________________
------- વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ --~~~~
એમાં વળી અષાઢ સુદ ચૌદસ એકદમ નજીક આવી. સાધ્વીજી ભ. અમને કહે “મને એક દિવસ માટે ઉપાશ્રયે લઈ જાવ. મારા કારણે બીજા સાધ્વીજી પણ હેરાન થાય છે અને બધાની આરાધના બગડે છે.” (તે વખતે બીજા સાધ્વીજી સેવામાં હતા.)
અમે મુંઝાયા, સંઘના પાંચ-છ માણસોએ ભેગા મળીને શહેરના મુખ્ય મુખ્ય ચાર-પાંચ ડોક્ટરોની સલાહ લીધી. બધાનો એક જ જવાબ ! “આવું જોખમ બિલકુલ ન કરશો, હોસ્પીટલમાં જ રાખવા પડે.”
પણ સાધ્વીજી ભ.નો નિશ્ચય પાકો હતો, છેવટે બધાની ઉપરવટ થઈને અમે એમને ઉપાશ્રયમાં લાવ્યા. એ જ દિવસે એક શ્રાવક (જે અત્યારે મુનિ બની ગયા છે, એમને વંદન કરવા આવ્યા, પરિસ્થિતિ જોઈને કહે કે “છગનલાલ નામના એક સારા વૈદ્ય છે, નિમ્બાર્ક ફાર્મસી પાસે રહે છે. હું બોલાવી લાવું..” અને થોડા જ સમયમાં વૈદ્ય સાથે હાજર થઈ ગયા.
વૈદ્ય અજૈન ! છતાં જૈન સાધુ-સાધ્વીઓને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે અને એમની દવાનો એક પણ રૂપિયો ન લે. એમણે સાધ્વીજીને સ્પર્શ પણ કર્યા વિના કહી દીધું કે “આ એક જ દિવસમાં મટી જશે. હું પડીકી આપું છું. ૧૦૦ ગ્રામ પાણીમાં નાંખી ૨૦ ગ્રામ પાણી થાય, ત્યાં સુધી ઉકાળવાનું, પછી સાધ્વીજીને એ ઉકાળો વપરાવવાનો. દર એક કલાકે આ રીતે કરજો.”
અને, સાહેબજી ! સવારથી સાંજ સુધીમાં અમે આઠ-દસ વાર આ રીતે વપરાવ્યું, બીજા દિવસે જ એની ધારી અસર થઈ. ડોક્ટરોની દિવસો સુધીની દવાઓ કશું કરી શકી ન હતી. અહીં એક જ દિવસની દવા બાદ પોણા બે લીટર જેટલું માગું થઈ ગયું, ૮૦% સોજા ઉતરી ગયા. બીજા દિવસની દવા બાદ બધું જ ગાયબ ! શરીર પર ડાઘા પડેલા, એ પણ વૈધે આપેલી દવા લગાડવાથી ગાયબ થઈ ગયા. વૈદ્ય કહે “મહારાજ સાહેબ! આ મારી દવાઓનો નહિ, પણ આપના સંયમજીવનનો પ્રભાવ છે...”
છેલ્લા દસેક વર્ષથી આંખે દેખાતું લગભગ બંધ થઈ ગયું છે. એમની સેવા માટે કાયમી વ્યવસ્થા તો થઈ નથી, પણ કોઈક સાધ્વીજીઓ અહીં હોય, તો અવસરે સાચવી લે છે. એ સિવાય એમની બધી જ કાળજી સંઘના બહેનો કરે છે.
“ગોચરી ?”
“મારા ઘરેથી જ જાય છે. પણ સાહેબજી ! મેં આપને કહ્યું ને ? એમનો ત્યાગ ગજબનો છે. સવારે નવકારશીમાં દૂધ ન લે, માત્ર ખાખરો લઈ લે. અમે પૂછયું તો કહે કે “દૂધ વાપરવાથી ઝાડા થઈ જાય, તો એ બધી મુશ્કેલી વધી પડે ને? હું તો જોઈ શકતી નથી. એટલે કપડા બગડે... વગેરે કંઈપણ થાય તો તમારે ચિંતા વધે... માટે માત્ર લુખા ખાખરા જ વાપરી લઈશ...”
બપોરે પણ એકદમ ઓછી અને સાદી ગોચરી લે. મીઠાઈ વગેરેને તો પ્રાયઃ અડતા જ નથી. સાહેબજી ! સંયમનો પરિણામ કેવો ? એ આપને કહ્યું... અમે પુછયું કે “તમે ઓછા દ્રવ્યો કેમ લો છો ? સવારે ચાર-પાંચ વસ્તુ, બપોરે સાત-આઠ વસ્તુ... એ રીતે લો, તો ભાવે પણ ખરું.”