________________
૨૦૬
છે. વારંવાર પ્રાર્થના કરવાથી મિત્ર દાવે મારા પિતાએ તારા રાજાને મદદ કરવા મને મોકલ્યો છે, તે તેં જાણ્યું છે ને ? તો મારે તો સર્વથા તેના બચાવ માટે જ પ્રયત્ન કરવો જોઈએ. રાતમાં તેની વહાલી પુત્રીને કપટથી ઉપાડી જાઉં તો મારામાં ને અપકાર વજાયુધમાં શો ફેર ? હરણ કરી લઈ જઈ મારા નિષ્કલંક પિતાને પણ મારે મ્હોં શી રીતે બતાવવું ? બોલ, અરે મારા પિતા તો દૂર રહ્યા, પણ ઉચિતજ્ઞ તારી આ સખી પણ “વિવાહકાળે સખીયો કહેશે કે વ્હેન ! વરનું મુખ જો,'' ત્યારે આનંદપૂર્વક મારૂં મુખ શી રીતે જોઈ શકશે ? એટલે હવે જવા દે આ વાત. પણ એવો જ કોઈ ઉપાય કરીશું કે–વજાયુધને આપવા તૈયાર થયલા રાજાને સમજાવી અટકાવાશે, શત્રુ સાથે વિરોધ વધશે નહીં, ને તારી સખી પણ પિતાને અળખામણી થશે નહીં.''
અમે ત્રણે ઉભા થયા. અમને બન્નેએ કન્યાન્તઃપુર સુધી પહોંચતા કરી મુખ વિકાર દર્શાવ્યા વિના ગંભીર મુદ્રાએ સ્વાભાવિક ગતિથી છાવણી તરફ ચાલ્યા ગયા.
વળી પાછી વિરહ વ્યથાથી પીડાતી મને લઈ બંધુસુંદરી કન્યાન્તઃપુરમાં પેઠી. ત્યાં મને પથારીમાં સુવડાવી મારી મા પાસે ઉતાવળી ઉતાવળી ચાલી ગઈ.