________________
૮૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ મનીષીને સમસ્ત વૃત્તાંત કહ્યો, તેથી મનીષીને સ્પર્શનની મૂલશુદ્ધિ પ્રાપ્ત થઈ. પરંતુ ભવજંતુને મુક્તિની પ્રાપ્તિમાં સદાગમ કારણ હતો તેવો બોધ સ્પર્શનના વચનથી મનીષીને થયેલો અને વિપાકના વચનાનુસાર સંતોષથી કેટલાક જીવો મોક્ષને પામ્યા. તેથી મનીષીને તે બે વચનોના વિરોધનો નિર્ણય ન હતો. તેથી સ્પર્શનને પૂછે છે કે સદાગમે તને ભવજંતુ સાથે વિરહ કરાવ્યો ત્યારે અન્ય કોઈ ત્યાં કારણ હતું ? તેના જવાબ રૂપે અનેક પ્રકારની આનાકાનીથી અંતે સ્પર્શને કહ્યું કે સંતોષે ભવજંતુથી મારો વિયોગ કરાવ્યો. તેનાથી એ પ્રાપ્ત થાય કે મનીષી પોતાના બોધશક્તિના બળથી પદાર્થનું પર્યાલોચન કરે છે અને સ્પર્શેન્દ્રિય સાથે વિયોગનું મુખ્ય કારણ સંતોષ છે અને સદાગમ માર્ગનો બોધ કરાવવા દ્વારા કારણ છે તેવો નિર્ણય કરી શકે છે તેથી સદાગમ સન્માર્ગનો બોધ કરાવે છે, તેના બળથી જીવમાં સંતોષનો બોધ પ્રગટે છે. અને સંતોષ અનિચ્છારૂપ છે, જે પ્રકર્ષને પામીને વીતરાગતામાં વિશ્રાંત થાય છે, જેનાથી સંસારી જીવ કર્મથી મુક્ત થાય છે. આ પ્રકારની અંતરંગ વ્યવસ્થાનો નિર્ણય મનીષી સ્વ ઊહથી કરે છે છતાં સ્પર્શેન્દ્રિયને સંતોષ સાથે અત્યંત વિરોધ છે તે બતાવવા અર્થે જ સ્પર્શન સંતોષનું નામ કહેવા તૈયાર નથી તેમ બતાવેલ છે. સૂક્ષ્મપ્રજ્ઞાથી જોનારને દેખાય છે કે કોમલ સ્પર્શની ઇચ્છારૂપ સ્પર્શન છે. અને અનિચ્છાના પરિણામરૂપ સંતોષ છે. અને કોમલ સ્પર્શની ઇચ્છા જીવને આકુળ કરે છે અને સંતોષ જીવને અનાકુળ કરે છે. તેથી સ્પર્શન સાથે સંતોષનો અત્યંત વિરોધ છે. અને સદાગમ યથાર્થ બોધ કરાવનાર હોવાથી સદાગમને પણ સ્પર્શન સાથે અત્યંત વિરોધ છે; કેમ કે જીવને સદાગમના વચનથી સંતોષજન્ય સુખનો યથાર્થ બોધ થાય તો તે જીવ હંમેશાં સ્પર્શનને અનુકૂળ વર્તે નહીં. પરંતુ સ્પર્શને દેહમાં પ્રવેશીને કોમળ સ્પર્શનની ઇચ્છા ઉત્પન્ન કરી તે વિકારરૂપ જ છે. તેમ તે જાણી શકે છે. તે બોધ જીવને સદાગમ કરાવે છે. તેથી સદાગમ સાથે સ્પર્શનનો અત્યંત વિરોધ છે. વળી સ્પર્શનના વિકારના નિવારણ અર્થે સદાગમ ઉપદેશ આપે છે માટે સદાગમ સાથે સ્પર્શેન્દ્રિયનો વિરોધ છે અને સંતોષ સ્પર્શનનો ત્યાગ કરાવે છે, તેથી સંતોષ સાથે સ્પર્શનને અત્યંત વિરોધ છે.
વળી, કોઈક અવસરે સ્પર્શેન્દ્રિયે બાલને કહ્યું કે મારી પાસે અચિંત્ય યોગશક્તિ છે જેનાથી હું બધાને સુખનું કારણ થાઉ છું, ત્યારપછી બાલ અને મનીષીની અનુજ્ઞાથી સ્પર્શેન્દ્રિય પદ્માસન માંડીને ધ્યાનમાં યત્ન કરે છે, ત્યારપછી બાલ અને મનીષીના શરીરમાં પ્રવેશે છે તેમ કહ્યું, તેથી એ પ્રાપ્ત થાય કે બાલ જીવને સ્પર્શનની જે અત્યંત ઇચ્છા થાય છે, તે વખતે સ્પર્શેન્દ્રિયના વિષયમાં અત્યંત લીનતા આવે છે તે સ્પર્શેન્દ્રિય મતિજ્ઞાનના ઉપયોગરૂપ એકાગ્રતા છે, જેનાથી બાલ જાણે ભોગમાં અત્યંત સુખ છે તેમ જાણી ભોગને અભિમુખ થાય છે. વળી મનીષીને પણ કોમળ સ્પર્શની ઇચ્છા થાય છે અને સ્પર્શેન્દ્રિયના વિષયમાં જે ઉપયોગની એકાગ્રતા આવે છે જેનાથી સ્પર્શજન્ય સુખનું વદન થાય છે તે સ્પર્શનના ધ્યાનપૂર્વક તેના દેહના પ્રવેશ સ્વરૂપ છે. બાલને તો ભોગ વખતે પણ અત્યંત વૃદ્ધિ થાય છે તેથી ભોગથી સંતોષરૂપ સ્વાથ્ય પ્રાપ્ત થતું નથી. માત્ર અત્યંત ભોગની ઇચ્છાની વૃદ્ધિ થાય છે તેથી ભોગની ઇચ્છાના શમનરૂપ ક્ષણિક પણ સુખ બાળને થતું નથી, પરંતુ ભોગની ઇચ્છાની વૃદ્ધિરૂપ દુઃખની જ પીડા થાય છે; છતાં બાલને વિપર્યા હોવાને કારણે તે અત્યંત સુખ રૂપ જણાય છે. વળી, મનીષીને પણ સ્પર્શનજન્ય વિકાર સ્વરૂપ મતિજ્ઞાનનો ઉપયોગ