________________
૩૪
તેણે બહાનું પરૂં ઉજજડ કરી બાળી નાખ્યું. બહારના પાણીના પીયાવાઓનો નાશ કર્યો. ધાન્ય, ઘાસ, લાકડાં વગેરે પુષ્કળ અંદર ભરી લીધું. સારા સારા માણસો બહાર સુરક્ષિત સ્થાને પહોંચાડી દીધા. અજાણ્યા માણસને આવવા દેવાની સખ્ત મનાઈ કરી. કિલ્લાની અંદર ચારે તરફ ઘોડેસવારોની ટુકડીઓ સાવધાન થઈ ફરતી રાખી. કોઠાઓ ને વિદ્યાધરો (ચોખણીયા કોઠા) ઉપર વિચિત્ર પ્રકારના યાંત્રિક શસ્ત્રો ગોઠવી મૂક્યા છતાં યુદ્ધ કરવાની ઈચ્છાથી સહાય માટે ચારે તરફ છુપા જાસુસો તેણે મોકલી દીધા હતા.
આ બધી વાત પ્રણિધિ (એલચી) દ્વારા સેનાધિપતિના જાણવામાં આવી. તેથી ચીડાઈ ઝપાટાબંધ તેણે કોટને ફરતું સૈન્ય ગોઠવી દીધું, ને સખ્ત રીતે ઘેરો રાખ્યો. એકદમ હાથીની સેના પણ કિલ્લાના દરવાજા તોડવા મોકલી દીધી. એવી રીતે ઘણા દિવસ કોઈવાર ઘોર ભયાનક, કોઈવાર હસવું આવે એવા હુમલાઓ કરવામાં આવ્યા. એક કાંચી તોડવાની મહેનત કરે ને બીજો કાંચીનો બચાવ કરવાની મહેનત કરે, આમ હઠે ભરાયેલા બન્નેનો પ્રૌઢ દંપતી માફક ઘણો વખત ગયો.
વસંત પંચમીનો દિવસ હતો. સાંજે તંબુ બહાર પલંગ ઉપર દંડનાયક બેઠા હતા. અમે બધા હજુરીયાઓ પણ પાસે બેઠા હતા. તે (મદન) જાગરણનો દિવસ હોવાથી સ્ત્રીઓ ગીતો ગાતી ને રાસ લેતી હતી, તે સાંભળવામાં અમે તલ્લીન થઈ ગયા હતા.