________________
ક્યારેક સર્પ વગેરે ઉપરાંત ઝેરીલા કાગડા, ગીધ વગેરે તીક્ષ્ણ ચાંચવાળાં પક્ષીઓના પ્રહાર પણ સહન કરતા. ક્યારેક ક્યારેક લોકો તેમને ચોર કે જાસૂસ સમજીને મારતા, અપમાનિત કરતા. ભયંકર દૈવી ઉપસર્ગોને પણ તેઓ સમભાવપૂર્વક સહન કરતા.
સાધનાકાળમાં મહાવીરે મોટે ભાગે નિદ્રા લીધી નહોતી. જ્યારે તેમને નિદ્રા આવતી ત્યારે તેઓ ઊભા રહી જતા અથવા થોડાક સમય માટે ફરતા રહીને નિદ્રાને દૂર કરી દેતા. વિહારના પ્રસંગે ભગવાન આસપાસમાં તથા પાછળ વળીને ક્યારેય જોતા નહિ. માર્ગમાં તેઓ કોઈની સાથે વાત કરતા નહિ. મોટે ભાગે તેઓ તપમાં લીન રહેતા. પારણાંમાં જે કાંઈ લૂખું-સૂકું, ઠંડુ વાસી ભોજન મળી જતું. તેને તે અનાસક્ત ભાવે ગ્રહણ કરી લેતા. ક્યારેક રોગ ઉત્પન્ન થાય તો ઔષધ સેવન કરતા નહિ. આંખમાં રજકણ પડે તો પણ તેને કાઢવાની ઇચ્છા પણ કરતા નહિ. શરીરને ક્યારેય તેઓ ખંજવાળતા નહિ. આમ દેહ હોવા છતાં વિદેહી થઈને પ્રતિક્ષણ, પ્રતિપળ જાગરૂક અને સજાગ રહીને ધ્યાન તથા કાયોત્સર્ગ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતા. સાધનાનું પ્રથમ વર્ષ
કોલ્લાગ સંનિવેશથી વિહાર કરીને ભગવાન મોરાક સંનિવેશમાં પધાર્યા. ત્યાં “દુઈજ્જન્તક’ તાપસીનો આશ્રમ હતો. આશ્રમના કુલપતિ મહારાજ સિદ્ધાર્થના મિત્ર હતા. પ્રભુને આવતા જોઈને કુલપતિ સામે ગયા તેમનું સ્વાગત કર્યું અને ત્યાં રોકાઈ જવા માટે વિનંતી કરી. તેમની વિનંતીથી મહાવીરે ત્યાં રોકાઈ જવાનો નિશ્ચય કર્યો અને એક રાત્રિ પ્રતિમા ધારણ કરીને બાનાવસ્થિત બની ગયા. બીજા દિવસે જ્યારે મહાવીર વિહાર કરવા લાગ્યા ત્યારે કુલપતિએ આશ્રમમાં ચાતુર્માસ વ્યતીત કરવા માટે નિવેદન
ક્યું. ધ્યાન-યોગ્ય એકાંત સ્થળ જોઈને તે પ્રાર્થનાને મહાવીર સ્વીકારી લીધી.થોડાક સમય સુધી આસપાસનાં ગામોમાં વિચરણ કરીને વળી પાછા વર્ષાવાસ માટે એ જ આશ્રમમાં આવ્યા અને પર્ણકુટિરમાં રહેવા લાગ્યા.
તે વર્ષ વરસાદને અભાવે લીલું ઘાસ ઊગી શક્યું નહિ. આસપાસનાં જંગલોમાં ચરતાં પશુઓ પર્યાપ્ત ખોરાકના અભાવે આશ્રમની પર્ણકુટિરોનું સૂકું ઘાસ ચરવા લાગ્યાં. આશ્રમના તાપસી પર્ણકુટિરોના રક્ષણ માટે દંડા લઈને પશુઓને ભગાડતા. મહાવીર પોતાના ધ્યાનમાં સંલગ્ન હતા. જે પોતાના શરીરની પણ સારસંભાળ છોડી ચૂક્યા હોય તેઓ આ પર્ણકુટિરનું ધ્યાન કઈ રીતે રાખે ? મહાવીર જે કુટિરમાં હતા તેના ઘાસને પશુઓએ ખાવાનું શરૂ કર્યું. તાપસોએ કુલપતિને ફરિયાદ કરી કે આપ કેવા અતિથિને લઈ આવ્યા છો, જે પોતાની કુટિરનું પણ રક્ષણ કરી શકતા નથી?
ભગવાન શ્રી મહાવીર ૧૯૯