________________
અગિયાર વ્યક્તિઓને ગણધર તેમજ યક્ષિણી આર્યાને પ્રવર્તની તરીકે નિયુક્ત કર્યાં.
રાજીમતિની વિરક્તિ
મહારાજ ઉગ્રસેનની પુત્રી તથા શ્રીકૃષ્ણની પત્ની સત્યભામાની નાની બહેન રાજીમતિ અત્યંત સ્વરૂપવાન, લાવણ્યમયી, સુશીલ તેમજ ગુણસંપન્ન કન્યા હતી. કુમાર અરિષ્ટનેમિની સાથે પોતાના વિવાહ સંબંધથી તે અત્યંત પ્રફુલ્લિત હતી. તે પોતાને સદ્ભાગી સમજતી હતી કે તેને ત્રિલોક સુંદર તેમ જ ગુણવાન પતિ મળ્યા હતા. તેમની આ હાર્દિક અભિલાષા ઉપર તે સમયે ભારે આઘાત લાગ્યો, જ્યારે તોરણ પાસેથી તેમના ભાવિ જીવનસાથી પાછા વળી ગયા. રાજીમતિ તરત મૂર્છિત બની ગઈ. શીતલોપચાર વડે તે પુનઃ સચેત થઈ અને વિલાપ કરવા લાગી, ‘ક્યાં હું હતભાગિની અને ક્યાં તેઓ નરશ્રેષ્ઠ ! મને તો સ્વપ્નમાં ય કલ્પના નહોતી કે કુમાર નેમિ જેવા નરશિરોમણિ મારા જીવનસાથી બનશે ! મહાપુરુષો હમેશાં આપેલાં વચન નિભાવે છે. હું યોગ્ય નહોતી તો આપે સ્વીકૃતિ આપવી જ નહોતી જોઈતી. આપના દ્વારા સ્વીકૃત થતાં જ હું આપની પત્ની બની ચૂકી. આપે મારા હૈયામાં આશાના દીપ પ્રગટાવીને અચાનક બુઝાવી દીધા. હે પ્રાણનાથ ! આમાં આપની ભૂલ જ ક્યાં છે ? એમ લાગે છે કે આમાં મારાં જ કર્મોનો દોષ છે. થોડીવાર પછી કંઈક આશ્વસ્ત બનીને તેણે સંકલ્પ કર્યો, હવે હું નેમિકુમા૨ની પત્ની બની ચૂકી છું. તેમણે જે માર્ગ ગ્રહણ કર્યો, તે જ માર્ગનું અનુગમન હું પણ કરીશ.’
કુમાર અરિષ્ટનેમિના નાના ભાઈ રથનેમિ રાજીમતિના રૂપલાવણ્ય ઉપર મુગ્ધ થઇ ગયા. તે ભાભીને મળવા માટે ઉગ્રસેનના .મહેલમાં આવતા-જતા અને સાથેસાથે કંઈકને કંઈક ભેટ ધરતા. રાજીમતિ પોતાના દિયર તરફથી મળતી ભેટને સહજ સ્વીકારતી હતી. પરંતુ એક દિવસ તક જોઈને રથનેમિએ રાજીમતિને પોતાની સાથે લગ્ન કરવા કહ્યું ત્યારે તેને ખબર પડી કે તે શા માટે આ રીતે પોતાને મળવા આવતો હતો. રાજીમતિએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો છતાં તેણે પોતાના પ્રયાસો છોડ્યા નહિ.
રાજીમતિએ દિયરને સમજાવવા માટે એક યુક્તિ વિચારી અને પોતે પેટ ભરીને ખીર ખાઈ લીધી. રથનેમિ જેવા મહેલમાં આવ્યા કે તરત રાજીમતિએ કહ્યું, ‘એક થાળી લાવો.' રાજીમતિએ મદનફળ ખાઈને થાળીમાં ખીરનું વમન કર્યું અને કહ્યું, ‘દિયરજી ! તમે આ ખાવ.’ રથનેમિએ મોં બગાડતાં કહ્યું, ‘તમે મારી સાથે આ કેવી મજાક કરો છો ? શું તમે જાણતાં નથી કે વમન કરેલો પદાર્થ ખાવાનું તો ઠીક, સૂંઘવાનું પણ ઠીક નથી ? શું તમે મને કૂતરો સમજો છો ?’
ભગવાન શ્રી અરિષ્ટનેમિ D ૧૫૩