________________
-~~~-~~-~- વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ -------- સામે દલીલ કરી કે “મને તો ગુરુજીએ અહીં જ બેસવાનું કહ્યું છે. એટલે મારે અહીંથી હટાય નહિ.”
“ગુરુજીએ કહ્યું હશે, પણ તમારા ગુરુજીને અત્યારની પરિસ્થિતિનો ખ્યાલ નહિ જ હોય ને ? કે સામે ઝાડ પાસે બહેનો બેઠા છે...”
પણ બહેનો બેઠા હોય, એમાં આપણને શું વાંધો ? એ તો દૂર છે. આપણું મન ચોખું છે, પછી...”
“જુઓ, મુનિવર !” અધ્યાપક મુનિ એકદમ શાંતસ્વરે એમને સમજાવતા જ રહ્યા “આપણે વ્યવહાર પણ પાળવાનો ને ? એ બધાની આપણા પર વારંવાર નજર પડે કે આપણી એમના પર પડે, એ શોભાસ્પદ તો નથી જ ને ? તમે એક જ કામ કરો. અત્યારે મારી વાત માની લો, આપણે જરાક અંદરની તરફ બેસી જઈએ. પ્રતિક્રમણ બાદ આપણે તમારા ગુરુને આ આખી વાત કહેશું. પછી એ જો મારા નિર્ણયને ખોટો કહેશે, તો હું પ્રાયશ્ચિત્ત લઈશ. બસ ! આખરે એ તમારા ગુરુ મારા પણ વિદ્યાગુરુ છે...”
અને નૂતન મુનિરાજે વાતનો સ્વીકાર કર્યો, ટેબલ ઉપાડીને પાંચેક ડગલા અંદરની બાજુ સરકી ગયા.
પાઠ લેવાનો શરુ તો થયો, પણ અધ્યાપક મુનિને સ્પષ્ટ લાગ્યું કે નૂતનમુનિનો મૂડ off થઈ ગયેલો છે, મોઢા પર ઉદાસીનતા છે, શ્લોકો બેસાડવામાં મન ચોંટતું નથી. રોજ કરતા આજે પુષ્કળ ભૂલો થઈ રહી છે. આ પરિસ્થિતિમાં પાઠ લેવાથી શું ફાયદો ?
અધવચ્ચે જ પાઠ અટકાવીને અધ્યાપક મુનિ મીઠા-મધુરા સ્વર સાથે બોલ્યા, મુનિવર ! તમને મારા નિમિત્તે ખોટું લાગ્યું છે, બોલો ! સાચી વાત ને ? તમારે તમારું સ્થાન છોડીને અંદર આવવું પડ્યું, એ તમને ગમ્યું નથી. માટે જ તમારા મુખ પર ભારે ઉદાસીનતા દેખાય છે. ખરું ને?
“ના !” એક જ પળમાં નૂતને સ્પષ્ટ નનૈયો સંભળાવી દીધો, અને ભરપૂર પશ્ચાત્તાપથી ભરેલા હૈયા સાથે બોલવા માંડ્યા...
તમે મારા વિદ્યાગુરુ છો, વડીલ છો, ગંભીર છો. મને મારી જાત ઉપર ધિક્કાર છૂટે છે કે મેં એક જ ઝાટકે આપની વાત શા માટે ન સ્વીકારી? શા માટે હું દલીલો કરવામાં પડ્યો? આ મેં કેટલું ખોટું કર્યુ? મેં ઘોર પાપ બાંધ્યું.”
અધ્યાપક મુનિ તો એમની ઉદાસીનતાનું આ કારણ સાંભળીને હર્ષથી રડી પડ્યા. શું આ ૧૯ વર્ષના નૂતનમુનિની ગજબકોટિની ખાનદાની ! શું એમનો પોતાની ભૂલ સ્વીકાર કરવાનો જબરદસ્ત ઉલ્લાસ !
- બસ, પછી તો છેક ૭.૧૦ વાગ્યા સુધી એ જ વાતો ચાલ્યા કરી, પરસ્પરની આત્મીયતા વધુ ને વધુ ઘુંટાવા લાગી. અધ્યાપકની નવી નવી સૂચનાને નૂતન મુનિ અમૃતની જેમ પીવા લાગ્યા. શિશુપાલવધનો પાઠ તો બાજુ પર જ રહી ગયો.