________________
તરફ જરાસંઘની સેના પણ આવી પહોંચી. કેટલાક વિદ્યાધર રાજાઓ રણક્ષેત્રમાં પહોંચ્યા અને મહારાજ સમુદ્રવિજયને કહ્યું આપણી ઉપર વસુદેવજીના ઘણા ઉપકાર છે. તેથી આપણે તેમના કુતજ્ઞ છીએ. આપણી વિદ્યાધર શ્રેણીના અનેક શક્તિશાળી રાજાઓ જરાસંઘના મિત્રો છે. તેઓ પોતપોતાની સેનાઓ સાથે આવી રહ્યા છે. આપ વસુદેવને અમારા સેનાપતિ નિયુક્ત કરીને મોકલો. જેથી અમે તેમને ત્યાં જ રોકી રાખી શકીએ. વસુદેવજી એ તરફ ચાલ્યા ગયા.
જરાસંઘ તથા યાદવોની સેના વચ્ચે ભયંકર સંગ્રામ શરૂ થયો. તેમાં ઘણી મોટી સંખ્યામાં યોદ્ધાઓ હણાયા. જરાસંઘના પુત્રોને યાદવવીરોએ હણી નાખ્યા. પોતાના પુત્રોને મરતા જોઈને જરાસંઘ અત્યંત ક્રોધિત થયો અને બાહવર્ષા કરતો કરતો યાદવસેના પર તૂટી પડ્યો. યાદવસેના હતપ્રભ બની ગઈ.
અરિષ્ટનેમિ પણ યુદ્ધભૂમિમાં ઉપસ્થિત હતા. તેમના માટે સર્વશસ્ત્રાસ્ત્રોથી સુસજ્જ રથ માતલિ સારથિસહિત ઈદ્રએ મોકલ્યો. મુખ્ય યાદવવીર ઘેરાયેલા હતા. નેમિકુમારે તક જોઈને યુદ્ધનો દોર પોતાના હાથમાં લીધો. કુમારના આદેશથી માતલિએ રથ ભીષણ વર્તુળ વાયુ તરફ ફેરવ્યો. કુમારે પુરંદર શંખનો ઘોષ કર્યો. શંખના નિનાદથી શત્રુઓ ધ્રુજી ઊઠ્યા. યાદવોમાં નવો ઉત્સાહ છલકાયો. બાણાવર્ષાની ભીંસ ઊભી કરતાં કરતાં તેમણે જરાસંઘની સેનાને પીછેહઠ કરાવી. આ ચમત્કારી વિજયથી યાદવસેના જોશમાં આવી ગઈ અને તેણે ભયંકર આક્રમણ શરૂ કર્યું. પોતાના રથને મનોવેગથી શત્રુરાજાઓની ચારે તરફ ઘુમાવતાં ઘુમાવતાં જરાસંઘની સેનાને અટકાવી દીધી. અંતે શ્રીકૃષ્ણ સુદર્શન ચક્ર વડે જરાસંઘને હણીને ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો અને ત્યારથી તેઓ નવમા વાસુદેવ તથા બલરામ બલદેવ બન્યા. અપરિમિત બળ
એક વખત નેમિકુમાર ફરતા ફરતા વાસુદેવ કૃષ્ણના શસ્ત્રાગારમાં જઈ પહોંચ્યા. અવલોકન કરતાં તેમણે ત્યાં પાંચજન્ય શંખ નિહાળ્યો. કુતૂહલતાથી તે તેને ઉઠાવીને વગાડવા લાગ્યા. શંખના ગંભીર ઘોષ સાંભળીને સમગ્ર દ્વારિકા નગરી ખળભળી ઊઠી. અનેક લોકો મૂચ્છિત થઈ ગયા. વાસુદેવ કૃષ્ણ અને બલભદ્ર પણ તરત શસ્ત્રાગાર તરફ દોડ્યા. તેઓ વિચારવા લાગ્યા, આ બીજે વાસુદેવ વળી ક્યાંથી આવી ટપક્યો ? શું આપણી સ્થિતિ સમાપ્ત થઈ રહી છે? કે પછી આપણે વાસુદેવ રહ્યા જ નથી? આયુધ શાળામાં પહોંચીને તેમણે જોયું તો ખબર પડી કે ત્યાં નેમિકુમાર ફરતા હતા. શસ્ત્ર-સંરક્ષક દ્વારા જાણવા મળ્યું કે શંખ નેમિકુમારે વગાડ્યો હતો.
તીર્થકરચરિત્ર [ ૧૪૮