________________
તત્ત્વજ્ઞાન તો જગતમાં એક જ હોઈ શકે, કેમ કે તત્ત્વજ્ઞાનનો વિષય જ એટલો બહોળો છે, કે જે આખા વિશ્વ ઉપર ફરી વળે છે. તત્ત્વજ્ઞાન જગતનાં સર્વ વિજ્ઞાનોનો પરસ્પર સંબંધ, સમન્વય અને ગૌણ મુખ્ય ભાવનું પ્રતિપાદન કરે છે. સંપૂર્ણ વિશ્વદર્શનનું નામ તત્ત્વજ્ઞાન (ફિલોસોફી-Philosophy) છે.
આ ઉપરથી સમજી શકાશે કે તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં મોટો તફાવત છે. તત્ત્વજ્ઞાન વ્યાપક છે અને લાખો વિજ્ઞાનો તેના પેટમાં સમાય છે.
- હાલના સંશોધકો અનેક વિજ્ઞાનોની શોધો ચલાવી રહ્યા છે અને દરેકમાં દરરોજ નવું નવું શોધ્યાની જાહેરાત કરે છે, છતાં એટલું તો કહે જ છે કે, “હજુ કોઈ પણ વિજ્ઞાન પૂરું શોધી શકાયું નથી. દરેકમાં નવી શોધ થાય છે કે જૂની શોધ ખોટી પડે છે અથવા કેટલીક જૂની શોધ વધારે સ્પષ્ટ પણ થાય છે. પરંતુ દરેકનો છેડો આવી ગયો છે, એમ સમજવાનું નથી, હજુ પાશેરામાં પહેલાં પૂણી કંતાઈ છે. શોધાયું માનીએ છીએ, તેના કરતાં કંઈક ગણું હજુ અણશોધ્યું રહ્યું છે.”
આ ઉપરથી આપણે એમ તો સમજી શકીશું જ કે, જ્યારે એક પણ વિજ્ઞાન સંપૂર્ણ શોધાયું નથી, ત્યારે સંપૂર્ણ વિજ્ઞાનો શોધવાની તો વાત જ શી? અને જ્યારે સંપૂર્ણ વિજ્ઞાનો શોધાયાં નથી, તો તત્ત્વજ્ઞાન શોધાયાની તો વાત જ શી ? અને
જ્યારે તત્ત્વજ્ઞાનના સંશોધનની વાત પણ થઈ શકતી નથી, તો પછી જગત માટે અબાધ્ય સાંગોપાંગ અને શુદ્ધ : જીવનમાર્ગ શોધી આપવાની તો વાત જ ક્યાં રહી ?