________________
તરંગલોલા
૪૦
લઈને જતી સારસિકાને એ પ્રમાણે સંદેશ આપ્યો. સ્વપ્નદર્શન
સૂર્યાસ્ત થતાં અને અંધકારથી રાત્રી ઘેરાવા માંડતાં, તે વેળા, હે ગૃહસ્વામિની, હું પૌષધશાલામાં ગઈ. અમ્મા અને પિતાજીની સાથે મેં દેવસિક અને ચાતુર્માસિક પ્રતિક્રમણ કરીને પવિત્ર અરિહંતોને વંદ્યા. હું ભોય પર શયન કરતી હતી. મારા શયન પાસે મારી માતા બેઠી. નિદ્રામાં મને એક સ્વપ્ન આવ્યું જાગી જતાં મેં એ સ્વપ્નની વાત બાપુજીને કરી :
સ્વપ્નમાં, હું એક વિવિધ ધાતુથી ચિત્રવિચિત્ર, દિવ્ય ઔષધિઓ અને દેવતાઈ વૃક્ષોથી સુશોભિત, આકાશના પોલાણ સુધી પહોંચતા ઊંચા શિખરવાળા, એક રમ્ય પર્વતની પાસે ગઈ, અને તેના ઊંચા શિખર પર ચડી. પણ તેટલામાં તો હું જાગી ગઈ : તો એ સપનું મને કેવું ફળ આપશે ?'
સ્વપ્નફળ
એટલે બાપુજી સ્વપ્નશાસ્ત્રને આધારે આ પ્રમાણે કહેવા લાગ્યા, “બેટા, તારુ એ સ્વપ્ન ધન્ય અને માંગલિક છે. સ્વપ્નમાં સ્ત્રીપુરુષોનો અંતરાત્મા તેમનાં ભાવિ લાભાલાભ, સુખદુઃખ અને જીવનમરણનો સ્પર્શ કરે છે.
માંસ, મત્સ્ય, લોહીનીંગળતો વ્રણ, દારુણ વિલાપ, બળતા હોવું, ઘાયલ થવું, હાથી, બળદ, ભવન, પર્વત કે દુઝતા વૃક્ષ ઉપર ચડવું, સમુદ્ર કે નદી તરીને પાર કરવાં એવાં સ્વપ્ન દુઃખમાંથી મુક્તિનાં સૂચક હોવાનું તું જાણજે.
પુંલ્લિગ નામવાળી વસ્તુના લાભથી પુંલ્લિગ નામવાળા દ્રવ્યનો લાભ થાય છે. તેવા નામવાળી વસ્તુ નષ્ટ થતાં, તેવા જ નામવાળી વસ્તુ નષ્ટ થાય છે.
સ્ત્રીલિંગ નામવાળી વસ્તુના લાભથી તેવા જ નામવાળા દ્રવ્યનો લાભ થાય છે. તેવા નામવાળી વસ્તુ લુપ્ત થતાં, તેવા જ નામવાળી વસ્તુ લુપ્ત થાય છે.
પૂર્વે કરેલા શુભ કર્મ કે પાપકર્મનું જે ફળ જેને મળવાનું હોય તે, સૌને તેમનો અંતરાત્મા સ્વપ્નદર્શન દૂરા સૂચવતો હોય છે.