________________
બળદ ભગવાન પાસે મૂકીને પોતાના કામ માટે ગામમાં ચાલ્યો ગયો. પાછો આવ્યો ત્યારે તેને પોતાના બળદ મળ્યા નહીં. તેણે ભગવાનને પૂછ્યું. ભગવાન ચૂપ રહ્યા. ગુસ્સે થયેલા ગોવાળે ભગવાનના બંને કાનમાં લાકડાના ખીલા ભોંકી દીધા. પ્રભુને તીવ્ર વેદના થતી હતી. કહેવાય છે કે મહાવીરે પોતાના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં જે વ્યક્તિના કાનમાં ગરમ સિસુ રેડાવ્યું હતું તે વ્યક્તિ જ આ ગોવાળિયો હતો.
છમ્માણીથી વિહાર કરીને ભગવાન મધ્યમા પધાર્યા. ત્યાં આહાર માટે ફરતા ફરતા સિદ્ધાર્થ વણિકના ઘેર પહોંચ્યા. તે વખતે સિદ્ધાર્થ પોતાના મિત્ર વૈદ્યરાજ ખરક સાથે વાતચીત કરતા હતા. બંનેએ ભગવાનને વંદના કરી. પ્રભુને જોઈને ખરક બોલ્યો, “ભગવાનનું શરીર સર્વ લક્ષણયુક્ત હોવા છતાં સશલ્ય છે?
શેઠ- “મિત્ર, શલ્ય ક્યાં છે ?'
પ્રભુની કાયા જોઈને ખરકે કહ્યું, “જુઓ, કોઈએ કાનમાં ખીલા ભોંક્યા છે.” બંનેએ ભગવાનને રોકાઈ જવા વિનંતી કરી, પરંતુ તેમણે સ્વીકૃતિ આપી નહિ. મહાવીર ફરીથી ધ્યાનલીન બની ગયા.
સિદ્ધાર્થ તથા ખરક દવા અને કેટલીક વ્યક્તિઓને લઈને ત્યાં પહોંચ્યા. ખરકે સાણસી વડે લાકડાના ખીલા ખેંચી કાઢ્યા. તે વખતે પ્રભુના મુખમાંથી એક ભીષણ ચીસ નીકળી પડી, જેથી સમગ્ર ઉદ્યાન ગાજી ઊઠ્યો. ખરકે ઘા પર મલમ-ઔષધિ લગાડી અને પ્રભુને વંદના કરી. ભગવાન મહાવીરનો આ અંતિમ અને ભીષણ પરીષહ હતો. આ એક સંયોગ હતો કે ઉપસર્ગોનો પ્રારંભ પણ ગોવાળિયાથી થયો અને તેનો અંત પણ ગોવાળિયાથી જ આવ્યો. કેવળજ્ઞાનની પ્રાપ્તિ
ભીષણ ઉપસર્ગો, પરીષહો અને કષ્ટો સહન કરતાં કરતાં ભગવાન મહાવીર ધ્યાન તથા તપસ્યા દ્વારા આત્માને ભાવિત કરતા રહીને વિચરણ કરતા રહ્યા. વિચરતા વિચરતા પ્રભુ જૈભિય ગામની બહાર પહોંચ્યા. ત્યાં ઋજુબાલુકા નદીના કિનારે શ્યામક ગાથાપતિના ખેતરમાં શાલવૃક્ષની નીચે ધ્યાનારૂઢ થઈ ગયા. છઠ્ઠનું તપ, ગોદોહિકા આસન, વૈશાખ સુદ દશમનો દિવસ, દિવસનો અંતિમ પ્રહર, ઉત્તરાફાલ્ગનિ નક્ષત્ર, ક્ષેપક શ્રેણીનું આરોહણ, શુક્લધ્યાનનું દ્વિતીય ચરણ, શુભભાવ, શુભઅધ્યવસાયમાં ભગવાને બારમા ગુણસ્થાનમાં મોહનીય કર્મનો સમૂળ નાશ કર્યો તથા બાકીનાં ત્રણ ઘાતી કર્મ – જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાય કર્મનો ક્ષય કરીને તેરમા ગુણસ્થાનમાં કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રાપ્ત કર્યું. મૂર્તઅમૂર્ત સઘળા પદાર્થો ભગવાનને દેખાવા લાગ્યા.
ભગવાન શ્રી મહાવીર ] ૨૧૫