________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮| સૂત્ર-૧ (ii) અનભિગૃહીત મિથ્યાદર્શન -
વળી અન્યદર્શનમાં પણ જેઓ મોક્ષના અર્થી થયા છે અને અતત્ત્વનો રાગ નષ્ટપ્રાયઃ છે, તેથી તે તે દર્શનમાં પણ સમપરિણામને અનુકૂળ જે જે ઉચિત પ્રવૃત્તિ છે તેના પ્રત્યે જ બદ્ધરાગવાળા છે તેઓમાં અભિગૃહતમિથ્યાદર્શન હોવા છતાં તત્ત્વની પ્રાપ્તિને અનુકૂળ ઉચિત ચિત્તની ભૂમિકાવાળા હોવાથી મંદમિથ્યાદૃષ્ટિ છે. જેઓએ કોઈ દર્શનનો સ્વીકાર કર્યો નથી અને વિપર્યાસબુદ્ધિવાળા છે તેથી ભોગવિલાસ સાર જણાય છે તેમાં અનભિગૃહતમિથ્યાદર્શન છે. અથવા જેઓએ કોઈ ચોક્કસ દર્શન સ્વીકાર્યું નથી અને બધાં દર્શન સારાં છે તેવી સામાન્ય બુદ્ધિને ધારણ કરે છે તેઓ પણ અનભિગૃહતમિથ્યાદર્શનવાળા છે. તેવા જીવોમાં કેટલાકનું મિથ્યાદર્શન અતિવિપર્યાસથી યુક્ત હોય તો તેઓનું મિથ્યાદર્શન ગાઢ છે. વળી જેઓનું અનભિગૃહતમિથ્યાદર્શન પણ નિમિત્ત પામીને નિવર્તન પામે તેવું છે તેમાં ગાઢ મિથ્યાદર્શન નથી, તેથી તેઓ સામગ્રી પામીને યોગમાર્ગને પણ પ્રાપ્ત કરે છે. જેમ, મેઘકુમારના જીવને હાથીના ભાવમાં દુઃખી એવા સસલા પ્રત્યે અત્યંત દયા થાય છે, તે વખતે પણ મિથ્યાદર્શન વિદ્યમાન હતું; કોઈ વિપરીત દર્શનનો સ્વીકાર ન હતો, તેથી અનભિગૃહતમિથ્યાદર્શન હતું. સામગ્રીને પામીને તે નિવર્તન પામે તેવું શિથિલ હોવાથી મેઘકુમારના ભવમાં વિર ભગવાનને પ્રાપ્ત કરીને એમનું મિથ્યાદર્શન નિવર્તન પામે છે. (૨) અવિરતિ:
સાતમા અધ્યાયમાં હિંસાદિ પાંચથી વિરતિ એ વ્રત છે, એમ કહ્યા બાદ તેના દેશ અને સર્વથી ભેદો બતાવ્યા; તે વિરતિથી વિપરીત અવિરતિ છે. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ યોગ્ય જીવને મિથ્યાદર્શનની નિવૃત્તિ થઈ હોય તો કર્મબંધના પાંચ હેતુમાંથી મિથ્યાદર્શનરૂપ એક બંધહેતુના અભાવની પ્રાપ્તિ થાય. તેથી એવા જીવમાં અવિરતિ આદિ ચાર કર્મબંધનાં કારણો વિદ્યમાન રહી શકે છે, જે જીવમાં મિથ્યાદર્શનની નિવૃત્તિ થઈ છે એ જીવને નિર્મળ દૃષ્ટિરૂપ સમ્યગ્દર્શન પ્રગટેલ છે. આ સમ્યગ્દર્શન કર્મબંધના શેષ ચાર હેતુઓ પ્રત્યે દ્વેષ ઉત્પન્ન કરે છે, તેથી સમ્યગ્દષ્ટિ આત્મા શક્તિ અનુસાર કર્મબંધના તે ચારે હેતુઓને સતત દૂર કરવા યત્ન કરે છે. આમ છતાં જ્યાં સુધી દેશથી વિરતિ કે સર્વથી વિરતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અવિરતિરૂપ કર્મબંધનો હેતુ વિદ્યમાન છે. હિંસાદિ પાપસ્થાનકોની સંપૂર્ણ વિરતિ ભાવસાધુને હોય છે અને શ્રાવકોને આંશિક વિરતિ હોય છે. ભાવસાધુ પોતાના આત્મામાં વર્તતા મોહના પરિણામને નાશ કરવા માટે સતત પ્રયત્ન કરે છે અને હિંસાદિની નિવૃત્તિ હોવાથી પકાયના પાલનમાં સતત ઉદ્યમ કરે છે. (૩) પ્રમાદ :
જે મહાત્મા તે પ્રકારનો યત્ન કરીને અવિરતિરૂપ બંધના હેતુને દૂર કરે છે તેવા મહાત્મામાં પ્રમાદ, કષાય અને યોગરૂપ બંધના હેતુઓ પ્રાપ્ત થઈ શકે છે; આમ છતાં સમ્યગ્દર્શન વિદ્યમાન હોવાને કારણે તે મહાત્મા પ્રમાદ, કષાય અને યોગરૂપ બંધના હેતુઓને નાશ કરવા માટે સતત ઉદ્યમ કરે છે. પ્રમાદનું સ્વરૂપ બતાવવા માટે ભાષ્યકારશ્રી કહે છે – (૧) સ્મૃતિનું અનવસ્થાન, (૨) કુશળમાં અનાદર અને (૩) યોગનું દુષ્મણિધાન એ પ્રમાદ છે.