________________
અભિપ્રાય કરતાં જૈનધર્મના એક અભ્યાસી તરીકે મારો અભિપ્રાય કંઈક જુદો પડે છે. તે આ લેખમાં વિદ્વાનો સમક્ષ નમ્રતાપૂર્વક રજૂ કરવા રજા લઉં છું.
જૈનધર્મને એક સામાન્ય આચારવિચારવાળો ધર્મ માની લઈ, જેઓ તેને જગતનો એક અમૂલ્ય વારસો નથી સમજતા, તેઓને તે બન્નેય લેખકો સમજાવવા માગે છે કે, “જૈનધર્મ એક સામાન્ય વસ્તુ નથી, પરંતુ તેનું ચણતર વિજ્ઞાનના વિચારો ઉપર રચાયેલું છે.” પરંતુ આ સ્વરૂપ પણ ખરી રીતે જૈનધર્મ માટે ન્યૂનોક્તિવાળું જણાય છે. જૈનધર્મ માત્ર વિજ્ઞાનશાસ્ત્રસિદ્ધ છે અને એટલા પૂરતો જ માત્ર વૈજ્ઞાનિક ધર્મ છે, એવું નથી પણ “તત્ત્વજ્ઞાનશાસ્ત્રસિદ્ધ છે, તત્ત્વજ્ઞાનમય છે.”
તત્ત્વજ્ઞાન શબ્દ અને વિજ્ઞાન શબ્દ : નીચે પ્રમાણે જુદા જુદા અર્થમાં પ્રચલિત છે. એટલે બન્નેયમાં અર્થ ભેદ છે તે નીચે પ્રમાણે–
વિજ્ઞાન શબ્દનો અર્થ કોઈ પણ એક સાયન્સ-કોઈ પણ એક વિષયનું પદ્ધતિસર શાસ્ત્ર, એવો થાય છે. દાખલા તરીકે : યંત્રવિજ્ઞાન, શબ્દવિજ્ઞાન, ભૂમિતિવિજ્ઞાન, ભૂસ્તરવિજ્ઞાન, ભૂતલવિજ્ઞાન, ભૂગર્ભવિજ્ઞાન, ખગોળવિજ્ઞાન, સુતારીશિલ્પ વિજ્ઞાન, બાંધકામશિલ્પવિજ્ઞાન, ચિત્રવિજ્ઞાન, આરોગ્ય વિજ્ઞાન, પ્રમાણવિજ્ઞાન, માનવિજ્ઞાન, અધ્યાત્મવિજ્ઞાન વગેરે નાનાં મોટાં વિજ્ઞાનોનું એક મોટું લિસ્ટ થવા જાય, પરંતુ આમાં દરેક વિજ્ઞાન મુખ્યપણે સ્વતંત્ર હોય છે અને એવાં સંખ્યાબંધ વિજ્ઞાન જગતમાં હોય છે. ,