________________
પુનઃ પ્રકાશન પ્રસંગે આ
શ્રી કીર્તિકલ્લોલ કાવ્ય પુસ્તક આજથી ૬૦ વર્ષ અગાઉ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેને જેમનું તેમ રાખીને અહીં મુદ્રિત કરવામાં આવી રહ્યું છે. સં. ૨૦૧૦-૧૧-૧૨ એમ ત્રણ વર્ષના સતત પ્રયત્નના ફલસ્વરૂપે આ કાવ્ય તૈયાર થઈ શક્યું હતું.
આ સમયે પંડિત શ્રી બાબુઓઝા તથા પંડિત શ્રી બંસીધર ઝા-આ બંને શાસ્ત્રીજીઓનો પ્રાપ્ત થયેલો સહયોગ સ્મૃતિપથમાં આવ્યા સિવાય રહેતો નથી એટલે કૃતજ્ઞ ભાવે તેઓનો નામોલ્લેખ કરવામાં આવ્યો છે.
ભૂતકાળમાં આ પુસ્તકની બીજી આવૃત્તિ છપાવવા માટેનો ઉપક્રમ થયેલો ખરો અને એકવાર તો એનો અનુવાદ કરીને પણ છપાવવા માટે તો વિચાર થયેલો પણ એનું અંજળ આવ્યું નહિ. આજે શ્રી દેવગુરુની કૃપાથી આનું પ્રકાશન થઈ રહ્યું છે. તે આનંદની વાત છે.
પરમ હિતૈષી પૂ.પં. શ્રી મેરુવિજયજી (આચાર્યશ્રી) મ. તથા અમારા પરમોપકારી પૂજ્ય ગુરુ મહારાજશ્રીએ કરેલા ઉપકારની તો વાત જ થાય એમ નથી આની રચના સમયે તેઓ સતત પ્રેરણા કરતા ન રહ્યા હોત તથા રચાયેલા શ્લોકો જોઈ, સાંભળી આનંદ ઉત્સાહ અને સંતોષ વ્યક્ત કર્યો ન હોત તો આ કાવ્ય આ રીતે તૈયાર ન જ થઈ શક્યું હોત. વળી આ કાવ્યના કેટલાક શ્લોકોને સિદ્ધાન્ત માર્તડ પૂજ્ય આ.ભ. શ્રી વિજયનન્દનસૂરીશ્વરજી મ.શ્રીની દૃષ્ટિ તળેથી પસાર થવાનું સૌભાગ્ય પણ મળ્યું છે. મનમાં ઊંડે ઊંડે એવી ભાવના છે ખરી કે આ કાવ્ય અનુવાદ સાથે બહાર પાડવું. આ કાવ્યના કેટલાક શ્લોકો તો એવા પ્રાસાદિક તથા કાવ્યની દૃષ્ટિએ ચમત્કાર પૂર્ણ છે કે એના વાચનથી સહૃદયવાચક ભાવ વિભોર બન્યા સિવાય ન જ રહે. સં. ૨૦૭૩ મહા વદ-૫, ગુરુવાર ૬૯ મો દીક્ષાદિન,
-હેમચન્દ્રસૂરિ દેવબાગ-પાલડી, અમદાવાદ . पुनः प्रकाशन प्रसंगे
153