________________
બીજા દિવસે ત્યાંથી વિહાર કરીને કોલ્લાગ સંનિવેશમાં પધાર્યા અને ત્યાં બ્રાહ્મણના ઘેર પરમાન (ખીર) વડે છઠ્ઠનું પ્રથમ પારણું કર્યું. દાનનો મહિમા વર્ણવતાં દેવોએ પંચદ્રવ્યો પ્રગટ કર્યાં.
ઉપસર્ગ તથા કષ્ટપ્રધાન સાધના
ભગવાન મહાવીરના છદ્મકાળની સાધના ઉપસર્ગ, કષ્ટ અને ઘટના-પ્રધાન હતી. પ્રાચીન આચાર્યોના અભિમત મુજબ ત્રેવીસ તીર્થંકરનાં કર્મદળ એક તરફ અને ભગવાન મહાવીરનાં કર્મો એક તરફ. તેમાં પણ મહાવીરનાં કર્મો અધિક હતાં. આ કારણે મહાવીરની સાધના અત્યંત કષ્ટપૂર્ણ અને પ્રખર હતી.
આચારાંગસૂત્ર તથા કલ્પસૂત્રમાં ભગવાનની સાધનાનું વિસ્તૃત વર્ણન મળે છે કે દીક્ષિત થયા પછી મહાવીરે દેવદૃષ્ય વસ્ત્ર સિવાય પોતાની પાસે અન્ય કાંઈ રાખ્યું ન હતું. લગભગ તેર માસ સુધી વસ્ત્ર ભગવાનના ખભા પર રહ્યું. ત્યાર બાદ તે વસ્ત્ર પડી જવાથી તેઓ સંપૂર્ણ અચેલ બની ગયા.
દીક્ષા સમયે તેમના શરીર ઉપર જે સુગંધિત વિલેપન કરવામાં આવ્યું હતું, તેનાથી આકૃષ્ટ થઈને ભ્રમર તથા સુગંધપ્રેમી કીડા ભગવાનના શરીર ઉપર ચાર માસ સુધી ફરતા રહ્યા અને માંસ ચૂસતા રહ્યા, લોહી પીતા રહ્યા. પરંતુ મહાવીરે ઉર્ફે પણ કર્યું નહિ. તે સુગંધથી પ્રભાવિત થઈને સ્વચ્છંદી યુવકો ભગવાનની પાસે આવતા અને કહેતા કે આપના શરીરમાંથી અત્યધિક સુગંધ આવી રહી છે. અમને પણ એવો કોઈ ઉપાય બતાવો અથવા એવું ચૂર્ણ આપો કે જેથી અમારા શરીરમાંથી પણ સુવાસ પ્રસરે. મૌન રહેવાને કારણે યુવકો તેમને છેડતા, કષ્ટ દેતા અને ચાલ્યા જતા. પ્રભુનાં રૂપ-સૌંદર્ય, સુગઠિત તથા બલિષ્ઠ શરીરને જોઈને સ્વેચ્છાવિહારિણી યુવતીઓ પોતાની કામવાસના શાંત કરવા માટે ત્યાં આવતી. તેઓ પોતાના હાવભાવ પ્રગટ કરતી, કટાક્ષ કરતી, વિવિધ નૃત્યો તથા ભાવો વડે તેમને આકર્ષવાનો પ્રયાસ કરતી, પરંતુ મહાવીર તો મેરૂ પર્વતની જેમ અડોલ રહેતા. તેમના પર તેનો કોઈ પ્રભાવ પડતો નહિ. આખરે હારીને તેમને કષ્ટ આપતી સૌ પાછી વળતી.
સાધનાકાળમાં તેઓ ક્યારેક નિર્જન ઝૂંપડીમાં, ક્યારેક પરબ અથવા કુટિયામાં, ક્યારેક ખંડેર કે ધર્મશાળામાં તો ક્યારેક યક્ષ મંદિર કે સ્મશાનમાં નિવાસ કરતા. શિયાળામાં ભયંકર ઠંડીના સમયે બીજા સાધકો ઠંડીથી બચવા માટે ગ૨મ સ્થાને જઈને રહેતા, કપડાં ઓઢતાં, પરંતુ મહાવીર એવી ઠંડીમાં પણ ખુલ્લા શરીરે અને ખુલ્લી જગાએ ઊભા રહેતા અને ઠંડીથી બચવાની ઇચ્છા પણ કરતા નહીં. પોતાના હાથનું ટુટિયું પણ વાળતા નહિ. શરીર ખુલ્લું હોવાથી ઠંડી-ગ૨મી સિવાય મચ્છરોનો પણ ભારે પરીષહ સહન કરવો પડતો.
તીર્થંકરચરિત્રÇ ૧૯૮