________________
૨૨૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ
ભાવાર્થ :
વળી, બુધસૂરિ રાજાને કહે છે – જેમ તે સારગુરુનો વૃત્તાંતાંતર થયો તેથી તે સારગુરુએ મહા માહેશ્વરના ઉપદેશ અનુસાર પ્રવૃત્તિ કરીને મોક્ષને પ્રાપ્ત કર્યું, તેમ તમે પણ તેવા પ્રકારના ઉપદેશકના વચનથી પ્રવૃત્તિ કરીને કષાયો-નોકષાયો રૂપ ચોરટાઓને ચિત્તવૃત્તિમાંથી દૂર કરશો તો મોક્ષ થશે. અન્યથા નહીં થાય. બુધસૂરિનું તે વચન સાંભળીને રાજા વગેરે હર્ષિત થયા અને મહાત્માને કહે છે તમને પામીને અમે પણ એ પ્રકારે યત્ન કરશું. માટે અમને આદેશ આપો કે અમારે શું કરવું જોઈએ. બુધસૂરિએ કહ્યું કે જે મેં કર્યું છે તે જ તમારે કરવું જોઈએ. તેથી એ ફલિત થાય કે જેઓનું ભાવથી તે પ્રકારનું સત્ત્વ સંચિત થયું છે તેઓએ દીક્ષા ગ્રહણ કરવી જોઈએ. વળી દીક્ષા ગ્રહણ કરીને માત્ર સંતોષ પામવો જોઈએ નહીં પરંતુ સતત કષાય-નોકષાયો રૂ૫ શત્રુઓને નાશ કરવા માટે ચિત્તમાં જ્ઞાનરૂપી દીપક પ્રગટાવવો જોઈએ અને ચારિત્રરૂપી દંડને ગ્રહણ કરીને સતત કષાયો ક્ષીણ થાય તેવો યત્ન કરવો જોઈએ. વળી, જેમાં તેવી શક્તિનો સંચય થયો નથી તેઓએ સર્વવિરતિની શક્તિના સંચય અર્થે પ્રતિદિન સર્વવિરતિવાળા મહાત્માઓનું ઉત્તમ ચિત્ત કેવું હોય છે તેનો સૂક્ષ્મબોધ કરીને તેવા ઉત્તમ ભાવોથી આત્માને ભાવિત કરવો જોઈએ અને શક્તિ અનુસાર તેને અનુરૂપ ઉચિત ક્રિયાઓ કરવી જોઈએ કે ભાવથી સર્વવિરતિની શક્તિનો સંચય થાય અને સ્વભૂમિકાનુસાર યત્ન કરીને સતત કષાય-નોકષાયનો ક્ષય થાય તે પ્રકારે ઉદ્યમ કરવો જોઈએ.
વળી, રાજા સૂરિને કહે છે કે અમે તમારાથી બોધ પામ્યા તેમ તમને કોનાથી બોધ થયો છે તે જાણવાની મને અત્યંત જિજ્ઞાસા થાય છે. જોકે સાધુ પોતાનું ગૃહસ્થ જીવન સ્મરણ કરે નહીં અને કોઈને કહે નહીં; કેમ કે તે કથન વખતે પણ પૂર્વના સેવાયેલા ભાવો સ્મરણ થાય તો કષાયો ઉલ્લસિત થવાની સંભાવના છે. તેથી સુસાધુઓ પોતાના પૂર્વ જીવનનું કથન ક્યારેય કહે નહીં. ફક્ત રાજાનો અતિઆગ્રહ જાણીને અને પોતાના કથનથી રાજા વગેરેને લાભ થશે તેવો નિર્ણય થવાથી અત્યંત સંવરપૂર્વક અને સંવેગથી વાસિત ચિત્ત કરીને બુધસૂરિ પોતાનું ચરિત્ર કહે છે, જેથી તે વર્ણન વખતે પૂર્વના ચેષ્ટિતનું સ્મરણ થવાથી રાગાદિ ઉલ્લસિત થાય નહીં. પરંતુ પોતાના અને રાજાના સંવેગની વૃદ્ધિનું કારણ બને તે રીતે પોતાનું ચરિત્ર કહે છે.
ત્યાં શુભવિપાક અને અશુભવિપાક નામનો રાજા છે. તે અંતરંગ પરિણામને આશ્રયીને છે તેથી જે જીવોના શુભવિપાક નામનાં કર્મો છે અને જે જીવમાં માર્ગાનુસારી બુદ્ધિરૂપ નિજસાધુતા છે તેનાથી બુધનો જન્મ થયો; કેમ કે શુભકર્મો અને જીવમાં વર્તતી નિજસાધુતારૂપ ઉત્તમતા તેના કારણે તે જીવ જન્મથી જ તત્ત્વને જોવાને અભિમુખ માર્ગાનુસારી બુદ્ધિવાળો થાય છે. વળી, અશુભકર્મ અને લોકના સંતાપને કરનારી એવી પરિણતિ જીવને મંદબુદ્ધિવાળો કરે છે; કેમ કે જે જીવમાં અશુભકર્મોનો ઉદય વર્તે છે તેથી ચિત્તમાં દયાળુતા નથી. માટે કષાયોને વશ થઈને લોકોને સંતાપ કરે તેવો છે. તેથી તેવી પરિણતિને વશ તે જીવ તત્ત્વને જોવામાં મંદબુદ્ધિવાળો થાય છે. આથી જ ઇન્દ્રિયોમાં જ તેને સુખ દેખાય છે. આત્માના પારમાર્થિક સુખને જોવાની મતિ તેનામાં પ્રગટ થઈ નથી. જ્યારે બુધ એવા જીવોમાં માર્ગાનુસારી બુદ્ધિ હોવાથી સ્વાભાવિક જ અકષાય અવસ્થા તેઓને સુંદર જણાય છે અને કષાયની વિડંબના વિડંબના જણાય છે.