________________
સમગ્ર રાજ્યમાં ઉત્સાહ હતો. રાજ્યના પ્રત્યેક ઘરમાં રાજકીય ઉત્સવ ઉજવવામાં આવ્યો. ઘેર ઘેર લીંપણ-ગૂંપણ અને દીવડાઓ વડે સમગ્ર નગર અલૌકિક આભાથી ઝળહળી ઊઠ્યું.
નામકરણના દિવસે રાજાએ વિરાટ આયોજન કર્યું. સૌને પ્રીતિ ભોજન કરાવ્યું. પરિવારના વૃદ્ધ પુરુષોએ ગર્ભકાળમાં ઘટિત વિશેષ ઘટનાઓ વિષે પૂછ્યું જેથી નામ પાડવામાં સુવિધા રહે. રાજાએ કહ્યું, “ગર્ભકાળમાં તેની માતા પ્રત્યેક વિધિની જાણકાર બની ગઈ હતી. મને પોતાને આશ્ચર્ય થાય છે કે
જ્યારેપણ મહેલમાં કોઈ ચર્ચા થતી કે અમુક કાર્ય કેવી રીતે કરવું, અમુક વસ્તુ કેવી રીતે બનાવવી ત્યારે મહારાણી કેવું તત્કાળ સમાધાન આપી દેતાં હતાં ! તેમણે બતાવેલી વિધિ પ્રમાણે તે કાર્ય સ્વાભાવિક રીતે નિષ્પન્ન થઈ જતું હતું. મારી દષ્ટિએ તે ગર્ભનો જ પ્રભાવ હતો. તેથી તેનું નામ સુવિધિકુમાર રાખવું એ જ યોગ્ય ગણાશે. બીજી પણ એક ઘટના છે. તેના ગર્ભકાળ દરમિયાન મહારાણીને પુષ્પોનો દોહદ (ઇચ્છા) ઉત્પન્ન થયો હતો. તેથી તેનું બીજું નામ પુષ્પદંત પણ રાખી શકાય.” સૌએ બાળકને તે બંને નામ આપ્યાં.
બાળક સુવિધિકુમાર જ્યારે યુવક બન્યા, ત્યારે માતા-પિતાએ સુસંસ્કારિત રાજકન્યાઓ સાથે તેમનો વિવાહ કર્યો. ગાંધર્વદેવોની જેમ પંચેન્દ્રિય સુખ ભોગવતાં ભોગવતાં તેઓ ભોગાવલી કર્મો હળવા થવાની પ્રતીક્ષા કરવા લાગ્યા. રાજા સુગ્રીવે સુવિધિકુમારને રાજ્યપદ સોંપીને નિવૃત્તિનો માર્ગ ગ્રહણ કર્યો. સુવિધિકુમાર રાજા બન્યા તથા વ્યવસ્થા સંચાલનની મોટાભાગની જવાબદારી નિર્લિપ્ત ભાવે નિભાવવા લાગ્યા. તેમના રાજ્યમાં સર્વત્ર શાંતિનું સામ્રાજ્ય હતું. લોકો પરમ સુખી હતા. દીક્ષા
ભોગાવલી કર્મો ભોગવી લીધા બાદ ભગવાન દીક્ષા માટે તત્પર થયા. લોકાંતિક દેવોના આગમન પછી ભગવાને વર્ષીદાન દીધું. એક હજાર વિરક્ત વ્યક્તિઓ સહિત ભગવાને છઠની તપસ્યામાં દીક્ષા ગ્રહણ કરી. બીજા દિવસે રાજા પુષ્પકના ઘેર ખીર દ્વારા પારણું કર્યું.
છાસ્થ કાળમાં ભગવાન સુવિધિ એકાંત અને મૌન સાધના વડે પોતાને સાધવા લાગ્યા. વિચરતા વિચરતા તેઓ પુનઃ કાકંદી નગરીમાં પધાર્યા. ત્યાં જ શાલ વૃક્ષની નીચે ક્ષપક શ્રેણી મેળવી. ધાતિક કર્મોનો ક્ષય કર્યો અને સર્વજ્ઞતા પ્રાપ્ત કરી. તે દિવસે પણ તેમને છઠની તપસ્યા હતી. દેવોએ જ્ઞાનોત્સવ ઉજવ્યો. ભગવાને પ્રવચન આપ્યું. પ્રથમ દેશનામાં ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ ગઈ.
ભગવાન શ્રી સુવિધિનાથ | ૮૩