચય આ ગ્રંથની પ્રશસ્તિમાં જાતે જ આપેલ છે. તે સિવાય તેમના વિશે વિશેષ માહિતી મળેલ નથી.
આ ગ્રંથની પ્રાપ્તિ જામનગરના પાઠશાલા સંઘના ચાતુર્માસ દરમિયાન ત્યાં બાજુમાં રહેલ જામનગર દેવબાગ જૈન સંઘમાંથી થઇ. તેમણે આ ગ્રંથ ઉદારતા પૂર્વક આપી મારું કામ સરળ કર્યું. આ ચરિત્રનું ગુજરાતી ભાષાંતરનું પુસ્તક જામનગર પાઠશાળા જૈન સંઘે આપવાની ઉદારતા કરી. આ ભાષાંતર વરસો પૂર્વે જૈન આત્માનંદ સભાભાવનગર દ્વારા પ્રકાશિત થયેલું. ભાષાંતર અત્યંત વ્યવસ્થિત અને પ્રાકૃત ગ્રંથને સ્પર્શીને કરાયેલું હોવાથી મને સંસ્કૃત છાયા કરવામાં અનેક જટિલ સ્થાનોમાં આ પુસ્તક દીવાદાંડી રૂપ બનેલ છે. વર્તમાનમાં જે મહાવીર ચરિયું ગ્રંથ છપાવેલ છે તેમાં ઉપર પ્રાકૃત ગ્રંથ, વચ્ચે સંસ્કૃત છાયા અને નીચે ગુજરાતી એમ ત્રણ વિભાગમાં આ ગ્રંથ છાપવામાં આવેલ છે. તેમાં ગુજરાતી ભાષાંતરમાં ઉપરોક્ત પુસ્તકને જ અક્ષરશઃ છાપેલ છે. જરૂરી શાબ્દિક ફેરફાર અને અનુવાદમાં ક્વચિત ફેરફાર કરેલ છે. તે સિવાય ગુજરાતી અનુવાદમાં પ્રાયઃ મારી મહેનત નથી.
સંસ્કૃત છાયાનું કામ કરવામાં મને અનેક સ્થાનોમાં વિવિધ સમસ્યાઓ આવી હતી. તે સમયે પૂજ્ય ગુરુદેવશ્રીનું માર્ગદર્શન સતત મળતું રહ્યું. પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય રાસના લેખન-સંશોધન વગેરે કાર્યની વ્યસ્તતા વચ્ચે અને સંઘમાં પ્રવચનો, શિષ્યોને બેથી ત્રણ પાઠ વગેરે અનેક પ્રવૃત્તિઓની વ્યસ્તતા હોવા છતાં પણ અનેક વાર અનેક પ્રશ્નોના નિરાકરણ સમય કાઢીને તેઓશ્રીએ કરેલ છે. તેમનાથી છૂટા પડ્યા પછી પત્ર દ્વારા પૂછાયેલા પ્રશ્નોના તેઓશ્રીએ પત્રો લખી-લખીને સમાધાન કરેલ છે, સ્વયં સામેથી સૂચનો કરેલ છે અને તેમના અનેક સૂચનો મને ગ્રંથની શુદ્ધિ વગેરેમાં ઉપયોગી થયા છે.
આ ગ્રંથ તૈયાર કરતા કેટલીક સમસ્યાઓ ઉભી થઇ. અમુક સ્થાનમાં મને પ્રાકૃત ગ્રંથની લીટી સમજાઈ નથી ત્યાં સંસ્કૃત છાયા કરીને પ્રશ્નચિહ્ન કરેલ છે.
જે જગ્યાએ પાઠ અશુદ્ધ લાગેલ છે ત્યાં મારી દૃષ્ટિએ શુદ્ધપાઠને કૌંસમાં મૂકેલ છે અને છાયા તેના આધારે જ કરેલ છે. ઘણીવાર પ્રાકૃત પંક્તિ બેસતી ન હોય ત્યાં ગુજરાતી અનુવાદને આધારે પણ છાયા કરેલ છે.
એક જ નામ હ્રસ્વ-દીર્ઘ એમ બન્ને રૂપે સામે આવેલ છે જેમકે સૂરસેન/સુરસેન. આ નામને સંસ્કૃત છાયામાં પણ ઉભયરૂપે સ્વીકારેલ છે. તે જ રીતે શીલમતી/શીલવતી આ બંને નામને છાયામાં સ્વીકારેલ છે.
સંસ્કૃત છાયા કરવા જતા દ્વિઅર્થી શબ્દોના અર્થ અસ્પષ્ટ લાગે તેને ત્યાં જ કૌંસમાં સ્પષ્ટ કરેલ છે.
સંસ્કૃત છાયા કરતા કોઇક ધાતુ જટિલ લાગે અથવા નામ સાધિત ધાતુનો પ્રયોગ કરેલ હોય તેની સૂચના પણ છાયાની અંદર તે તે શબ્દની બાજુમાં જ કોંસમાં આપેલ છે.