________________
અવસર્પિણીમાં તેનો સંબંધ ભગવાન ઋષભ દેવ સાથે છે. અવતારવાદનો નિષેધ
જૈનધર્મ અવતારવાદમાં વિશ્વાસ કરતો નથી. તેની એ સ્પષ્ટ માન્યતા છે કે તીર્થંકર પણ એક સામાન્ય બાળકની જેમ જન્મ લે છે પરંતુ પોતાના પુરુષાર્થ અને આધ્યાત્મિક બળથી તેઓ તીર્થંકર રૂપે પ્રતિષ્ઠિત થાય છે. વૈદિક પરંપરા અવતારવાદમાં વિશ્વાસ ધરાવે છે. અવતારવાદનો સીધો અર્થ છે – ઈશ્વરનું માનવરૂપે અવતરિત થવું અથવા જન્મ લેવો. ગીતાની દષ્ટિ એ અવતાર લેવાનો એક માત્ર ઉદ્દેશ છે કે આ સૃષ્ટિમાં ચારેતરફ જ્યારે અધર્મનું સામ્રાજ્ય પ્રસરે ત્યારે તેને છિન્નભિન્ન કરીને સાધુઓના પરિત્રાણ અને દુષ્ટોનો નાશ કરીને ધર્મની સ્થાપના કરવી. વૈદિકોના ઈશ્વરને સ્વયં રાગ-દ્વેષથી મુક્ત રહીને પણ ભક્તો માટે રાગ અને દ્વેષજન્ય કાર્યો કરવાં પડે છે. લોકહિત માટે સંહારનું કાર્ય પણ કરવું પડે છે. ઈશ્વરને માણસ બનીને પાપપુણ્ય કરવાં પડે છે. તેથી તેને લોકોને ભગવાનની લીલા તરીકે વર્ણવે છે. જૈનધર્મને આ અવતારવાદમાં વિશ્વાસ નથી. સિદ્ધત્વ અથવા ઈશ્વરત્વ પ્રાપ્ત આત્મા ફરીથી ક્યારેય સકર્મી બની શકતો નથી. આવી સ્થિતિમાં તે ન તો જન્મ લે છે અને ન તો રાગદ્વેષમૂલક પ્રવૃત્તિઓમાં સંલગ્ન બને છે. એ સુનિશ્ચિત છે કે પ્રત્યેક વ્યક્તિ સાધના દ્વારા આંતરિક શક્તિઓનો વિકાસ કરીને તીર્થંકર અથવા કેવલી બની શકે છે. કાલચક્ર
જૈનધર્મ મુજબ સૃષ્ટિ અનાદિકાળથી ગતિશીલ છે. તેનો ન કોઈ આદિ છે અને ન કોઈ અંત. વૈદિક પરંપરા તેને ઈશ્વરકૃત માને છે. જૈન ધર્મની એ સ્પષ્ટ અવધારણા છે કે આ દશ્યમાન જગત પરિણામી નિત્ય છે. દ્રવ્યની અપેક્ષાએ તે નિત્ય અને ધ્રુવ છે. પરંતુ પર્યાયની અપેક્ષાએ તે પ્રતિક્ષણ પરિવર્તનશીલ છે. જેવી રીતે દિવસ પછી રાત્રી અને રાત્રી પછી દિવસ આવે છે. વર્ષમાં છ ઋતુઓ બદલાય છે અને તે એક નિશ્ચિત સમય મર્યાદા સાથે પરિવર્તિત થતી રહે છે. કાળ (સમય)નો ક્રમ પણ નિરંતર બદલાતો રહે છે. દિવસ, સપ્તાહ, પખવાડિયું, મહિનો, વર્ષ, યુગ, વગેરે રૂપે જીવોને ક્યારેક દુઃખની તો ક્યારેક સુખની પરંપરા ચાલે છે. તે ક્યારેક ઉત્કર્ષનું વરદાન પામે છે તો ક્યારેક અપકર્ષનો અભિશાપ પણ પામે છે. આ તમામ અનાદિકાલીન છે, તેની સંતતિ સતત ચાલી રહી છે. સંસારના અપકર્ષ તેમજ ઉત્કર્ષમય સમયને જૈનધર્મમાં ક્રમશઃ અવસર્પિણી તથા ઉત્સર્પિણી કહેવામાં આવે છે. જે સમય ક્રમશઃ હાસ તરફ ઉન્મુખ હોય છે તે અવસર્પિણી તથા જે સમય વિકાસ તરફ અગ્રસર હોય છે તેને ઉત્સર્પિણી કાળ તરીકે ઓળખવામાં આવે છે.
પ્રવેશ ] ૩