________________
૧૬૮
સટ્ટો અને સંસાર !
જે સટોડીયો સટ્ટાના ધંધામાં શરૂઆતમાં જ ફાવે, એ અંતે પ્રાયઃ પાયમાલ થઈને જ રહે, અને જેને શરૂમાં નુકશાન થાય, એ બહુ સાવચેત થઈ જાય અને એથી એને ખોવાનો અવસર ઓછો આવે
આ સંસાર પણ સટ્ટા જેવો છે. સંસારમાં ફાવનારા તો પ્રાયઃ પાયમાલીના પંથે જવાના ! ફાવટમાં ય જે બહુ જ સાવચેત રહે, એ બચી જાય !
અસારની સાધના હોય ખરી ?
શાસ્ત્રોમાં ઠામ ઠામ પહેલી વાત એ આવે કે, સંસાર અસાર ! ને બીજી એ વાત આવે કે, મનુષ્યભવ દુર્લભ ! હવે તમે જ વિચારો કે, જે શાસ્ત્રો સંસાર અસાર કહ્યા પછી મનુષ્યભવની દુર્લભતા સમજાવે છે. એ શાસ્ત્રો કદી મનુષ્યભવમાં અસાર-સંસારની સાધના કરવાનું કહે ખરાં !
અમારો ધંધો કઠિન છે !
અમારો આ ધર્મોપદેશનો ધંધો ઘણો કઠિન છે. કારણ કે જે ચીજો પર તમને અતિપ્રેમ છે. એ ચીજોને જ અમારે તમારી સામે રોજ અસાર અને ભૂંડી સમજાવ્યા કરવાની અને એ સાંભળવા માટે તમને રોજ અહીં આવતા રાખવાના !
એ ભણતરમાં ધૂળ પડી !
આજે ભણતર વધ્યું છે-એવી વાતો બહુ હાંકવામાં આવે છે. ડીગ્રીધારીઓનો તો આજે રાફડો ફાટ્યો છે. પણ એ ભણતરનું પરિણામ શું ? અહીં બેઠેલો કોઈપણ બાપ છાતી ઠોકીને એવું કહી શકે એમ છે કે-‘મારા ભણાવેલા દીકરામાં મને પૂરો વિશ્વાસ છે.